આ પૂર્વ ખેલાડીએ કેમ રોહિતનો ટોસ જીતી બોલિંગનો નિર્ણય મોટી ભૂલ ગણાવી

PC: BCCI

ગાબા ટેસ્ટના પ્રથમ દિવસની મોટાભાગની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે ટોસ જીત્યો હતો. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે, ટોસ હારીને પેટ કમિન્સ ખૂબ જ ખુશ થયો હશે.

હકીકતમાં, ગાબા ટેસ્ટના પહેલા દિવસે જેટલી પણ ઓવર નાખવામાં આવી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પિચમાંથી બહુ ઓછી મદદ મળી. નવા બોલ સાથે તેમને પિચમાંથી જેવી જોઈએ તેવી મદદ ન મળી, જેટલી તેમને આશા હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજા અને નાથન મેકસ્વીની આ બોલરોને આસાનીથી રમ્યા હતા. મીડિયા સૂત્રો અનુસાર, વોને એક સ્પોર્ટ્સ ચેનલ ને કહ્યું, 'આ તે ટોસમાંથી એક હતો, જ્યાં મને લાગે છે કે પેટ કમિન્સ તે હારીને ખૂબ જ ખુશ થયો હશે. તેણે નિર્ણય લેવાની જરૂર ન પડી. આ સ્થળના ઈતિહાસને જોતાં, કદાચ તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હોત, પરંતુ મને લાગે છે કે, રોહિત શર્માનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સાંભળીને તે પણ ખુશ થયો હશે.'

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેન્ડન જુલિયને પણ કંઈક આવું જ કહ્યું હતું. તેણે કહ્યું કે રોહિતના પહેલા બોલિંગ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે પણ પીચે મદદ ન કરી. તેણે કહ્યું, 'અહીં ટોસ હારવું એ સારું સાબિત થયું. મને લાગે છે કે આ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા જ ઘણો વરસાદ પડ્યો હતો. અને જ્યારે ખેલાડીઓ તેમના પ્રેક્ટિસ સેશન માટે આવ્યા, પિચ જોઈ, તો અહીં ઘણી હરિયાળી હતી. પરંતુ આજે સવારે, મને નથી લાગતું કે તે પ્રથમ બોલિંગને લાયક પિચ હતી.'

અહીં તમને જણાવી દઈએ કે, એડિલેડમાં રોહિતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને તેનો આ નિર્ણય ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો. શરૂઆતી સેશનમાં જ ટીમ 180 રનમાં જ સમેટાઈ ગઈ હતી. બીજા દાવમાં પણ તેના બેટ્સમેન કામ કરી શક્યા ન હતા. આ વખતે ટીમ 175 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. ભારત આ ટેસ્ટમાં 10 વિકેટે હારી ગયું હતું.

કદાચ આને ધ્યાનમાં રાખીને, રોહિતે આ વખતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. 14મી ઓવરમાં વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી હતી, ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકસાન વિના 28 રન બનાવી લીધા હતા. આ પહેલા પણ એક વખત વરસાદે રમત બંધ કરી દીધી હતી. પરંતુ જ્યારે વરસાદ ફરીથી આવ્યો, ત્યાર પછી ફરીથી રમત રમી શકાઈ નહીં. વરસાદ ચાલુ હોવાને કારણે વહેલું જમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ બપોર પછી પણ વરસાદ બંધ થયો ન હતો અને અંતે દિવસની રમત આ સ્કોર પર જ સમાપ્ત કરવી પડી હતી.

ત્યાર પછી BCCIએ કહ્યું કે, હવે બાકીના દિવસો માટે દરરોજની રમત સમય પહેલા શરૂ થશે અને દરરોજ 98 ઓવર નાખવામાં આવશે. ભારતીય ટીમે આ પ્રવાસની પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી. સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ટીમ ઈન્ડિયાએ WTC ફાઈનલ રમવા માટે આ સીરીઝ મોટા અંતરથી જીતવી જ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp