ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સ શોધી રહ્યા છો? તો આ રહ્યા તમારા માટે 5 શ્રેષ્ઠ સ્થળો

17 Sep, 2017
10:31 AM
PC: images.google.com

ભારત રમતપ્રિય દેશ બિલકુલ નથી એ સત્ય સ્વીકારવું જ રહ્યું, પરંતુ સાથેસાથે આપણે એ હકીકતનો પણ સ્વીકાર કરવો જોઈએ કે છેલ્લા એક દાયકાથી ભારતમાં ક્રિકેટ સિવાયની રમતો અંગે જાગૃતિ આવી છે. તો છેલ્લા બે થી ત્રણ વર્ષમાં વિવિધ રમતોમાં લીગ્સ શરુ થતા ભુલાઈ ગયેલી રમતોમાં ફરીથી પ્રાણપ્રતિષ્ઠા થઇ છે અને કબડ્ડી તેનું તાજું ઉદાહરણ છે. આવી જ પરીસ્થિતિ આપણા દેશમાં એડવેન્ચર સ્પોર્ટ્સની પણ છે.

ભારતમાં એડવેન્ચર સ્પોર્ટ્સમાં લોકોનો રસ ઉભો કરવા માટે વિદેશી સ્પોર્ટ્સ ચેનલોનો ફાળો ઓછો આંકી ન શકાય. એવું નથી કે ભારતમાં વિદેશી સ્પોર્ટ્સ ચેનલના આવ્યા અગાઉ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી ન હતી. ભારતમાં અમુક વર્ષો અગાઉ એડવેન્ચર સ્પોર્ટ્સ એક અંગત શોખ તરીકે જોવામાં આવતો પરંતુ હવે તે માસ મુવમેન્ટ તરીકે શરુ થઇ ચૂક્યો છે.

અમે ભારતમાં એવા સ્થળો શોધી કાઢ્યા છે જ્યાં તમે એડવેન્ચર સ્પોર્ટ્સની પાંચ વિવિધ પ્રવૃત્તિઓ કરી શકો છો. તો તૈયાર છો એ જાણવા માટે?

પેરાગ્લાઈડીંગ

એકરીતે જોવા જઈએ તો પેરાગ્લાઈડિંગનો ઈતિહાસ ભારતમાં એકાદ બે દાયકાથી વધુ જુનો નથી. ભારતમાં બિલીંગ, કુલ્લુ, સોલાંગ, લાહૌલ અને સ્પિતિ જે હિમાચલ પ્રદેશમાં આવેલા છે તે ઉપરાંત ઉત્તરાખંડના નૌકૂટચીયાતલ, દાયરા બુગ્યાલ, ધનોતી રીજ, બેદની બુગ્યાલ પણ પેરાગ્લાઈડિંગ માટે પ્રખ્યાત બનતા જાય છે. એવું નથી કે પેરાગ્લાઈડિંગ પર ઉત્તર ભારતનો જ એકાધિકાર છે. રાજસ્થાનના જયપુર, જેસલમેર, જોધપુર, ઉદયપુર અને બિકાનેર તેમજ મહારાષ્ટ્રના માથેરાન, દેવલાલી અને મહાબળેશ્વરમાં પણ ખાસ્સુએવું પેરાગ્લાઈડિંગ થતું જોવા મળ્યું છે. ભારતમાં પેરાગ્લાઈડિંગ કરવાનો શ્રેષ્ઠ સમય માર્ચ થી જુન મહિનાનો ગણવામાં આવે છે.

સ્કીઈંગ

દુનિયાભરમાં સ્કીઈંગ અત્યંત લોકપ્રિય એડવેન્ચર સ્પોર્ટ્સ ગણવામાં આવે છે અને ભારતમાં સ્કીઈંગ નો ઈતિહાસ ખૂબ જૂનો છે. વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં આવેલા ગુલમર્ગમાં ડીસેમ્બરથી એપ્રિલ સુધીમાં અસંખ્ય સહેલાણીઓ સ્કીઈંગનો આનંદ માણતા જોવા મળે છે. પરંતુ એવું કહેવાય છે કે ગઢવાલ અને કુમાઉ વિસ્તારના ઢોળાવ એ ભારતભરમાં સ્કીઈંગ માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત છે. ગઢવાલમાં આવેલા આઉલી રિસોર્ટને ભારતના શ્રેષ્ઠ સ્કીઈંગ રિસોર્ટમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત કુફરી, નારકાંડા, મનાલી, મુંડાલી, મુન્સીયારી અને દાયરા બુગ્યાલમાં પણ સ્કીઈંગની મજા માણી શકાય છે.

રોક ક્લાઈમ્બીંગ

અન્ય એડવેન્ચર સ્પોર્ટ્સની જેમ રોક ક્લાઈમ્બીંગ પણ ભારતમાં લગભગ દોઢેક દાયકા અગાઉ જ આવ્યું છે. કઠણ અને સીધા ખડકો એ રોક ક્લાઈમ્બીંગ માટે એકદમ યોગ્ય હોતા હોય છે અને નસીબજોગે ભારતમાં આ પ્રકારના ખડકોવાળા પહાડોની જરાય કમી નથી. અરાવલી, પશ્ચિમી ઘાટો, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકકમાં ઠેરઠેર આ પ્રકારના ખડકો જોવા મળે છે અને હવે તો તેમાં રોક ક્લાઈમ્બ્રર્સ પણ ચઢાણ કરતા જોવા મળી શકે છે. આ ઉપરાંત દમદમાં,મનાલી અને રોહતાંગ પાસની માંગ પણ રોક ક્લાઈમ્બર્સમાં સૌથી વધુ જોવા મળી રહે છે. અન્ય એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા રોક ક્લાઈમ્બીંગ થોડું ખતરનાક ખરું પરંતુ જો તમારે ખરેખર એને માણવું હોય તો ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ટ્રેકિંગ

ભારતમાં કેટલીક અદ્ભુત પર્વતમાળાઓ જોવા મળે છે અને અહીં ટ્રેકિંગના સૌથી શ્રેષ્ઠ અને યાદગાર અવસરો પ્રાપ્ત થતા હોવાનું ઘણીવાર સાંભળવા મળ્યું છે. હિમાલયન પર્વતમાળા ટ્રેકિંગ લવર્સ માટે સ્વર્ગથી જરાય ઓછું નથી. ગઢવાલ અને કુમાઉ (ઉત્તરાખંડ), ચંબા અને મનાલી (હિમાચલ પ્રદેશ) અને લડાખ તેમજ ઝંસ્કાર (જમ્મુ અને કાશ્મીર) એ ટ્રેકર્સ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત એવું જાણવા મળ્યું છે કે દેશના ઉત્તરપૂર્વી  રાજ્યોમાં પણ ટ્રેકિંગ માટે ઘણા સારા સ્થળો છે. ટ્રેકિંગનો વિશેષ ફાયદો એ છે કે લગભગ સમગ્ર વર્ષમાં તેનો આનંદ માણી શકાય છે.

વ્હાઈટ વોટર રાફટીંગ

ભારત માટે આ એક નવો અનુભવ હોવાનું જરૂરથી કહી શકાય. જો કે સદીઓથી ભારતમાં વ્હાઈટ વોટર રાફટીંગનું ‘રો મટીરીયલ’ તો ઉપલબ્ધ હતુંજ પરંતુ આ રમતનો એટલો પ્રચાર અને પ્રસાર થઇ શક્યો ન હોવાથી તેની ઓછી માહિતી આપણી પાસે નથી. વ્હાઈટ વોટર રાફટીંગની ખરી મજા એકબીજા સાથે સમજાય નહીં તેવી રીતે ઝડપથી ભળી જતા નદિયોના વહેણ અને આસપાસ ખડકાળ ભૂમિ હોય તો જ આવતી હોય છે. આ રમત માટે પણ ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ ક્ષેત્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ચોમાસું પૂરું થાય એટલેકે સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનો આ સ્પોર્ટ્સ માટે અત્યંત યોગ્ય ગણાય છે. જો કે કેટલાક શોખીનો ભારત માટે માર્ચ અને મે નો સમયગાળો પણ સારો હોવાનું માને છે.

તો ક્યારે ઉપડો છો તમે તમારા મનપસંદ એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ માણવા?

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.