16 સીઝન, એક પણ ટ્રોફી નહીં, હજુ સુધી કેમ ખાલી છે RCBનો હાથ, જાણો સૌથી મોટું કારણ

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વર્ષ 2008થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમી રહી છે. શરૂઆતમાં ટીમ પાસે જેક કાલિસ, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, માર્ક બાઉચર અને ડેલ સ્ટેન જેવા ખેલાડી હતા. પછી વિરાટ કોહલીએ રન બનાવવાની શરૂઆત કરી. ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ જેવા T20ના દિગ્ગજ બેટ્સમેન પણ ટીમનો હિસ્સો રહ્યા છે. અત્યારે ફાફ ડુ પ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ છે. બોલિંગમાં ઝહીર ખાનથી લઈને યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ ટીમનો હિસ્સો રહ્યા છે.

દરેક ટૂર્નામેન્ટ શરૂ થવા અગાઉ આ ટીમને જીતની દાવેદાર માનવામાં આવે છે, પરંતુ અંતમાં નિરાશા જ મળે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હારનું સૌથી મોટું કારણ છે તેમની પાસે ઘરેલુ બેટ્સમેન ન હોવા. ટીમે વર્ષ 2008માં વિરાટ કોહલીને પોતાની સાથે જોડ્યો હતો. ત્યારે દિલ્હીએ પોતાના ઘરેલુ ક્રિકેટર વિરાટ કોહલી પર ભરોસો વ્યક્ત કર્યો નહોતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને પોતાની સાથે જોડ્યો અને આજ સુધી તે ટીમ સાથે છે, પરંતુ વિરાટ કોહલી સિવાય ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે કોઈ એવો ભારતીય બેટ્સમેન નથી રહ્યો, જે ઘણી સીઝન સુધી સતત ટીમ સાથે રહે અને રન બનાવતો રહે.

તમને આશ્ચર્ય થશે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPLમાં આજ સુધી માત્ર વિરાટ કોહલી જ એ ભારતીય બેટ્સમેન છે, જેણે 1000થી વધારે રન બનાવ્યા છે, વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. તેના નામે 7000થી પણ વધુ રન છે, પરંતુ વિરાટ કોહલી સિવાય બીજો કયો બેટ્સમેન? તેનો જવાબ કોઈ છે કોઈ નહીં. દેવદત્ત પડિક્કલ અને કે.એલ. રાહુલ જેવા બેટ્સમેનોએ ટીમ માટે થોડા સમય સુધી સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી તેઓ બીજી ટીમોમાં જતા રહ્યા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

વિરાટ કોહલી: 7263 રન.

રાહુલ દ્રવિડ: 898 રન.

દેવદત્ત પડિક્કલ: 884 રન.

પાર્થિવ પટેલ: 731 રન.

મંદીપ સિંહ: 597 રન.

ચેમ્પિયન ટીમોની સ્થિતિ:

IPL ઇતિહાસની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ સૌથી વધુ 5 વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. ટીમ માટે 7 ભારતીય ખેલાડીઓએ એક હજાર કરતા વધુ રન બનવ્યા છે. તો 4 વખત ચેમ્પિયન રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે પણ 7 બેટ્સમેન એક હજારનો આંકડો પાર કરી ચૂક્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 2 વખતની ચેમ્પિયન ટીમ છે અને તેના માટે 9 ભારતીય બેટ્સમેનોએ એક હજાર કરતા વધુ રન બનાવ્યા છે.

વર્તમાન સમયમાં મુંબઈ ઇન્ડિયન્સ પાસે રોહિત શર્મા સિવાય ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા નામ છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા અને શિવમ દુબે છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં વિરાટ કોહલી સિવાય દિનેશ કાર્તિકથી મોટા નામો જ નથી. આ જ કારણ છે, જેણે ટીમને અત્યાર સુધી ટ્રોફી જીતવા દીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp