સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને હરાવતા, ટીમ ઈન્ડિયાનું WTC ફાઈનલનું ગણિત બગડ્યું, હવે..

PC: ICC

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચમાં યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાનો 109 રને વિજય થયો હતો. શ્રીલંકાને મેચ જીતવા માટે 348 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ તેની આખી ટીમ મેચના પાંચમા દિવસે (9 ડિસેમ્બર) તેના બીજા દાવમાં 238 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે.

શ્રીલંકા સામેની આ શાનદાર જીત પછી દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં મોટો ફાયદો મળ્યો છે. આફ્રિકન ટીમ હવે WTC પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકાના 10 મેચમાં 6 જીત, ત્રણ હાર અને એક ડ્રો સાથે 76 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની માર્કસની ટકાવારી 63.33 છે, જે ઓસ્ટ્રેલિયા કરતા વધારે છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ હવે બીજા સ્થાને સરકી ગઈ છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના 14 મેચમાં 9 જીત, 4 હાર અને 1 ડ્રો સાથે 102 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 60.71 છે. હાલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતની 16 મેચમાં 9 જીત, 6 હાર અને એક ડ્રો સાથે 110 પોઈન્ટ છે. તેના ગુણની ટકાવારી 57.29 છે. ભારતે વર્તમાન ચક્રમાં વધુ 3 મેચ રમવાની છે, જે માત્ર ઓસ્ટ્રેલિયા સામે છે.

આ હાર છતાં શ્રીલંકાની ટીમ ચોથા સ્થાન પર છે, પરંતુ તેની ફાઇનલમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. શ્રીલંકાના 45.45 ટકા માર્ક્સ છે અને તે મહત્તમ 53.85 ટકા માર્ક્સ સુધી પહોંચી શકે છે. ઈંગ્લેન્ડ પાંચમા અને ન્યુઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે. જ્યારે પાકિસ્તાન સાતમા, બાંગ્લાદેશ આઠમા અને વેસ્ટ ઈન્ડિઝ નવમા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ ફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે ફેંકાઈ ચૂક્યું છે.

જો જોવામાં આવે તો દક્ષિણ આફ્રિકા માટે હવે ફાઈનલનો રસ્તો આસાન થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાએ હવે પાકિસ્તાન સામે ઘરઆંગણે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો આફ્રિકન ટીમ આ સિરીઝમાં એક પણ મેચ જીતે છે તો તે WTC ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ ભારતીય ટીમ માટે સમીકરણ વધુ મુશ્કેલ બની ગયું છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ 4-1થી જીતવી પડશે.

એટલે કે ફાઈનલમાં પહોંચવા માટે ભારતને બાકીની ત્રણ મેચ જીતવી પડશે, જેથી તે 63.15 ટકા અંક સુધી પહોંચી શકે. જો કે, જો ભારતીય ટીમ એક પણ ટેસ્ટ હારી જાય છે, તો પોઈન્ટની ટકાવારી ઘટીને 57.89 થઈ જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે આશા રાખવી પડશે કે પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવે. જ્યારે શ્રીલંકાએ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-0 અથવા 1-0થી હરાવે, નહીં તો બંને ટેસ્ટ ડ્રો થવી જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ત્રીજું ચક્ર છે, જે 2023 થી 2025 સુધી ચાલશે. ICCએ આ ત્રીજા ચક્ર માટે પોઈન્ટ સિસ્ટમ સાથે સંબંધિત નિયમો પહેલાથી જ જાહેર કરી દીધા છે. જો ટીમ ટેસ્ટ મેચ જીતે તો તેને 12 પોઈન્ટ, મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ અને મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ મળે છે.

જ્યારે, મેચ જીતવા માટે 100 ટકા, ટાઈ માટે 50 ટકા, ડ્રો માટે 33.33 ટકા અને હાર માટે શૂન્ય ટકા પોઇન્ટ ઉમેરવામાં આવે છે. બે મેચની શ્રેણીમાં કુલ 24 પોઈન્ટ ઉપલબ્ધ છે અને પાંચ મેચની શ્રેણીમાં 60 પોઈન્ટ ઉપલબ્ધ છે. પોઈન્ટ ટેબલમાં રેન્કિંગ મુખ્યત્વે જીતની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. WTCના વર્તમાન ચક્રની ફાઇનલ ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં આવતા વર્ષે 11 થી 15 જૂન દરમિયાન રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp