26th January selfie contest

CSKના આ ખેલાડીએ કહી દીધું- આ મારી છેલ્લી IPL છે, તુરંત ટ્વીટ કરી દીધું ડિલીટ

PC: BCCI

IPLની આ સીઝન CSKના અંબાતી રાયુડુ માટે છેલ્લી છે એવી તેણે જાહેરાત કરી હતી, પરંતુ આ ટ્વીટને તેણે તરત જ ડિલીટ પણ કરી દીધુ છે. આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની બે જ મેચ બાકી છે. અડધી સીઝન બાદ ફરી કેપ્ટન્સી હાથમાં લેનાર મહેન્દ્ર સિંહ ધોનીની ટીમની બે જ મેચ બાકી છે, પરંતુ તેઓ પ્લેઓફ માંથી પહેલેથી બહાર છે.

આ સીઝન પુરી થાય એ પહેલાં જ રાયુડુએ જાહેરાત કરી છે કે તેની આ છેલ્લી સીઝન છે. 36 વર્ષના રાયુડૂએ IPLમાં અત્યાર સુધી 187 મેચ રમી છે, જેમાં તેણે 29.08ની એવરેજથી 3290 રન બનાવ્યા છે. રાયુડૂએ તેના IPL કરીઅરમાં એક સેન્ચુરી પણ મારી છે. તેનો બેસ્ટ સ્કોર 100 છે અને અત્યાર સુધીમાં 22 ફિફ્ટી મારી છે.

હૈદરાબાદમાં રહેતા રાયુડૂએ અત્યાર સુધીમાં આ સીઝનમાં બાર મેચમાં 271 રન કર્યાં છે. ટ્વીટ કરીને રાયુડીએ કહ્યું હતું કે ‘મને એ જણાવતાં ખુશી થાય છે કે આ IPL સીઝન મારી છેલ્લી છે. લીગમાં રમવું મારા માટે બેસ્ટ હતુ. 13 વર્ષમાં હું બે મોટી ટીમનો ભાગ રહ્યો છું જે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ છે. મારો આ સફર શાનદાર રહ્યો એ માટે તેમનો આભાર માનું છું.’

થોડા સમય બાદ રાયુડૂએ પોતેજ તેનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે. આથી ઘણાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. રાયુડૂ ખરેખર રિટાયર થઈ રહ્યો છે કે પછી કોઈ બીજા વાત છે. આ અગાઉ 2019માં પણ વન્ડે વર્લ્ડ કપમાં જગ્યા ન મળતાં રાયુડૂએ ત્રણે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેનું નામ સ્ટેન્ડ બાય પુર હતું એમ છતાં પસંદ ન કરવામાં આવ્યો હોવાથી તેણે નારાજ થઈને આ જાહેરાત કરી હતી. 2018માં લિમિટેડ ઓવર પર ધ્યાન આપવામાં માટે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી.

CSKના CEO કાશી વિશ્વનાથને કહ્યું હતું કે, મેં આ અંગે રાયડુ સાથે વાત કરી છે અને તે સંન્યાસ નથી લેવાનો. 

રાયુડુએ ઇન્ડિયા માટે 47.05ની એવરેજ સાથે 55 વનડેમાં ટોટલ 1694 રન બનાવ્યા હતા. તેનો હાઇએસ્ટ સ્કોર નોટઆઉટ 124 રનનો છે. તેણે ત્રણ સેન્ચુરી અને દસ ફિફટી પણ મારી છે. તેણે છ ટી20 મેચ પણ રમી છે. આ મેચમાં તેણે 10.50ની એવરેજથી 42 રન કર્યાં છે. આ સાથે જ રાયુડુના નામે 97 ફર્સ્ટ ક્લાસ મેચમાં 6151 રન પણ સામેલ છે.

અંબાતી રાયુડૂની જાહેરાતને લઈને ઇરફાન પઠાણે ટ્વીટ કર્યું હતું કે ‘અડંર-19ના દિવસોથી હું તારી સાથે ક્રિકેટ રમ્યો છું. મેદાનમાં તારી બેટિંગ અને એનર્જીનો હું હંમેશાંથી પ્રશંસક રહ્યો છું. ભાઈ તારી આગામી જર્ની માટે તને શુભેચ્છા. તે ખૂબ જ સારું કન્ટ્રીબ્યુશન આપ્યું છે અને તારી સિદ્ધીઓ પર તને ગર્વ હોવો જોઈએ.’

અંબાતી રાયડુએ ટ્વીટ ડિલીટ કરી દેતા ઇરફાનની શુભેચ્છા માટેની ટ્વીટને લઈને તેવે હવે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ઇરફાન પણ તેની ટ્વીટ ડિલીટ કરી દે તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp