T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકોઃ હાર્દિક પંડ્યા નહીં કરશે બોલિંગ

PC: cricketaddictor.com

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં બોલિંગ નહીં કરશે. ઈનસાઈડસ્પોર્ટમાં છપાયેલા એક સમાચાર અનુસાર, BCCIના ટોચના અધિકારીઓમાંથી એકે આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં એક બેટ્સમેન તરીકે જ ટીમનો હિસ્સો હશે. તે બોલિંગ કરતો નહીં દેખાશે. જો ટૂર્નામેન્ટમાં આગળ જતા તે સંપૂર્ણપણે ફિટ થઈ જાય તો કદાચ ટીમ ઈન્ડિયા માટે બોલિંગ પણ કરી શકે છે. BCCIના અધિકારીએ આગળ જણાવ્યું હતું કે, અક્ષર પટેલ માટે અમને દુઃખ છે. સંતુલિત ટીમ માટે તેને ટીમમાંથી બહાર કરવો પડ્યો અને શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચોથા ફાસ્ટ બોલરના કારણે ડાબા હાથના સ્પિન બોલર અક્ષર પટેલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા ફિટનેસ મુદ્દાઓના કારણે IPL દરમિયાન બોલિંગ નહોતો કરી રહ્યો, આથી સિલેક્ટર્સ તેના માટે એક કવર ઈચ્છી રહ્યા છે. પસંદગી સમિતિના નજીકના સુત્રએ PTIને જણાવ્યું હતું કે, સિલેક્ટર્સને લાગ્યું કે તેમની પાસે એક ફાસ્ટ બોલરની કમી હતી અને હાલ હાર્દિક પંડ્યા પણ બોલિંગ નથી કરી રહ્યો, આથી તેમને મુખ્ય ટીમમાં એક ઓલરાઉન્ડરની જરૂર પડી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અક્ષર સ્ટેન્ડબાય તરીકે ટીમની સાથે જોડાયેલો રહેશે અને જો રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થાય તો પછી તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવશે. જ્યાં સુધી રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં રમશે ત્યાં સુધી અક્ષર પટેલની જરૂર નહીં પડશે.

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લાં ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તે બેટિંગમાં રન નથી બનાવી રહ્યો અને તે બોલિંગ પણ નથી કરી રહ્યો. IPLની આ સિઝનની 12 મેચોમાં હાર્દિક પંડ્યાએ માત્ર 14.11ની મામૂલી રનરેટથી માત્ર 112 રન બનાવ્યા છે. એટલું જ નહીં, IPLની આ આખી સિઝન દરમિયાન તેણે એક પણ ઓવરમાં બોલિંગ નથી કરી. જેને કારણે સિલેક્ટર્સ ચિંતામાં છે અને તેના કવર તરીકે જ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરનો ટીમમાં ચોથા ફાસ્ટ બોલર તરીકે સમાવેશ કરવામાં આવતા અક્ષર પટેલને મુખ્ય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તેને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp