ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર ભારતે એવું શું કર્યું કે પાકિસ્તાન ગરમ થઈ ગયું

PC: BCCI

પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાછો એક નવો વિવાદ ઉભો થયો છે. મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, ભારતે તેની ટીમની જર્સી પર 'પાકિસ્તાન' (યજમાન દેશનું નામ) છાપવા સામે વાંધો ઉઠાવ્યો છે. ભારત પોતાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈમાં રમશે. જોકે પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું સત્તાવાર યજમાન છે.

PCBના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા BCCI પર 'ક્રિકેટમાં રાજકારણ લાવવા'નો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેઓ ટીમ ઈન્ડિયાની જર્સી પર યજમાન દેશ (પાકિસ્તાન)નું નામ છાપવા માંગતા નથી. આ અગાઉ, ભારતીય બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના કર્ટેન રેઝર ઇવેન્ટ માટે કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન મોકલવાનો પણ ઇનકાર કર્યો હતો.

PCBના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એજન્સીને જણાવ્યું હતું કે, 'BCCI ક્રિકેટમાં રાજકારણ લાવી રહ્યું છે, જે રમત માટે બિલકુલ સારું નથી. તેમણે પાકિસ્તાન આવવાનો પણ ઇનકાર કર્યો હતો. તેઓ તેમના કેપ્ટનને પણ (પાકિસ્તાન) ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે મોકલવા માંગતા નથી, હવે એવા અહેવાલો આવે છે કે, તેઓ ઇચ્છતા નથી કે યજમાન દેશ (પાકિસ્તાન)નું નામ પણ તેમની જર્સી પર છાપવામાં આવે. અમને વિશ્વાસ છે કે, વિશ્વ સંચાલક મંડળ (ICC) એવું થવા નહીં દે અને તેઓ આ બાબતે પાકિસ્તાનને સમર્થન આપશે.'

PCBના ભારે દબાણ છતાં, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનો BCCIનો નિર્ણય બદલાયો ન હતો. આખરે પાકિસ્તાન બોર્ડે ભારતની શરતો સ્વીકારવી પડી. જોકે, નવા કરારથી PCB ભવિષ્યમાં ICC ઇવેન્ટ્સ માટે તેની ટીમ ભારતમાં મોકલી શકશે નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હજુ લગભગ એક મહિનો બાકી છે, પરંતુ નવા વિવાદો હેડલાઇન્સમાં ચમકતા રહે છે. પાકિસ્તાને હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. જ્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.

અહીં તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પહેલી સેમિફાઇનલ દુબઈમાં રમાશે, જ્યારે બીજી લાહોરમાં. આ પછી ફાઇનલ મેચ રમાશે. આવી સ્થિતિમાં, જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp