ગૌતમ ગંભીરના જન્મદિવસે જાણીએ તેના વિશે રસપ્રદ વાતો

PC: mazale.in

છેલ્લા કેટલાક સમયથી ટીમમાં વાપસી માટે સંઘર્ષ કરી રહેલો ભારતનો પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર આજે 37 વર્ષનો થયો છે. 2007ની ICC વર્લ્ડ T20 અને 2013ના ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચોમાં ભારતને જીત અપાવવામાં અત્યંત મહત્ત્વનો ફાળો નોંધાવનાર ગૌતમ ગંભીર આજે સિલેક્ટરોના રડારમાંથી બહાર છે. ગૌતમ ગંભીરના જન્મદિવસે આજે આપણે તેની સાથે જોડાયેલી કેટલીક ખાટીમીઠી વાતો વાગોળીએ.

  • 14 ઓક્ટોબર 1981ના દિવસે જન્મેલા ગંભીરે તેની સ્કૂલની શિક્ષા નવી દિલ્હીની મોડર્ન સ્કૂલમાં લીધી છે. 2000ની સાલમાં ગૌતમ ગંભીરની પસંદગી બેંગ્લોરમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લેવા માટે થઇ હતી.
  • જન્મના બારમે દિવસે જ્યારે ગૌતમ ગંભીરની માતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને ઘરે જતાં પહેલા તેઓ તેમના માતા-પિતાને ગૌતમ ગંભીરને દેખાડવા માટે રોકાયા ત્યારે જ ગંભીરના નાના-નાનીએ તેને જોઇને તેને અડોપ્ટ કરી લેવાનું નક્કી કર્યું હતું. ગૌતમ ત્યારથી જ તેના નાના-નાની પાસે ઉછર્યો અને મોટો થયો.
  • 17 વર્ષની વયે દિલ્હી માટે રમતા ગંભીરની સ્ટ્રોક્સ મારવાની ક્ષમતાને સિલેક્ટરોએ ધ્યાનમાં લીધી હતી. ત્યારબાદ 22 વર્ષની ઉંમરે ગંભીરને બાંગ્લાદેશ સામે વન-ડે સિરીઝમાં પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યુ કરવાની તક મળી હતી.
  • પોતાના દિલ્હીના સાથી ખેલાડી વિરેન્દર સેહવાગ સાથે ગૌતમ ગંભીરે પણ ઘણી યાદગાર પાર્ટનરશિપ રમી છે. ટેસ્ટ મેચોમાં ગંભીર અને સેહવાગની જોડીએ 25 ટેસ્ટ પાર્ટનરશિપમાં 38 વખત 50 કે તેનાથી વધુ રન જોડ્યા છે. આ સિદ્ધિ ઇંગ્લેન્ડના સર જેક હોબ્સ અને હર્બટ સટ્ક્લીફ પછી બીજે નંબરે આવે છે. આ જોડીએ પોતાની પાર્ટનરશિપ દરમિયાન 5 રનની એવરેજે રન બનાવ્યા છે જે કોઇપણ ટેસ્ટ પાર્ટનરશિપમાં ફાસ્ટેસ્ટ છે.
  • 2007ની ICC વર્લ્ડ ટી20મા ગૌતમ ગંભીરે ભારત વતી સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગંભીરે કુલ 227 રન બનાવ્યા હતા અને તે બીજા ક્રમે રહ્યો હતો, જ્યારે મેથ્યુ હેડન 265 રન બનાવીને પ્રથમ ક્રમે રહ્યો હતો.
  • ગૌતમ ગંભીર 56 ટેસ્ટ મેચ રમ્યો છે અને તેણે 58ની એવરેજે 4046 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં ગંભીરની 9 સદીઓ અને 21 અડધી સદીઓ છે. ગંભીરનો સર્વોચ્ચ સ્કોર 206 રનનો છે.
  • જ્યારે વન-ડેમાં ગૌતમ ગંભીરે ભારત વતી કુલ 147 મેચો રમીને 58ની એવરેજે 5238 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 11 સદી અને 34 અડધી સદી નોંધાવી છે. વન-ડેમાં ગંભીરનો સર્વોચ્ચ સ્કોર 150* નો છે.
  • 2009માં ગૌતમ ગંભીર ICC ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં નંબર એક ખેલાડી બન્યો હતો અને ICCએ તેને સન્માનિત કર્યો હતો.
  • રેગ્યુલર કપ્તાન મહેન્દ્ર સિંઘ ધોનીની ગેરહાજરીમાં ગૌતમ ગંભીરને 2010માં ન્યુઝિલેન્ડ સામેની શ્રેણીમાં કપ્તાન બનાવવામાં આવ્યો હતો અને ભારત આ સિરીઝ 5-0થી જીત્યું હતું. આ સિરીઝમાં ગંભીરે ચોથી વન-ડેમાં કોલકાતા ખાતે 150*નો પોતાનો કરિયર બેસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો. ત્યારબાદ 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે પણ ગંભીરને કપ્તાન બનાવવામાં આવ્યો હતો અને ગંભીરના નેતૃત્વમાં ભારત આ સિરીઝ પણ 6-0થી જીતી ગયું હતું.
  • વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં 122 બોલમાં 97 રનની ગંભીરની ઇનિંગે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. ગંભીર પોતે સદી નોંધવામાં સહેજ માટે ચૂકી ગયો હતો, પરંતુ તેને માટે આ ઇનિંગ એકદમ સ્પેશિયલ છે. ગંભીરના આ પ્રદાન માટે તેને ફાઈનલ મેચનો મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
  • 2011ના વિજય પછી તરત જ ગૌતમ ગંભીરે નતાશા જૈન સાથે એક ખાનગી સમારંભમાં લગ્ન કરી લીધા હતા.
  • ગૌતમ ગંભીરને વાંચનનો અને પરિવાર તેમ જ મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો શોખ છે. આ ઉપરાંત નવરાશના સમયમાં તે પ્લે સ્ટેશન પર ગેમ્સ પણ રમતો હોય છે.
  • 2012ના IPL ઓક્શનમાં ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે 5 મિલિયન ડોલર્સમાં ખરીદીને તેને IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવી દીધો હતો. ગંભીરે આ રકમનું બરોબર વળતર વાળતા પોતાની કપ્તાનીમાં KKRને 2012નું IPL ચેમ્પિયન પણ બનાવ્યું હતું. આ KKRનું પ્રથમ IPL ટાઈટલ હતું જ્યારે 2014માં ફરી એકવાર ગંભીરની કપ્તાનીમાં જ KKR ચેમ્પિયન બન્યું હતું.
  • ભારત માટે સતત પાંચ ટેસ્ટ્સમાં પાંચ સેંચુરી બનાવનાર ગૌતમ ગંભીર એકમાત્ર ખેલાડી છે. જ્યારે ગંભીર સિવાય વિશ્વના ત્રણ અન્ય ખેલાડીઓ આ કારનામું કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગંભીરે સતત 11 ટેસ્ટ્સમાં 11 અડધી સેંચુરીઓ પણ બનાવવાનો રેકોર્ડ કર્યો છે. ગંભીર આ રેકોર્ડ સર વિવ રિચર્ડ્સ સાથે શેર કરે છે.
  • સતત ચાર ટેસ્ટ સિરીઝમાં 300 કે તેથી વધારે રન બનાવનાર ગંભીર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે.
  • 2008ની સાલમાં ગૌતમ ગંભીરને ભારત સરકારે અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યો હતો.
  • ફોર્મ્યુલા વન રેસિંગના શોખીન ગૌતમ ગંભીરે બીજી ઇન્ડિયન ગ્રાં પ્રી વખતે પ્રખ્યાત ફોર્મ્યુલા વન રેસર માર્ક વેબર સાથે મુલાકાત કરી હતી અને તેની સાથે થોડો સમય ક્રિકેટ પણ રમ્યો હતો.
  • 2014ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ગૌતમ ગંભીરે અત્યારના નાણાંમંત્રી અરુણ જેટલી માટે અમૃતસર લોકસભા સીટ માટે પ્રચાર પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp