મથીશા પથિરાનાએ કર્યું ઇન્ટરનેશનલ ડેબ્યૂ, જાણો કેવું રહ્યું પહેલી મેચમાં પ્રદર્શન

PC: espncricinfo.com

મથીશા પથિરાનાએ શુક્રવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી વન-ડે મેચમાં શ્રીલંકા માટે ડેબ્યૂ કર્યું હતું. લસિથ મલિંગા જેવું એક્શન હોવાના કારણે મથીશા પથિરાનાએ પોતાની ઓળખ પહેલા જ બનાવી લીધી છે અને પછી હાલમાં જ સમાપ્ત થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં તેણે ખૂબ શાનદાર પ્રદર્શન પણ કર્યું. તેણે IPL2023માં 12 મેચોમાં 16 વિકેટ લીધી હતી. તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર ધોનીનો ઘણો ભરોસાપાત્ર ખેલાડી બની ગયો હતો અને ડેથ ઓવરોમાં ટીમને ઘણી મેચોમાં વિકેટ અપાવી.

શ્રીલંકા માટે પોતાની પહેલી મેચ રમવા ઉતરેલો મથીશા પથિરાના ખૂબ મોંઘો સાબિત થયો, પરંતુ એક વિકેટ લેવામાં સફળ રહ્યો. ઈબ્રાહીમ જાદરાન માત્ર 2 રનથી સદી ચૂકી ગયો, પરંતુ તેની શાનદાર ઇનિંગની મદદથી અફઘાનિસ્તાને પહેલી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુક્રવારે શ્રીલંકાઅને 6 વિકેટે હરાવીને 3 મેચોની સીરિઝમાં 1-0 થી લીડ હાંસલ કરી લીધી છે. અફઘાનિસ્તાન સામે 269 રનનું લક્ષ્ય હતું, જે તેણે 4 વિકેટ ગુમાવીને 19 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધું.

આ મેચમાં મથીશા પથિરાનાએ 8.5 ઓવરમાં 66 રન આપીને એક વિકેટ લીધી. શ્રીલંકા તરફથી સૌથી મોંઘો બોલર રહ્યો. તેણે મેચમાં રહમત શાહની વિકેટ લીધી, જેણે 80 બૉલમાં 55 રન બનાવ્યા. મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાન માટે ઑપનર બેટ્સમેન ઈબ્રાહીમ જાદરાને 11 ફોર અને 2 સિક્સની મદદથી 98 રન બનાવ્યા. તેણે આ દરમિયાન રહમત શાહ (55) સાથે બીજી વિકેટ માટે 146 રનની પાર્ટનરશિપ કરી. આ બંને સિવાય કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ 38 અને મોહમ્મદ નબીએ નોટઆઉટ 27 રન બનાવ્યા.

શ્રીલંકા તરફથી બોલિંગ કરતા કાસૂન ચરિથાએ 2 વિકેટ લીધી, જ્યારે મથીશા પથિરાના અને લહીરૂ કુમારાને 1-1 વિકેટ મળી હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 4 વિકેટ માત્ર 84 રન પર ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચરિત અસલંકા (91) અને ધનંજય ડીસિલ્વા (51)એ પાંચમી વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર 268 સુધી પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલ ફારુકી અને ફરીદ અહમદે 2-2, જ્યારે અઝમતુલ્લાજ, મુજીબ ઉર રહમાન, નૂર અહમદ, મોહમ્મદ નબીને 1-1 વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp