શું રોહિત-કોહલી નિવૃત્તિ લેવાના છે? કોચની 'ગંભીર' પ્રતિક્રિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે રમતના ત્રીજા દિવસ (5 જાન્યુઆરી)ના બીજા સેશનમાં મેળવી લીધો હતો. આ હારને કારણે ભારતીય ટીમે 10 વર્ષ પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) પણ ગુમાવી દીધી છે. તેમજ તેનું WTC ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઇ ગયું.
સિડની ટેસ્ટ સમાપ્ત થયા પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે પણ વાત કરી હતી. જ્યારે ગંભીરને રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે કોઈ પણ ખેલાડીનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ગંભીરે ભારતીય ખેલાડીઓને ખાસ સલાહ આપી હતી.
ગૌતમ ગંભીરે કહ્યું, 'હું કોઈપણ ખેલાડીના ભવિષ્ય પર ટિપ્પણી કરી શકતો નથી, તે તેમના પર નિર્ભર કરે છે. તેમની પાસે ભૂખ અને પ્રતિબદ્ધતા છે. આશા છે કે, તેઓ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે બનતું બધું જ કરશે, જે તેઓ કરી શકે છે. હું હંમેશા ઈચ્છું છું કે, દરેક વ્યક્તિ શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક ક્રિકેટ રમે. જો તમે ટેસ્ટ મેચ માટે પ્રતિબદ્ધ છો તો ડોમેસ્ટિક ક્રિકેટ રમો.'
ગૌતમ ગંભીરે કહ્યું, 'ટ્રાંજિશન વિશે વાત કરવી હમણાં ખૂબ જ જલદી હશે, અમને ખબર નથી કે અમે 5 મહિના પછી ક્યાં હોઈશું. ડ્રેસિંગ રૂમને ખુશ રાખવા માટે મારે દરેક સાથે પ્રમાણિક અને ન્યાયી બનવું પડશે. અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમે હવે જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડમાં આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે.
Gautam Gambhir was asked about Andrew McDonald's comments on India 'intimidating' Sam Konstas at the end of Day 1:
— 7Cricket (@7Cricket) January 5, 2025
"It's a tough sport played by tough men. You can't be that soft.
"As simple as it can get. I don't think there was anything intimidating about it." #AUSvIND pic.twitter.com/NiA8WAUP3z
ગંભીરે કહ્યું, 'હું એવું કહેવા માંગતો નથી કે જસપ્રિત બુમરાહ ન હતો, તેથી અમે જીતી શક્યા નહીં. અમારી પાસે તક હતી, અને જો તે હોત તો તે સારું હતું. અમારી પાસે હજુ પણ 5 બોલર હતા. એક સારી ટીમ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર ન હોવી જોઈએ. અમે મેચ જીતી શક્યા નથી, તે એક સીધી વાત છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો.
ઓસ્ટ્રેલિયન કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડની એક ટિપ્પણી અંગે પણ ગંભીરને સવાલ કરવામાં આવ્યો હતો. કાંગારુ કોચે કહ્યું હતું કે, પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ખેલાડીઓ સેમ કોન્સ્ટાસને ડરાવી ધમકાવી રહ્યા હતા. ગંભીરે કહ્યું, 'આ એક સંઘર્ષપૂર્ણ રમત છે, જે માત્ર એગ્રેસીવ લોકો જ રમે છે. તમે એટલા નરમ ન બની શકો. મને નથી લાગતું કે તેમાં કંઈ ડરાવવાવાળી વાત હતી.'
ગૌતમ ગંભીર કહે છે, 'દરેક વ્યક્તિ દેશ માટે રમવાની તેની ભૂખ અને જુસ્સાથી સારી રીતે વાકેફ છે. આ મારી કે તમારી ટીમ નથી, આ દેશની ટીમ છે. અમારા ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો છે, જેઓ જાણે છે કે તેમના યોગદાનથી ટીમને કેટલો ફાયદો થઈ શકે છે.'
સિડની ટેસ્ટ દરમિયાન જ કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હજુ નિવૃત્તિ નથી લઈ રહ્યો. રોહિતે કહ્યું હતું કે, 'હું જલ્દી નિવૃત્ત થવાનો નથી. મેં આ મેચમાંથી માત્ર એટલા માટે ખસી જવાનો નિર્ણય લીધો કારણ કે રન બની રહ્યા ન હતા. હું સખત મહેનત કરીશ અને પુનરાગમન કરીશ. અત્યારે રન નથી બની રહ્યા, પરંતુ 5 મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી.'
હિટમેને કહ્યું હતું, મેં આ ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, પરંતુ હું ક્યાંય જતો નથી. આ નિવૃત્તિ અથવા ફોર્મેટથી દૂર જવાનો નિર્ણય નથી. માઈક, પેન કે લેપટોપ ધરાવનાર કોઈપણ વ્યક્તિ કંઈપણ લખે છે કે બોલે છે તેનાથી અમારું જીવન બદલાતું નથી. અમે આટલા વર્ષોથી આ રમત રમીએ છીએ. આ લોકો નક્કી કરી શકતા નથી કે, અમારે ક્યારે નિવૃત્ત થવું જોઈએ કે ક્યારે ના રમવું જોઈએ. હું એક સમજદાર માણસ છું, એક પરિપક્વ માણસ છું, બે બાળકોનો પિતા છું, તેથી મને જીવનમાં શું જોઈએ છે તેની મને થોડી સમજ છે.'
રોહિતે અગરકર અને ગંભીર પર કહ્યું, 'મેં પસંદગીકાર અને મુખ્ય કોચ સાથે વાત કરી. મેં જ તેમને કહ્યું હતું કે સિડની મેચ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ મેં વિચાર્યું કે જે ખેલાડી ફોર્મમાં હોય તે રમે.' આ દરમિયાન રોહિતે એમ પણ કહ્યું કે, સિડની આવ્યા પછી તેણે પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો, કારણ કે નવું વર્ષ હતું તેથી ટીમને આ વિશે જણાવવા માંગતો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp