રાંદેરની સ્કૂલ પાછળથી એમડી ડ્રગ સાથે બે પકડાયા

PC: Khabarchhe.com

 યુવાધનને બરબાદીના પંથે લઈ જનારા ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કરવામાં સુરત પોલીસને સફળતા સાંપડી છે. મુંબઇથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાનું વધુ એક વખત પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે. આ અગાઉ પોલીસે બે વખત ડ્રગ્સના કાળા કારોબાર કરનારાને પકડી પાડ્યા તે વખતે પણ ડ્રગ્સ મુંબઇથી સુરત આવતું હોવાનું ફલિત થયું હતું. આ ત્રીજી વખત પણ ડ્રગ્સ મુંબઇથી આવતું હોવાનું ફલિત થયું છે. પોલીસે રૂ. 4.78 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે યુવાનોની ધરપકડ કરી છે.

રાંદેરમાં પીપરડીવાળા સ્કૂલની પાછળ અમરીન પાર્ક પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરવા માટે આવેલા બે જણાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી તેની પાસેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસને એવી બાતમી મળી હતી કે સરફરાજ ઈકબાલ પટેલ ડ્રગ્સનું વેચાણ કરે છે અને તેનો સાગરીત ગુલામ ઉર્ફે લાલા બરકતખાન જીલાની મુંબઈથી ડ્રગ્સ લાવીને આપે છે.

આજે મુંબઈથી ડ્રગ્સ લાવી સરફરાજને આપવા માટે રાંદેર પીપરડીવાલા સ્કૂલની પાછળ આવવાનો છે જે બાતમીને પીએસઆઈ વી.સી.જાડેજાએ વર્ક આઉટ કરી સ્ટાફના એએસઆઈ ભરત દેવીદાસ, મુનાફ ગુલામ રસુલ, અનિલ વિનજીભાઈસ અને કોન્સ્ટેબલ રાજેશ પિતામ્બર અને અશોક લાભુભાઈ સાથે મળીને બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી ડ્રગ્સની ડિલેવરી કરતી વખતે સરફરાજ ઈકબાલ પટેલ (રહેઃ પીપરડીવાળા સ્કૂલની પાછળ )અને ડિલેવરી આપવા આપેલા ગુલામ ઉર્ફે લાલા બરકતખાન જીલાની (રહે, ખાટકીવાડ, નાનપુરા)ને ઝડપી પાડ્યા હતા. મુંબઈના યુવકને વોન્ટેડ બતાવી આરોપી સામે રાંદેરમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp