વોચમેનની બેદરકારીથી થયેલા નુકસાનનું વળતર એજન્સીએ ચુકવવું પડશે, કોર્ટેનો આદેશ
સુરત. ગ્રાહક સુરક્ષાના એક અનોખા પ્રકારના કેસમાં વોચમેન (સિકયુરિટી ગાર્ડ)ની બેદરકારીને કારણે કાર ડીલરને થયેલ આર્થિક નુકશાનનો વિવાદ ઉપસ્થિત થયો હતો. કાર ડીલરના શો-રૂમના વોચમેને ડીલરના અધિકૃત અધિકારીઓના સહી તેમજ Payment Receivedના સિકકાની ચકાસણી કર્યા વિના રીપેર/સર્વિસમાં આવેલી 31 મોટરકારને શો-રૂમ બહાર જવા દીધી હતી. જેને પરિણામે રીપેરીંગ/સર્વિસ ચાર્જના ગુમાવવા પડેલા રૂા. 4.73 લાખ ડીલરને વ્યાજ/વળતર સહિત ચુકવી આપવાનો સીકયુરિટી એજન્સીને સુરત જીલ્લા ફોરમે કરેલ હુકમ રાજયની વડી અદાલત (સ્ટેટ કમિશન)એ પણ માન્ય રાખ્યો છે.
કેસની વિગત મુજબ એક મોટર કંપનીએ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં (સામાવાળા) વિરુધ્ધ દાખલ કરાયેલી ફરિયાદની વિગતો એવી હતી કે, ફરિયાદી કંપની શો-રૂમ ધરાવે છે. ફરિયાદી કંપનીએ પોતાના શો-રૂમ પર પોતાની, સ્ટાફની, શો-રૂમવાળી મિલકતની, તેમજ વાહનોની સલામતી માટે સિક્યોરીટી સર્વિસ માટે સામાવાળાઓએ સાથે તાઃ ૨૦/૦૮/૨૦૦૯ ના રોજનો કરાર કરેલો. તેમજ ફરિયાદી દ્વારા સામાવાળાને તા: ૨૦/૦૮/૨૦૦૯ ના રોજની વર્ડ ગાઈડલાઈન્સ આપેલી. વર્ક ગાઈડલાઈન્સની ર્ટમ્સ એન્ડ કન્ડીશનશ અન્વયે શો-રૂમમાંથી બહાર નીકળતા પ્રત્યેક વાહનનો ગેટપાસ સામાવાળાએ તેમના કર્મચારીએ ચેક કરવાનો હતો. અને યોગ્ય / અધિકૃત વ્યક્તિની સહી વાળો ગેટપાસ ન હોય તેવા કોઈપણ વાહનને શો-રૂમની બહાર જવા દેવાનું ન હતું. ગેટપાસ પર ફરિયાદીએ સામાવાળાને ગેટપાસ પર કુલ પાંચ અધિકૃત વ્યકિત પૈકી કોઈ એકની સહી જરૂરી હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ તા: ૩૦/૦૪/૨૦૧૧ ના રોજ એ મુજબનો એક પત્ર ફરિયાદી તરફે સામાવાળાને આપવામાં આવેલો. જેમાં જણાવ્યા પ્રમાણે અમુક ચોકકસ વ્યકિતની સહી ઉપરાંત પેમેન્ટ રીસીવ્ડનો સિકકો ગેટપાસ પર હોવાનું જરૂરી હતું. પત્રની એક નકલ ગેટ પર આવેલ સિકયોરીટી કેબીન પર પણ ચોંટાડવામાં આવેલ.
ઉપરોકત હકીકત હોવા છતાં ફરિયાદીને પાછળથી હિસાબો C.A દ્વારા ઓડિટ થયા બાદ જાણવા મળેલું કે સામાવાળા/ તેમના કર્મચારીઓ અત્યંત બેદરકાર રહેલા. અને સામાવાળાએ અધિકૃત વ્યકિતની સહીવાળા ગેટપાસ વગર અથવા કોરા ગેટપાસના આધારે કેટલીક મોટરકારની ડીલીવરી આપી દીધેલી. અને એ રીતે કુલ ૩૧ મોટરકારને ગેટ પાસ વગર અથવા કોરા ગેટ પાસના આધારે શો-રૂમમાંથી બહાર જવા દીધેલ. મોટરકાર ફરિયાદીના વર્કશોપમાં સર્વિસ / રીપેર માટે આવેલ હતી. અને મોટરકારના સર્વિસીસ/ રીપેરીંગ માટેના ફરિયાદીના ચાર્જીસ રૂા. ૪.૭૩ લાખ જેટલાં જે-તે મોટરકારધારક પાસે લેવાના બાકી પડતા હતા. પરંતુ સામાવાળાના સ્ટાફે તેમની સેવામાં બેદરકારી અને સેવામાં ક્ષતિ દાખવીને અધિકૃત વ્યકિતઓની સહી વાળા ગેટપાસ વગર અથવા કોરા ગેટપાસ આધારે ૩૧ મોટરકારની ડીલીવરી જે-તે મોટરકાર ધારકોને આપી દીધેલી. જેથી તેવી મોટરકાર્સના રીપેરીંગ/ સર્વિસીંગ ચાર્જીસની બાકી પડતી રકમ રૂા. ૪.૭૩ લાખ ફરિયાદીને મળી શકેલ નહી. અને એ રીતે ફરિયાદીને આર્થિક-નુકશાન થયેલું. ફરિયાદીના તાઃ ૩૧.૩.૨૦૧૨ ના વર્ષ માટેના હિસાબો ઓડિટ થયા ત્યારે ઉપરોકત બાબત ફરિયાદીના ધ્યાનમાં આવેલી અને તેથી ફરિયાદીએ સામાવાળાને તેમના સ્ટાફની બેદરકારીથી પોતાને થયેલ નુકશાનની રકમ રૂા. ૪.૭૩ લાખ ચૂકવી આપવા માટે જણાવેલ. પરંતુ સામાવાળાએ દાદ ન આપેલી. તેમજ તાઃ ૩૦/૦૬/૧૧ના રોજના પત્રથી પોતે સિકયોરીટી સર્વિસ આપવાનું તાઃ ૧૫/૦૭/૧૧ થી બંધ કરે છે એમ જણાવી દીધેલું. જેથી ફરિયાદી કંપની એડવોકેટ શ્રેયસ દેસાઇની સલાહ મેળવી શ્રેયસ દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં સામાવાળા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવેલી.
ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ રજુઆતો કરી હતી કે, ફરિયાદી કંપનીના શો-રૂમની સ્થાવર- જંગમ મિલકતોની સુરક્ષા માટે સિકયુરિટી એજન્સીની સેવા લેવામાં આવી હતી. અને ફરિયાદી કંપનીના હીતનું ધ્યાન રાખવાની ફરજ અને જવાબદારી સિકયુરિટી એજન્સીની હતી. ફરિયાદી કંપની તરફે સામાવાળાને ફરિયાદીની વર્કશોપ/શો-રૂમમાંથી વાહન બહારા જવા બાબતે આપવામાં આવેલી જરૂરી ગાઇડલાઇન્સનું સામાવાળાના સિકયુરીટી ગાર્ડે પાલન કરવાનું જરૂરી હતું. પરંતુ સામાવાળાના સિકયુરીટી ગાર્ડે બેદરકારી દાખવીને ગેટ પાસ ચકાસ્યા વિના ૩૧ મોટરકારને જવા દીધેલી. જેને કારણે રીપેરીંગ ચાર્જિસના રૂા. ૪.૭૩ લાખ ફરિયાદી કંપનીને મળી શકેલ નહીં. આર્થિક નુકશાન સામાવાળાના સિકયુરીટી ગાર્ડની બેદરકારીને કારણે થયેલ હોવાથી સામાવાળા મજકુર નુકશાનનું વળતર ફરિયાદીને ચુકવી આપવા જવાબદાર છે.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડીશનલ) ના તત્કાલીન પ્રમુખ ન્યાયાધીશ એસ.જે.શેઠે કરેલ હુકમમાં ફરિયાદીની ફરિયાદ મંજુર કરી ફરિયાદી કંપનીને થયેલ આર્થિક નુકશાનના રૂા. ૪.૭૩ લાખ વ્યાજ વળતર તથા ખર્ચ સહિત ચૂકવી આપવા સામાવાળાને (Security Agency ના સંચાલકને) આદેશ આપતો હુકમ કરેલો હુકમથી નારાજ સામાવાળાએ ગુજરાત રાજયની વડી ગ્રાહક અદાલત(ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન) અમદાવાદ સમક્ષ અપીલ કરીને સુરત ફોરમના હુકમને પડકારેલો અને સુરત ફોરમના હુકમને રદ કરાવવાની દાદ માંગેલી. પરંતુ, ગુજરાત રાજય ગ્રાહક નિવારણ કમિશનના પ્રીસાઇડીંગ મેમ્બર ડો. જે.જી.મેકવાન અને મેમ્બર અર્ચનાબેન રાવલની બેંચે કરેલ હુકમમાં ફરિયાદી કંપનીને થયેલ નુકશાનની રકમ રૂા. ૪.૭૩ લાખ ફરિયાદી સામાવાળા પાસે મેળવવા હકકદાર હોવાના તારણ પર આવી સુરત જિલ્લા કમિશને કરેલો હુકમ કન્ફર્મ કરેલો. અને સામાવાળા (Security Agency) એ કરેલ અપીલ રદ કરવાનો હુકમ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp