મેદાન પર નીતિશ રાણા-આયુષ બદોની વચ્ચે ઝઘડો, અમ્પાયરે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચો સમાપ્ત થઈ ગઈ છે. બરોડા, મધ્યપ્રદેશ, મુંબઈ અને દિલ્હીની ટીમોએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. બુધવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન નીતિશ રાણા અને કેપ્ટન આયુષ બદોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોમાંચક મેચ દરમિયાન નીતિશ રાણા અને દિલ્હીના કેપ્ટન આયુષ બદોની વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ લીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નીતિશ બોલિંગ કર્યા પછી આયુષની સામે આવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા અને તેને ક્રિઝની અંદર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમ્પાયરે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિશ રાણા અગાઉ પણ ખેલાડીઓ સાથે ઘર્ષણ કરી ચુક્યો છે. ગયા વર્ષે IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના રિતિક શૌકીન સાથે તેની બોલાચાલી થઈ હતી. શૌકીને KKRના કેપ્ટનને સસ્તામાં આઉટ કરી દીધો હતો, ત્યારપછી પેવેલિયન પરત ફરતી વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
નીતિશ રાણાને KKR દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, હવે તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો જોવા મળશે. IPLની હરાજીમાં રાજસ્થાને તેને રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સે બદોનીને હરાજી પહેલા રૂ. 4 કરોડમાં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખ્યો હતો.
મેચની વાત કરીએ તો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ ઉત્તર પ્રદેશને 19 રને હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 193/9 રન બનાવ્યા હતા. દિલ્હી માટે પ્રિયાંશ આર્યએ 31 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય યશ ધુલે 34 બોલમાં 42 રન બનાવ્યા હતા. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ 18 બોલમાં 25 રન બનાવ્યા હતા.
Heated Moment between Nitish Rana and Ayush Badoni in SMAT 20 Match. pic.twitter.com/4G6u9xUKKx
— CricVik (@VikasYadav66200) December 11, 2024
લક્ષ્યનો પીછો કરતી વખતે UP 19.5 ઓવરમાં 174/10 રન જ બનાવી શકી હતી. UP તરફથી આર્યન જુયાલે 11 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન પ્રિયમ ગર્ગે 34 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય નીતિશ રાણાએ 3 બોલમાં 2 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ પણ વધારે પ્રભાવિત બતાવી શક્યો નહોતો. તેણે 7 બોલમાં 10 રન બનાવ્યા હતા. દિલ્હીએ UPને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp