ગુજરાતમાં ભાડેથી રહેતા લોકોનું ભાડું માફ કરવા સુરતની સંસ્થાએ CMને પત્ર લખ્યો

PC: theindianwire.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનના કારણે 2 મહિના રાજ્યના મોટાભાગના ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 2 મહિનાથી ધંધા-રોજગાર બંધ હોવાના કારણે લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભાડે રહેતા લોકો તેમના ઘરનું ભાડું ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેના કારણે સુરતની એક સંસ્થા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ગુજરાત રાજ્યના ભાડુઆતોનું ભાડું માફ કરવા માટે રજૂઆત કરી હતી.

સુરતની સંસ્થાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, જ્યારે આજે સંપૂર્ણ દેશ લોકડાઉનના નિયમોનું પાલન કરીને કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં મોટા ભાગના લોકો ભાડેથી રહે છે. તે લોકો પાસે સંપૂર્ણ વેપાર ધંધો બંધ હોવાના કારણે આવકનો કોઈ સ્રોત રહ્યો નથી. આવા સમયે પોતાની બચતના રૂપિયાથી ભાડું ભરવું કે, પોતાનું ઘર ચલાવવું એ એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે આવા સમયમાં ભાડે રહેનારા લોકોને કોરોનાની મહામારીમાં પરોક્ષ રીતે મદદ મળી રહે તે માટે ત્રણ મહિનાનું ભાડું માફ કરવાની મકાનમાલિકને દરખાસ્ત કરવામાં આવે તેવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. જેથી ભાડે રહેતા લોકોને સહાય મળી રહે અને તે લોકો આ સમસ્યામા પણ ટકી રહે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે ઘણા ભાડુંઆતોની આર્થિક પરિસ્થિતિ જોઇને તેમના મકાન માલિકે ભાડાના ઘરમાં રહેતા કે, ભાડાની દુકાનમાં ધંધો કરતાં લોકોનું ભાડું માફ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંતુ કેટલીક વખત એવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં મકાન માલિક દ્વારા કોરોના લોકડાઉનના સમયમાં ભાડા માટે દબાણ કરવામાં આવતુ હોય. બનાસકાંઠામાં તો એક મકાન માલિક દ્વારા તેમના 90 જેટલા મકાન અને દુકાનમાં રહેતા તમામ ભાડુઆતોનું લાખો રૂપિયાનું ભાડું ત્રણ મહિના માટે માફ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મકાન માલિકના આ નિર્ણયના કારણે ભાડૂઆતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp