ચેમ્પિયન્સ ટ્રોફી પર ફરી પાછું નવું તુત? ICCએ બનાવી પાર્ટનરશિપ ફોર્મ્યુલા
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ હજુ સુધી શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
હવે એવું લાગે છે કે, ICC, BCCI અને PCB ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો ઉકેલવાની નજીક પહોંચી ગયા છે. ભારતના નિર્ણય પછી ICCએ PCB સમક્ષ હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો. PCBએ શરૂઆતમાં તેને અપનાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે લાગે છે કે તે સંમત થઈ ગયું છે. ટુર્નામેન્ટની વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવા માટે ખુબ ઓછા સમયની સાથે, ICCએ હવે પછી આગળ આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક નવી 'ભાગીદારી ફોર્મ્યુલા' સાથે એક કદમ આગળ વધ્યું છે.
PCBએ શરૂઆતમાં હાઇબ્રિડ મોડલ માટે ભારતના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જો આ મોડલ સાથે ટૂર્નામેન્ટ યોજાશે તો ભારત તેની મેચ UAEમાં રમશે અને બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. અસંમતિને કારણે, ICCએ ઉકેલ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બોર્ડની બેઠક બોલાવી હતી. જો કે, કોઈપણ નિરાકરણ વિના આ બેઠક સમાપ્ત થઈ, જેના કારણે ટૂર્નામેન્ટના ભવિષ્ય અંગે ચિંતા વધી ગઈ હતી.
હાઇબ્રિડ મોડલ પર મતદાન પ્રક્રિયાને ટાળવા માટે, ICCએ એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ્ય ભારત અને પાકિસ્તાન બંનેના હિતોને સંતુલિત કરવાનો છે. જો હાઇબ્રિડ મોડલ પર વોટિંગ થાય છે, તો તેનાથી ક્રિકેટ બોર્ડ એકબીજાના વિરોધમાં ઉભા થઇ જશે. ભાગીદારી ફોર્મ્યુલા હેઠળ, ભારત અને પાકિસ્તાન આગામી ત્રણ વર્ષ સુધી ICC ટૂર્નામેન્ટ દરમિયાન એકબીજાના દેશોમાં મેચ રમશે નહીં. આ જોગવાઈ ઔપચારિક રીતે બંને દેશોના હોસ્ટિંગ કરારોમાં ઉમેરવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં શિફ્ટ કરવામાં આવશે. આનાથી સુરક્ષા અને રાજકીય ચિંતાઓને દૂર કરવાની સાથે સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી નક્કી થઇ જશે. આમાં તે મેચો પણ સામેલ હશે, જેમાં ભારતીય ટીમ પાકિસ્તાનમાં નહીં રમી શકે. આ મેચો સેમી ફાઈનલ કે ફાઈનલ હોઈ શકે છે. ICCએ આ વ્યવસ્થાને 'હાઇબ્રિડ મોડલ' કહેવાનું ટાળવાની યોજના બનાવી છે. તેને એક અલગ ઓળખ આપવા અને વિવાદ ઘટાડવા માટે એક નવું નામ રજૂ કરવામાં આવ્યું છે. ICC મતદાન પ્રક્રિયા જરૂરી બને તે પહેલા સમજૂતી પર પહોંચવાની આશા રાખે છે. જો ફોર્મ્યુલાને આખરી ઓપ આપવામાં આવે છે, તો ICC, BCCI અને PCB વચ્ચે સર્વસંમતિ સધાય પછી તેને બોર્ડના અન્ય સભ્યોને વિગતવાર જણાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp