શું રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી દીધી જાહેરાત? જાણો શું છે સત્ય

PC: timesofindia.indiatimes.com

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી 2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7 થી 11 જૂન વચ્ચે રમાઈ હતી.

કોણે શેર કર્યો દાવો?

‘ImROhitt45’ નામના એક ટ્વીટર હેન્ડલ પરથી આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. કેપ્શનમાં લખવામાં આવ્યું કે, “Retirement from Test cricket” (ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ). રિપોર્ટ લખવા સુધી આ પોસ્ટને 7 લાખ કરતા વધુ વ્યૂ મળી ચૂક્યા હતા.

શું છે હકીકત?

આ દાવો સાચો નથી. એવો કોઈ ન્યૂઝ રિપોર્ટ કે જાણકારી નથી જેમાં કહેવામાં આવ્યું હોય કે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં જે લખેલું દેખાઈ રહ્યું છે, તે હકીકતમાં એ વિરાટ કોહલીની એક નોટમાંથી લેવામાં આવ્યું છે. વિરાટ કોહલીએ આ નોટ ત્યારે લખી હતી, જ્યારે જાન્યુઆરી 2022માં તેણે ટેસ્ટની કેપ્ટન્સી છોડી હતી. તેણે 7 વર્ષ કરતા વધુ સમય સુધી કેપ્ટન્સી સંભાળી હતી.

અમે હકીકતની જાણકારી આ રીતે મેળવી?

અમે રોહિત શર્માના ટ્વીટર અકાઉન્ટ સહિત બીજા સોશિયલ મીડિયા હેન્ડલની શોધખોળ કરી, પરંતુ અમને તેના સંન્યાસ સાથે જોડાયેલી એવી કોઈ પોસ્ટ ન મળી. અમે કીવર્ડ સર્ચની મદદથી પણ સર્ચ કર્યું, પરંતુ એવી કોઈ જાણકારી સામે ન આવી. ત્યારબાદ અમે વાયરલ નોટને રિવર્સ ઇમેજ સર્ચ કરી. તેનાથી અમે વિરાટ કોહલીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ સુધી પહોંચી ગયા. આ જ નોટ વિરાટ કોહલીએ 15 જાન્યુઆરી 2022ના રોજ પોસ્ટ કરી હતી અને 7 વર્ષ સુધી એક ટેસ્ટ કેપ્ટનના રૂપમાં પોતાની યાત્રા બાબતે વાત કરી હતી.

તેણે પોતાની આ પોસ્ટમાં લખ્યું હતું કે, તેણે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કર્યું છે અને હવે સમય આવી ગયો છે કે તે ટેસ્ટ કેપ્ટનનું પદ છોડી દે. નોટમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો આભાર માન્યો હતો. હવે તેના પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈ બીજાની નોટ રોહિત શર્માની બતાવીને આ ખોટા દાવાથી શેર કરવામાં આવી રહી છે કે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp