ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે PCB અધ્યક્ષ અને મોહમ્મદ રિઝવાને કરી જય શાહની પ્રશંસા

PC: championstrophy2025.com

પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો રસ્તો સાફ થઈ ગયો છે. ICCએ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. ટુર્નામેન્ટમાં 8 ટીમો રમશે અને કુલ 15 મેચો રમાશે. સુરક્ષાની ચિંતાને કારણે ભારતીય ટીમ ત્યાં નહીં જાય. આવી સ્થિતિમાં તેની મેચો દુબઈમાં થશે. પાકિસ્તાન 28 વર્ષ પછી ICC ઈવેન્ટનું આયોજન કરશે. છેલ્લી વખત તેણે ભારત અને શ્રીલંકા સાથે સંયુક્ત રીતે 1996માં ODI વર્લ્ડ કપની યજમાની કરી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીનો વિવાદ BCCIના ભૂતપૂર્વ સચિવ જય શાહ ICCના અધ્યક્ષ બન્યા પછી તરત જ ઉકેલાઈ ગયો હતો. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે. પાકિસ્તાનના ODI-T20 કેપ્ટન મોહમ્મદ રિઝવાને ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર થયા પછી ખુશી વ્યક્ત કરી છે. જ્યારે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ICCના નિર્ણયને દેશ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે. એનો મતલબ એ છે કે ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. તે 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે.

PCBની એક મીડિયા રીલીઝમાં રિઝવાને કહ્યું, 'ક્રિકેટ પ્રેમી દેશ તરીકે, અમે બધા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ એક અદ્ભુત તક છે. પાકિસ્તાન 28 વર્ષમાં પ્રથમ વખત ICC ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે અને ખાસ કરીને એટલા માટે કે, અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ. અમે અમારા ઘરના દર્શકો સામે રમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.'

અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું, 'સમાનતા અને સન્માનના સિદ્ધાંતો પર આધારિત કરાર પર પહોંચીને અમને આનંદ થાય છે, જે અમારી રમતને વ્યાખ્યાયિત કરતી સહયોગ અને જોડાણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.' ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે, જેમાં પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ફાઈનલ 9 માર્ચે યોજાશે. આ 50 ઓવરની ટૂર્નામેન્ટ છેલ્લે 2017માં યોજાઈ હતી. ત્યારપછી પાકિસ્તાને ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાનના રાવલપિંડી, લાહોર અને કરાચીમાં યોજાશે. મોહસિન નકવીએ કહ્યું, 'ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ ઉચ્ચ સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને એક મુખ્ય ઇવેન્ટ આયોજક તરીકે અમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પરસ્પર લાભદાયી ઉકેલ હાંસલ કરવામાં અમને મદદ કરવામાં રચનાત્મક ભૂમિકા ભજવનાર ICC સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.'

તાજેતરમાં ICCના અધ્યક્ષ બનેલા જય શાહે કહ્યું કે, તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને ઉત્સાહિત છે. BCCIના પૂર્વ સચિવ શાહે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ખૂબ જ ઉત્સાહિત છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp