
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 132 રને જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસે ભારતે કાંગારૂ ટીમને બીજા દાવમાં માત્ર 91 રનમાં આઉટ કરી દીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે.
બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. હવે BCCIએ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરી દીધો છે. આ નિર્ણય ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમશે. 16 ફેબ્રુઆરીથી ઈડન ગાર્ડનના મેદાન પર બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે.
BCCIની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી જયદેવ ઉનડકટને બહાર કરવાનો નિર્ણય લીધો છે. જયદેવ હવે 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બંગાળ સામે રમાનાર રણજી ટ્રોફી ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકેલી સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાશે.'
જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની ટીમનો કેપ્ટન છે. તેની ગેરહાજરી છતાં, સૌરાષ્ટ્રે સેમિફાઇનલમાં કર્ણાટકને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2019-20 સિઝનની ચેમ્પિયન ટીમ સૌરાષ્ટ્રે સેમિફાઇનલ મેચના પાંચમા દિવસે જીતવા માટે જરૂરી 115 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે, 2019-20ની રણજી સિઝનમાં પણ ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઈ હતી.
NEWS - Jaydev Unadkat released from India’s squad for 2nd Test to take part in the finals of the Ranji Trophy.
— BCCI (@BCCI) February 12, 2023
More details here - https://t.co/pndC6zTeKC #TeamIndia pic.twitter.com/8yPcvi1PQl
જયદેવ ઉનડકટે વર્ષ 2010માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જયદેવ ઉનડકટને લાંબી રાહ જોયા બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે તેની કારકિર્દીની બીજી ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. 31 વર્ષીય જયદેવ ઉનડકટે વર્ષ 2013માં ભારત માટે સાત વનડે મેચ પણ રમી છે, જેમાં તેના નામે આઠ વિકેટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp