ગાબા ટેસ્ટ પહેલા પોન્ટિંગે હેડ વિશે કહ્યું- મને નથી લાગતું તે મહાન ખેલાડી છે...
ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે ટ્રેવિસ હેડ. તેણે સતત ઘણી મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમને પરેશાન કરી છે. ભલે તે ODI વર્લ્ડ કપની ફાઈનલ હોય કે પછી એડિલેડ ટેસ્ટ. હેડના કારણે ભારતીય ટીમને ઘણું દુઃખ થયું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ હેડથી ખૂબ જ ખુશ છે, પરંતુ તેને નથી લાગતું કે હેડ એક મહાન ક્રિકેટર છે.
પોન્ટિંગે ICC રિવ્યુમાં કહ્યું, 'તે મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થવા તરફ આગળ વધી રહ્યો છે. મને નથી લાગતું કે, તમે તેને અત્યારે મહાન ખેલાડી કહી શકો. તે જે કરી રહ્યો છે તે અદ્ભુત છે. આમાં કોઈ શંકા નથી. તેણે પોતાની ટીમ માટે ઘણી વખત જરૂરતના સમયે પ્રદર્શન કર્યું છે.'
છેલ્લા દોઢ વર્ષમાં હેડે ઘણી મોટી મેચોમાં ભારતને એકલા હાથે હરાવ્યું છે. આમાં ICC WTC ફાઈનલ 2023, ICC ODI ફાઈનલ 2023ની સાથે હવે એડિલેડ ટેસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હેડે WTC ફાઇનલમાં 163 રન, ODI વર્લ્ડ કપ ફાઇનલમાં 137 અને એડિલેડમાં 140 રન બનાવ્યા હતા. પોન્ટિંગે તેની વધુ પ્રશંસા કરતા કહ્યું કે, 'વર્લ્ડ કપ સેમિફાઇનલ, વર્લ્ડ કપ ફાઇનલ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, થોડા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી એશિઝ, આ એવી મોટી ક્ષણો છે જ્યાં ટ્રેવિસ હેડે અજાયબીઓ કરી હતી.'
ગિલક્રિસ્ટ સાથે હેડની સરખામણી કરતા પોન્ટિંગે કહ્યું, 'હેડ જે રીતે રમે છે, તે ગિલક્રિસ્ટ સાથે ઘણું સામ્ય ધરાવે છે. ફરક માત્ર એટલો છે કે હેડ ગિલક્રિસ્ટ કરતા થોડો આગળના ક્રમે રમવા આવે છે. જે કામ ગિલક્રિસ્ટ છઠ્ઠા કે સાતમાં નંબર પર આવીને કરતો હતો, હેડ પાંચમા નંબરે તે જ કામ કરી રહ્યો છે. હું તેમને રમતા જોવાનું પસંદ કરું છું. આવા લોકોને આ રીતે રમતા જોવા ખૂબ જ પ્રેરણાદાયક છે. પછી ભલેને પરિસ્થિતિ ગમે તે હોય, ટ્રેવિસ આવશે અને તે જ રીતે રમશે અને મને તે ગમે છે.'
હેડના વખાણ કરતાં પોન્ટિંગે આગળ કહ્યું, 'ટ્રેવિસ તેના સ્વભાવને કારણે આ રીતે રમી શકે છે. તેને આઉટ થવાનો ડર નથી લાગતો. તે નકારાત્મક પરિણામો વિશે ચિંતા કરતો નથી. તે જે પણ કરે છે તેમાં તે માત્ર હકારાત્મક જ જુએ છે.'
એડિલેડ ટેસ્ટમાં પોતાની સદીના આધારે ટ્રેવિસ હેડ હવે તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં પાંચમા નંબરે આવી ગયો છે. હેડે માત્ર 141 બોલમાં 140 રન બનાવ્યા હતા. આ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ 337 રન બનાવ્યા હતા. ભારતનો પ્રથમ દાવ 180 રન પર સમાપ્ત થયો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેમણે કંઈ પણ કરીને 175 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ દસ વિકેટે જીતી હતી. તેઓ પર્થમાં પ્રથમ ટેસ્ટ 295 રનથી હારી ગયા હતા.
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ભારતીય ટીમે આ વિજય સાથે પ્રવાસની શરૂઆત કરી હતી. બુમરાહ તેની કેપ્ટનશીપમાં પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. પરંતુ ત્યારપછી રોહિત શર્મા પરત ફર્યો, ભારતીય ટીમ એડિલેડ ટેસ્ટમાં ખરાબ રીતે હારી ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp