આ 12 વર્ષની છોકરીની બોલિંગના સચિને વખાણ કર્યા, વીડિયો જોયા પછી ઝહીર યાદ આવી ગયો

PC: BCCI

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 12 વર્ષની છોકરીની બોલિંગના ખુબ વખાણ કર્યા છે. આ છોકરીની બોલિંગ એક્શન ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન જેવી જ મળતી આવે છે. સચિને એમ પણ કહ્યું છે કે, છોકરીની બોલિંગ ઝહીર ખાન જેવી જ છે. સચિનની આ ટિપ્પણી પર ઝહીર ખાને પણ પ્રતિક્રિયા આપી છે. બોલિંગ એક્શનના મુદ્દે તે સચિન સાથે સંપૂર્ણ રીતે સહમત જણાતો હતો. તેણે કહ્યું છે કે, છોકરી પહેલેથી જ ઘણી ક્ષમતા બતાવી રહી છે. આ છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સચિન તેંડુલકરે છોકરીની પ્રશંસા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'સરળ, નિખાલસ અને જોવામાં એકદમ સુંદર! ઝહીર ખાન, અમને સુશીલા મીનાની બોલિંગ એક્શનમાં તમારી ઝલક જોવા મળે છે. શું તમે પણ તેને જોયું છે?'

ઝહીર ખાને પણ સચિનની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'તમે બિલકુલ સાચા છો. આનાથી વધુ શું સહમતી થઈ શકે? તેમનું કાર્ય ખૂબ જ સરળ અને પ્રભાવશાળી છે. તે છોકરી પહેલેથી જ ઘણી સંભાવનાઓ દર્શાવી રહી છે.'

આ વાયરલ યુવતીનું નામ સુશીલા મીના હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાની રહેવાસી છે. તેનું ગામ રામેર તળાવ, ધારિયાવાડ તાલુકા હેઠળ આવે છે. વાયરલ વીડિયોમાં સુશીલા ઉઘાડાપગે અને સ્કૂલ ડ્રેસમાં બોલિંગની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. તે ઝહીર ખાનની બોલિંગ એક્શન જેવી જ ડાબા હાથથી બોલિંગ કરતી જોવા મળે છે.

વીડિયો ક્લિપમાં સુશીલા તેના હાથમાંથી બોલ છોડતા પહેલા ઝહીર ખાનની જેમ સિગ્નેચર જમ્પ કરતી જોવા મળે છે. એવું કહેવામાં આવ્યું કે, સુશીલા એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેના માતા-પિતા મજૂરી અને ખેતી કરીને પોતાનું ગુજરાન કમાય છે. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ તેના પિતાનું નામ રતનલાલ મીણા અને માતાનું નામ શાંતિબાઈ મીના છે. સુશીલા નાના સ્તરની ક્રિકેટ સ્પર્ધાઓમાં ભાગ લેતી રહે છે. તે ધોરણ 5મુ ભણે છે.

લોકો સુશીલાની બોલિંગ એક્શનને લોકો સરળતાથી સમજી શકે, તે માટે સચિને સ્લો-મોશન એડિટ સાથે વીડિયો પોસ્ટ કર્યો છે. કારણ કે વિડિયો સૌથી પહેલા ‘આમલિયા_ઈશ્વર’ નામના IDથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે ઈશ્વર આમલિયા, સુશીલાના કોચ છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતના સૌથી પ્રખ્યાત ફાસ્ટ બોલરમાંથી એક ઝહીર ખાને વર્ષ 2000માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોત જોતામાં તે ભારતની ઝડપી બોલિંગનો આધારસ્તભ બની ગયો. ઝહીરે 311 ટેસ્ટ વિકેટ અને 282 ODI વિકેટ સાથે પોતાની ક્રિકેટ કારકિર્દીને પૂર્ણ વિરામ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp