સુરતમાં મહિલા ડૉક્ટરે આપઘાત કર્યો, સ્યૂસાઇડ નોટમાં લખ્યું પપ્પાનું ધ્યાન રાખજો

PC: News18.com

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની હોસ્પિટલમાં ડોક્ટરોની અછત વર્તાઈ રહી છે. તો બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધેલા કોરોના સંક્રમણ વચ્ચે ડોક્ટરોની કામગીરીમાં ખૂબ જ વધારો થયો છે. હોસ્પિટલ સ્ટાફ સહિત ડોક્ટરોએ ઓવરટાઈમ કરવાનો વારો આવ્યો છે અને કેટલી હોસ્પિટલો માતો ડોક્ટરોને 18થી 20 કલાક ફરજ બજાવવી પડી રહી છે. ત્યારે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે એક મહિલા તબીબે પોતાના ઘરમાં આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ડોક્ટરે પોતાના જ ઘરમાં ઇન્જેક્શનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના સ્થળની તપાસ કરી હતી તપાસ દરમિયાન પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મહિલા તબીબે આપઘાત કરતા પહેલાં લખ્યું હતું કે હું મારા પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું. મારા પપ્પાનું ધ્યાન રાખજો.

રિપોર્ટ અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર મુક્તાનંદ સોસાયટીમાં કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મહિલા ડોક્ટરનું નામ અહલ્યા હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. ડોક્ટર અહલ્યા ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેસિયા તરીકે ફરજ બજાવતી હતી. મહિલા ડોક્ટર હોસ્પિટલ બે દિવસથી ન ગઇ હોવાના કારણે તેમના પરિચિત ડોક્ટરો દ્વારા તેમને ફોન કરવામાં આવતા હતા પરંતુ ડોક્ટર અહલ્યા એક પણ વ્યક્તિનો ફોન રિસીવ કરતી ન હતી જેથી આ બાબતે ડોક્ટર અહલ્યાની મિત્રને શંકા ગઈ હતી અને તેના જ કારણે તે ડોક્ટર અહલ્યાના ઘરે ગઇ હતી.

ડોક્ટર અહલ્યાની બહેનપણીએ ડોક્ટરના ફ્લેટની બીજી ચાવી મેળવીને ઘરનો દરવાજો ખોલ્યો હતો પરંતુ ડોક્ટરના બેડરૂમનો દરવાજો બંધ હતો. અવાર નવાર દરવાજો ખખડાવ્યો હોવા છતાં પણ ડોક્ટરે દરવાજો ખોલ્યો ન હતો. તેથી ડોક્ટર અહલ્યાની બહેનપણીએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ડોક્ટર અહલ્યાના બેડરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો અને રૂમની અંદર પ્રવેશતા જ ડોક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસ દ્વારા ડોક્ટર અહલ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રૂમની તપાસ કરતાં રૂમમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી અને તેમાં લખ્યું હતું કે, હું પગલું ભરૂ છું તે માટે કોઇ જવાબદાર નથી મારા પપ્પાને હું ખૂબ પ્રેમ કરું છુ. મારા પપ્પાનું ધ્યાન રાખજો. આ સમગ્ર મામલે પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે, ડોક્ટરે કયા કારણોસર આપઘાત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp