IPLના સૌથી યુવા ખેલાડી વૈભવે 13 વર્ષની ઉંમરે 46 બોલમાં જાણો કેટલા રન ફટકારી દીધા
બિહારના લાલ વૈભવ સૂર્યવંશીએ શારજાહમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની જેમ 'સેન્ડ સ્ટોર્મ' ઇનિંગ્સ રમી છે. 13 વર્ષના વૈભવે UAE વિરૂદ્ધ અંડર-19 એશિયા કપની મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારી અને ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો. પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલા વૈભવે ત્રીજી અને છેલ્લી લીગ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. વૈભવને હાલમાં IPL 2025 મેગા ઓક્શનમાં 1.10 કરોડ રૂપિયાની બોલી પર ખરીદવામાં આવ્યો હતો.
તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. ભારતને UAE સામે 138 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ ઓછામાં ઓછી ઓવરમાં જીતવી જોઈતી હતી. વૈભવ આજે અલગ જ મૂડમાં દેખાતો હતો. આવતાની સાથે જ તેણે પહેલા બોલ પર સિક્સર મારીને પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો હતો કે, આજે તેને રોકવો આસાન નહીં હોય. આજથી બરાબર 24 વર્ષ પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિને ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં શાનદાર સદી ફટકારી હતી, જેને 'ડેઝર્ટ સ્ટોર્મ' (રેતીનું વાવાઝોડું) નામ આપવામાં આવ્યું હતું.
બિહારના સમસ્તીપુરના રહેવાસી ડાબા હાથના ઓપનર વૈભવ સૂર્યવંશીએ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે UAE સામે 46 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે 165.22ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. વૈભવે તેના ઓપનિંગ પાર્ટનર આયુષ મ્હાત્રે સાથે મળીને 16.1 ઓવરમાં 143 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને ન માત્ર જીત અપાવી, પરંતુ તેને સેમિફાઇનલમાં પણ પહોંચાડી. આ મેચ ભારતીય ટીમ માટે 'કરો યા મરો' જેવી હતી. તેણે આ મેચ મોટા અંતરથી જીતવી હતી. તો જ તેને ફાઈનલ 4ની ટિકિટ મળશે. વૈભવે જવાબદારી પોતાના ખભા પર લઈને સમજદારીથી આ ઈનિંગ્સ રમી હતી.
બિહારના ઉભરતા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2025ની હરાજી પછી તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ અગાઉ, તે આ ટૂર્નામેન્ટની બે મેચોમાં ઝડપથી આઉટ થઇ ગયો હતો. પ્રથમ બે મેચમાં બેટથી નિષ્ફળ રહ્યા પછી તેની ટીકા થવા લાગી હતી, પરંતુ આ આશાસ્પદ ખેલાડી પર વિશ્વાસ દર્શાવવા અને તેને સતત ત્રીજી મેચમાં રમવા માટે ઉતાર્યો, તે બદલ ભારતીય ટીમ મેનેજમેન્ટના વખાણ કરવા પડે છે. પરંતુ વૈભવે તેમને આ વખતે નિરાશ ન કર્યા અને તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી બતાવ્યું કે, તે આવનારા સમયનો સુપર સ્ટાર છે.
સચિન તેંડુલકરે 22 એપ્રિલ 1998ના રોજ શારજાહમાં કોકા કોલા કપ ટ્રાઇ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 143 રનની ઇનિંગ રમી હતી. 1998માં શારજાહમાં કોકા કોલા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 એપ્રિલે શ્રેણીની છઠ્ઠી મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો દાવ જ્યારે પૂરો થયો ત્યારે બ્રેક દરમિયાન રેતીનું તોફાન જોવા મળ્યું હતું. થોડા સમય પછી તોફાન તો નીકળી ગયું. પરંતુ ત્યાર પછી સચિને રમેલી તોફાની ઇનિંગ્સ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં છે. ઇનિંગની શરૂઆત કરવા આવેલા તેંડુલકરે 131 બોલમાં 143 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાંખ્યું હતું. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી અને એ રીતે આ ઇનિંગ્સને 'રેતીનું વાવાઝોડું' નામ આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp