Video:સરફરાઝે રણજીની ફાયનલમાં મારી સદી, ખાસ અંદાજમાં મૂસેવાલાને આપ્યું ટ્રિબ્યૂટ

PC: ndtv.com

મુંબઈનો બેટ્સમેન સરફરાઝ ખાન હાલની રણજી સીઝનમાં જબરદસ્ત ફોર્મમાં નજરે પડી રહ્યો છે અને પોતાના આ ફોર્મને યથાવત રાખતા તેણે મધ્ય પ્રદેશ વિરુદ્ધ ફાઇનલ મેચમાં પણ એક જબરદસ્ત સદી ફટકારી છે. જોકે સદી બનાવ્યા બાદ આ યુવા બેટ્સમેન થોડો ભાવુક નજરે પડ્યો અને ત્યારબાદ પોતાના ખાસ સેલિબ્રેશનથી પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાને ટ્રિબ્યૂટ આપ્યું હતું, જેની ગયા મહિને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સરફરાઝ ખાન ફાઇનલ મેચના પહેલા દિવસે જ બેટિંગ કરવા ઉતરી ગયો હતો.

સરફરાઝ ખાન પહેલા દિવસે 40 રન બનાવીને નોટઆઉટ પોવેલિયન ફર્યો હતો. તેણે બીજા દિવસે શાનદાર બેટિંગ કરી અને 114મી ઓવરના પાંચમા બોલ પર ફોર લગાવતા આ સીઝનની પોતાની ચોથી સદી પૂરી કરી હતી. તે 243 બોલમાં 12 ફોર અને 2 સિક્સની મદદથી 134 રન બનાવીને આઉટ થયો અને મુંબઈની પહેલી ઇનિંગ 374 રનના સ્કોર પર સમાપ્ત થઈ. સદી લગાવ્યા બાદ સરફરાઝ ખાન ખૂબ જ ભાવુક દેખાયો. તેણે સિદ્ધુ મૂસેવાલાનું લોકપ્રિય સિગ્નેચર ‘થાઈ ફાઇવ’ કર્યું અને ખાસ અંદાજમાં તેને ટ્રિબ્યૂટ આપ્યું.

તેના આ સેલિબ્રેશનનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સરફરાઝ ખાને ગત સીઝનમાં જે શાનદાર ફોર્મ દેખાડ્યું હતું, તેને આ સીઝનમાં પણ યથાવત રાખ્યું છે. આ સીઝનમાં તેણે અત્યાર સુધી 8 ઇનિંગમાં 153.66ની અસાધારણ એવરેજથી 922 રન બનાવ્યા છે. આ અગાઉ તેણે વર્ષ 2019-20ની રણજી સીઝનમાં 6 ઇનિંગમાં 154.66ની એવરેજથી 928 રન બનાવ્યા હતા. આ સીઝન પણ તેની શાનદાર સદીથી મોટા સ્કોરમાં બદલાઈ.

સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં બે અલગ-અલગ સીઝનમાં 900 કરતા વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન છે. તે મુંબઈ તરફથી આ કારનામું કરનારો પહેલો ખેલાડી છે. રણજી ટ્રોફીના 88 વર્ષોના ઇતિહાસમાં સૌથી પહેલા અજય શર્માએ કર્યું હતું. અજય શર્માએ વર્ષ 1991-92ની રણજી સીઝનમાં 993 અને વર્ષ 1996-97ની સીઝનમાં 1033 રન બનાવ્યા હતા. તે દિલ્હી અને હિમાચલ પ્રદેશ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યો છે.

તો મુંબઈના મહાન બેટ્સમેન વસીમ જાફરે વર્ષ 2008-09ની સીઝનમાં ટીમ તરફથી 1260 રન બનાવ્યા હતા. કરિયરના અંતિમ દવાસોમાં તે વિદર્ભ તરફથી રમવા લાગ્યો હતો. તેણે પણ વર્ષ 2010માં વિદર્ભ તરફથી 1037 રન બનાવ્યા હતા. પોતાના ધમાકેદાર પ્રદર્શનથી સરફરાઝ સતત ભારતીય ટીમમાં જગ્યા બનાવવાની રજૂઆત કરી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિલેક્ટર્સ સરફરાઝ ખાનને ક્યારે ચાન્સ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp