વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડીએ સચિન પાસે માગી ખાસ મદદ, કહ્યુ- પૈસા નથી જોઈતા બસ...

PC: khabarchhe.com

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને પોતાની ધારદાર બોલિંગથી પરેશાન કરનારા વેસ્ટ ઇન્ડીઝના એક પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સચિન તેંદુલકર પાસે મદદ માગી છે. તે કોઇ બીજો નહીં સચિન તેંદુલકર અને પૂર્વ દિગ્ગજ મોહમ્મદ અઝરૂદ્દીનને પોતાના મિત્ર બતાવનાર વેસ્ટ ઇન્ડીઝનો વિન્સ્ટન બેંજામિન છે. વિન્સ્ટન બેંજામિને સચિન તેંદુલકર સાથે જ ભારતીય ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમનારા નામી ક્રિકેટર્સ પાસે મદદ માગી છે. જોકે વિન્સ્ટન બેંજામિને સ્પષ્ટ કહ્યું છે કે તેને લાખો-કરોડો રૂપિયા નહીં, પરંતુ ક્રિકેટ સામગ્રીની મદદ જોઈએ છે.

વિન્સ્ટન બેંજામિને સચિન તેંદુલકર પાસે 10-15 બેટ કે કોઈ ક્રિકેટ સામગ્રીની મદદ માગી છે. વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટરે આ વાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારની યુટ્યુબ ચેનલ પર કહી છે. સાથે જ તેણે જણાવ્યું કે, આ અગાઉ મોહમ્મદ અઝરૂદ્દીને પણ મદદ કરી હતી. તેના માટે તેણે અઝરૂદ્દીનનો આભાર પણ માન્યો. વિન્સ્ટન બેંજામિન સ્થાનિક ખેલાડીઓને સારી સુવિધા આપવા અને ત્યાં ક્રિકેટના વિકાસ માટે એમ કરી રહ્યો છે. 57 વર્ષીય વિન્સ્ટન બેંજામિને કહ્યું કે, ‘પહેલા શારજાહમાં ખૂબ ટૂર્નામેન્ટ થતા હતા, જેનો ફાયદો મળતો હતો, પરંતુ મને ફાયદો નહીં, પરંતુ એવા લોકો જોઈએ છે જે ક્રિકેટ સામગ્રીથી અમારી મદદ કરી શકે.

તેણે કહ્યું કે, મને હજારો ડોલર્સ નથી જોઈતા, પરંતુ કોઈ 10-15 બેટ જ મોકલી દો. એ મારા માટે ઘણું બધુ છે. સામગ્રી મળશે, તો હું તેને અહીંયા યુવાનોમાં વહેંચી શકીશ. તેમણે કહ્યું કે, મિસ્ટર સચિન તેંદુલકર જો તમે આ પોઝિશન પર છો તો મારી મદદ કરો. હું મારા મિત્ર મોહમ્મદ અઝરૂદ્દીનનો પણ આભાર માનવા માગું છું. તેમણે પણ સામગ્રી મોકલી હતી. તેના માટે તમારો આભાર. પોતાના આ વીડિયો મેસેજમાં વિન્સ્ટન બેંજામિને પોતાનો ફોન નંબર પણ શેર કર્યો, જેથી સચિન કે કોઈ બીજું તેનો સંપર્ક કરી શકે.

વર્ષ 1986 થી વર્ષ 1995 વચ્ચે 85 વન-ડે મેચ અને 21 ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝનું પ્રતિનિધિત્વ કરનારા બેન્જામીને પોતાના ક્રિકેટ કરિયરમાં 161 વિકેટ લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ હાલના સમયમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. તો ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ રમાઈ રહી છે, જેની અત્યાર સુધી 3 મેચ રમાઈ ચૂકી છે અને 2 મેચ બાકી છે જે 6 અને 7 ઑગસ્ટના રોજ રમાશે. અત્યાર સુધી ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. રવિવારે ટીમનો આ પ્રવાસ સમાપ્ત થઈ જશે, ત્યારબાદ ભારતીય ટીમનો સામનો ઝીમ્બાબ્વેની નેશનલ ટીમ સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp