આ ખેલાડી પણ ઇંગ્લેન્ડ સામેની સીરિઝથી થયો બહાર, ભારતીય ટીમે ગુમાવ્યા 3 ખેલાડી

PC: BCCI

ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝની શરૂઆત 4 ઓગસ્ટથી થવાની છે, પરંતુ એ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડી ઈંગ્લેન્ડ વિરુદ્વની સીરિઝથી બહાર થઈ ગયા છે. ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બોલર આવેશ ખાન ઇજાગ્રસ્ત થયા બાદ હવે વૉશિંગટન સુંદરના રૂપમાં ભારતને ઝટકો લાગ્યો છે. તેને પણ ઇજા થઈ ગઈ છે અને તે હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે. વૉશિંગટન સુંદર અને આવેશ ખાન બંને ડરહમમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યા હતા. આ બંને જ ખેલાડી કાઉન્ટી 11ની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હતા, પરંતુ આંગળીની ઇજાના કારણે હવે વૉશિંગટન સુંદર અને આવેશ ખાન બંને ઈંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝથી બહાર થઈ ગયા છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ વૉશિંગટન સુંદરને આંગળીમાં ઇજા થઈ છે, જોકે અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે આખરે તે ક્યારે ઇજાગ્રસ્ત થયો. કાઉન્ટી સિલેકટ ઇલેવન માટે રમતા વૉશિંગટન સુંદર માત્ર એક જ રન બનાવી શક્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરેલો આ ખેલાડી મોહમ્મદ સિરાજના બાઉન્સરનો શિકાર થયો હતો. વોશિંગટન સુંદરનું ઈંગ્લેન્ડ પ્રવાસથી બહાર થવું ભારતીય ટીમ માટે એક મોટો ઝટકો છે કેમ કે વૉશિંગટન સુંદર સારો બોલર હોવા સાથે સાથે સારી ટેક્નિકનો બેટ્સમેન પણ છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગાબા ટેસ્ટની પહેલી ઇનિંગમાં 62 રન બનાવીને ભારતીય ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ તેણે ઇંગ્લેડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં પણ 90.50ની એવરેજથી 181 રન બનાવ્યા હતા. સ્પષ્ટ છે કે નીચેના ક્રમમાં વૉશિંગટન સુંદર ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ માટે મહત્ત્વનું હથિયાર સાબિત થઈ શકતો હતો, પરંતુ હવે તે ઇજાગ્રસ્ત થઈ જવાના કારણે પ્રવાસથી બહાર થઈ ગયો છે. શુભમન ગિલ બે અઠવાડિયા પહેલા જ ઇજાગ્રસ્ત થઈ જવાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસથી બહાર થઈ ગયો હતો અને હવે ભારત આવતો રહ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ શુભમન ગિલની જગ્યાએ કોઈ બીજા ખેલાડીને ઈંગ્લેન્ડ મોકલવા માટે ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે વૉશિંગટન સુંદર અને આવેશ ખાન ઇજાગ્રસ્ત થયા બાદ BCCI શું કરશે એ જોવાનું રસપ્રદ રહેશે. આમ તો ભારતીય ટીમ પાસે વિકલ્પની કોઈ અછત નથી. શ્રીલંકામાં પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ભુવનેશ્વર કુમાર દીપક ચાહર ફોર્મમાં નજરે પડી રહ્યા છે. સંભવ છે કે BCCI શ્રીલંકાથી 2-3 ખેલાડીઓને ઈંગ્લેન્ડ મોકલે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp