કેપટાઉન ટેસ્ટમાં ભારતીય ટીમના હાર માટેના 5 મોટા કારણ

PC: BCCI

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી 3 મેચોની ટેસ્ટ સીરિઝ દક્ષિણ આફ્રિકન ટીમે 2-1થી જીતી લીધી છે. કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો ટારગેટ હતો જેને ટીમે ખૂબ જ સરળતાથી મેળવી લીધો. ભારતીય ટીમને જીત માટે ફેવરિટ આંકવામાં આવી રહી હતી પરંતુ ટીમે નિરાશ કર્યા. આવો તો નજર નાખીએ એ મહત્ત્વના ફેક્ટર્સ પર જેના કારણે ભારતીય ટીમનું સીરિઝ જીતવાનું સપનું તૂટી ગયું.

  1. સીરિઝ પહેલા કેપ્ટન્સીનો વિવાદ:

ભારત અને દક્ષિણ આફ્રિકાની સીરિઝ શરૂ થયા પહેલા BCCI અને વિરાટ કોહલી વચ્ચે કેપ્ટન્સીને લઈને વિવાદ સામે આવ્યો. પહેલા વિરાટ કોહલીને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો. ત્યારબાદ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલીને T20ની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપવાની ના પાડવામાં આવી હતી. કોહલીને વન-ડેની કેપ્ટન્સીમાંથી હટાવવાનો નિર્ણય સિલેક્ટર્સ અને BCCIએ મળીને લીધો છે કેમ કે વ્હાઇટ બોલ ક્રિકેટ એટલે કે વન-ડે અને T20મા અમે ટીમનો કેપ્ટન એક જ રાખવા માગીએ છીએ. એવામાં કોહલીને હટાવીને રોહિત શર્માને વન-ડેની કેપ્ટન્સી સોંપવામાં આવી.

તેના પર કોહલીએ જવાબ આપ્યો અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જવા રવાના થવા પહેલા ભારતીય ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે T20ની કેપ્ટન્સી છોડવાની જ્યારે તેણે જાહેરાત કરી હતી તો તેને BCCIના કોઈ અધિકારીએ ના પાડી નહોતી. બધાએ તેના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેને વન-ડે ટીમની કેપ્ટન્સીમાંથી હટાવવાની જાણકારી ટેસ્ટ ટીમની જાહેરાતથી માત્ર દોઢ કલાક પહેલા જ સિલેક્ટર્સે આપી હતી. રિપોર્ટ એવા પણ આવ્યા હતા કે વિરાટ કોહલી વન-ડે સીરિઝ નહીં રમે. રોહિત અને વિરાટને લઈને અણબનાવના સમાચાર પણ સામે આવ્યા અને તેનાથી સીરિઝ શરૂ થવા પહેલા જ આખો માહોલ ખરાબ થઈ ગયો.

  1. બીજી ટેસ્ટ પહેલા વિરાટ કોહલીનું ઇજાગ્રસ્ત થવું:

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી પીઠમાં જકડાશના કારણે ટીમાંથી બહાર થઈ ગયો. ટોસના થોડા સમય પહેલા જ વિરાટ કોહલી બહાર થવાના સમાચાર આવ્યા. તેની જગ્યાએ કે.એલ. રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો. આખી મેચમાં રાહુલની કેપ્ટન્સી સારી ન રહી અને વિરાટ કોહલીની અછત અનુભવાઈ. પહેલી ઇનિંગમાં જ્યારે બંને ઓપનર બેટ્સમેન આઉટ થઈ ગયા તો પૂજારા અને રહાણે પણ જલદી જ આઉટ થઈ ગયા. ત્યારબાદ માત્ર અશ્વિનના બેટથી રન નીકળ્યા. જો કોહલી હોત તો તે એક મોટી ઇનિંગ રમી શકતો હતો કે પછી વિકેટ બચાવીને રાખતો. ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં માત્ર 202 રન પર ઓલઆઉટ થઈ ગઈ. અહીં ટીમ મેચમાં પાછળ થઈ અને અંતે હારી ગઈ.

  1. પહેલા મિડલ ઓર્ડર અને પછી ઓપનર્સનું ફેલ થવું:

આખી સીરિઝમાં ભારતીય ટીમનો મિડલ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ભારતીય ટીમને નિરાશ કરી. રહાણેએ 3 ટેસ્ટ મેચમાં માત્ર 136 રન બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ માત્ર 22.67ની હતી. તો પૂજારાએ 3 ટેસ્ટમાં માત્ર 124 રન બનાવ્યા. પૂજારાની એવરેજ માત્ર 20.67ની હતી. બંને ખેલાડી ફ્લોપ થતા ગયા છતા તેમને ટીમમાંથી બહાર કરવામાં ન આવ્યા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી લગાવનાર શ્રેયસ ઐય્યર પણ ત્રણેય ટેસ્ટમાં બહાર રહ્યો. તો બીજી ટેસ્ટમાં સારું પ્રદર્શન કરનારો હનુમા વિહારીને ત્રીજી ટેસ્ટથી બહાર કરી દેવામાં આવ્યો.

ઓપનર બેટ્સમેન રાહુલ અને મયંક અગ્રવાલે શરૂઆતની કેટલીક ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી પરંતુ પછી તેઓ અંતિમ બે ટેસ્ટમાં સારી બેટિંગ ન કરી શક્યા. ઓપનર બેટ્સમેન ફેલ થવાથી ટીમને ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું. ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં જ્યારે તેમણે સારી શરૂઆત આપવાની હતી તો બંને 24 રનની અંદર જ આઉટ થઈ ગયા. પહેલી ઇનિંગમાં પણ બેટથી તેમણે કોઈ ખાસ યોગદાન ન આપ્યું.

  1. ભારતીય બોલર બાઉન્સ ન નાખી શક્યા.

દક્ષિણ આફ્રિકન પેસ બોલિંગ યુનિટમાં કાગીસો રબાડા, લુંગી એનગિડી, માર્કો જેનસન અને ડેન ઓલિવર સામેલ હતા. તેમની એવરેજ હાઇટ 6 ફૂટ 4 ઇંચ હતી જ્યારે બીજી તરફ ભારત તરફથી જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર રમ્યા. તેમની એવરેજ હાઇટ 5 ફૂટ 9 ઇંચ છે એટલે કે દક્ષિણ આફ્રિકન પેસ બોલિંગ યુનિટની હાઇટ ભારતીય પેસ બોલિંગની યુનિટથી 7 ઇંચ (17.78 સેન્ટિમીટર) વધારે હતી. તેનું પરિણામ એ આવ્યું કે આફ્રિકન બોલરોએ આપણાં બોલરોની તુલનામાં એવરેજ 15-20 સેન્ટિમીટર વધારે ઉછાળ હાસિલ કર્યો. વાંડર્સની પીચ હોય કે પછી કેપટાઉન, આ અંતર નિર્ણાયક સાબિત થયો.

  1. દક્ષિણ આફ્રિકન ટીમને હલકામાં લીધી:

દક્ષિણ આફ્રિકન ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં સારું રહ્યું નથી. સીરિઝની શરૂઆત થવા પહેલા કાગળો પર આપણે દક્ષિણ આફ્રિકાથી સારા નજરે પડી રહ્યા હતા પરંતુ ડીન એલ્ગરની ટીમે શાનદાર રમત દેખાડી. પોતે એલ્ગરે આખી સીરિઝામાં શાનદાર બેટિંગ કરી અને દેખાડ્યું કે ભલે તેની પાસે અનુભવની અછત છે પરંતુ તે વર્લ્ડની સૌથી મજબૂત ટીમોને મ્હાત આપી શકે છે. ટીમમાં માર્કો જેનસન અને ડેન ઓલિવર આવવાથી દક્ષિણ આફ્રિકન પેસ એટેકને મજબૂતી મળી. તો કીગન પીટરસને ત્રણેય ટેસ્ટ મેચમાં બેટથી સારું પ્રદર્શન કર્યું. પીટરસન અને જેનસનને લઈને કદાચ ભારતીય ટીમે સારી તૈયારી કરી નહોતી અને તેનો પૂરેપૂરો ફાયદો તેને મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp