ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલો કે.એલ. રાહુલ પહોંચ્યો મહાકાલના શરણમાં, જુઓ વીડિયો

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલ હાલના દિવાસોમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. જેના કારણે તેને નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે તેનું સિલેક્શન તો થયું છે, પરંતુ હવે તે ઉપકેપ્ટન નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની પહેલી અને બીજી ટેસ્ટમાં મળીને તેના બેટથી માત્ર 38 રન જ નીકળ્યા છે. બીજી તરફ તેના સિલેક્શનના કારણે ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલને બેન્ચ પર બેસવું પડી રહ્યું છે.

એવામાં ટીમમાં તેના સિલેક્શનને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારતના ફાઇનલમાં પહોંચવાના નજરિયાથી ખૂબ મહત્ત્વની છે, એવામાં આ મેચ માટે શું કે.એલ. રાહુલ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં હોવો જોઈએ કે નહીં તેને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કે.એલ. રાહુલ પોતાની પત્ની આથિયા શેટ્ટી સાથે મહાકાલના શરણમાં પહોંચ્યો છે.

ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ અને બોલિવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી 23 ફેબ્રુઆરીને લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ આ કપલ પહેલી વખત મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, બંનેએ લગભગ 2 કલાક સુધી મંદિરમાં સમય વિતાવ્યો અને આ દરમિયાન બંને ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. રાહુલે પોતાની પત્ની સાથે ગર્ભગૃહમાં જઈને પૂજા કરી. ઉલ્લેખનીય છે કે, ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ 1 માર્ચથી શરૂ થવાની છે અને એટલે જ કે.એલ. રાહુલ ઈન્દોર ગયો છે.

ભારતીય ટીમના અન્ય ખેલાડી સાંજ અને રાત સુધીમાં અલગ-અલગ ફ્લાઇટથી ઈન્દોર પહોંચશે. છેલ્લા 12 મહિનામાં ટેસ્ટમાં રાહુલની એવરેજ 13.6ની રહી છે. જો કે તેના ખરાબ ફોર્મની અસર અત્યાર સુધી ભારતીય ટીમ પર પડી નથી કેમ કે, રોહિત શર્માની આગેવાનીમાં ટીમે વર્ષ 2023માં અત્યાર સુધી વિરુદ્ધ ટીમો વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું.

અત્યારે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે 2-0થી લીડ બનાવી લીધી છે. એ સાથે જ ખરાબ ફોર્મ છતા કે.એલ. રાહુલને કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનું સમર્થન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp