હરભજન અને ધોનીએ વર્ષોથી એકબીજા સાથે વાત નથી કરી, ભજ્જીએ કહ્યું- હું તેને જ ફોન..
2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમોના મહત્વના સભ્ય, હરભજન સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની. બંને વર્ષો સુધી મેદાન પર સાથે રમ્યા હતા. હરભજને IPLમાં પણ ધોનીની ફ્રેન્ચાઈઝી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સારો એવો સમય વિતાવ્યો હતો.
પરંતુ હવે ભજ્જીએ ખુલાસો કર્યો છે કે, તેણે ધોની સાથે વર્ષોથી વાત કરી નથી. એક મીડિયા ચેનલ સાથે વાત કરતા હરભજને કહ્યું કે, તેને ધોનીથી કોઈ સમસ્યા નથી. પરંતુ હવે આ બંનેનું એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ છે. ભજ્જીએ એમ પણ કહ્યું કે, CSK તરફથી રમતી વખતે પણ તેણે મેદાનની બહાર ધોની સાથે વાત કરી ન હતી. ભજ્જી 2018-2020 સુધી CSK સાથે હતો.
ભજ્જીએ કહ્યું, 'ના, હું ધોની સાથે વાત નથી કરતો. જ્યારે હું CSK માટે રમ્યો હતો, ત્યારે અમે વાત કરતા હતા, ત્યાર પછી અમે વાત નથી કરી. તેને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મારી પાસે આવું કરવાનું કોઈ કારણ નથી, કદાચ તેમની પાસે હશે. મને ખબર નથી કે, કારણ શું છે. જ્યારે અમે CSK માટે IPL રમતા ત્યારે અમે વાત કરતા હતા અને તે પણ માત્ર રમતના મેદાન પર. આ પછી, ન તો તે મારા રૂમમાં આવ્યો અને ન તો હું તેના રૂમમાં ગયો.'
ભજ્જીએ એમ પણ કહ્યું કે, તેના મનમાં ધોની વિરુદ્ધ કંઈ જ નથી. 'મારા મનમાં તેમની વિરુદ્ધ કંઈ જ નથી. જો તેમને કંઈક કહેવું હોય તેઓ મને કહી શકે છે. પરંતુ જો તેની પાસે કંઈક કહેવાનું હોતે તો, તેમણે તે અત્યાર સુધીમાં કહી દીધું હોત. મેં ક્યારેય તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો નથી, કારણ કે હું ફક્ત તેમને જ કૉલ કરું છું, જેઓ મારા કૉલનો જવાબ આપે છે. નહિંતર મારી પાસે પણ સમય નથી.'
હું જેમની સાથે મિત્રતા કરું છું તેમના જ સંપર્કમાં રહું છું. સંબંધો હંમેશા દ્વિ-માર્ગી હોય છે. જો હું તમારો આદર કરું છું, તો આશા છે કે, તમે પણ મારો આદર કરશો, અથવા જવાબ આપશો. પરંતુ જો હું તમને બે વાર ફોન કરું અને જવાબ ન મળે, તો હું પણ તમારી સાથે તેવું જ કરીશ જેની તમને જરૂરત હશે.'
હરભજન અને ધોની ભારત માટે છેલ્લી વખત 2015માં સાથે રમ્યા હતા. આ બંને સાઉથ આફ્રિકા સામેની વનડે મેચ પછી ભારત તરફથી સાથે રમ્યા નહોતા. 2015ના વર્લ્ડ કપ પછી હરભજન અને યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં ટીમ ઈન્ડિયામાંથી દૂર થઈ ગયેલા ભજ્જીએ વર્ષ 2021માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
2017માં ટીમમાંથી બહાર થયા પછી ભજ્જીએ એમ પણ કહ્યું હતું કે, તેને પસંદગીકારો તરફથી ધોની જેવા સિનિયરનો વિશેષાધિકાર મળ્યો ન હતો. જો કે ત્યાર પછી વિવાદ વધતા ભજ્જીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી અને એમ પણ કહ્યું કે, તેમના નિવેદનનો અલગ અર્થ કાઢવામાં આવ્યો છે. તેનો અર્થ એવો ન હતો. IPLમાં ચેન્નાઈ ઉપરાંત ભજ્જી મુંબઈ અને કોલકાતા તરફથી પણ રમી ચૂક્યો છે. નિવૃત્તિ લીધા પછી પણ તે અલગ-અલગ લીગમાં રમતા જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp