ગિલના ઉપ-કપ્તાન બનવા પર હોબાળો, પૂર્વ ખેલાડીએ કહ્યું, 'તેનામાં એવું શું ખાસ છે..

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની છે. આ મેચો પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, કરાચી, રાવલપિંડી) અને દુબઈમાં યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ઓપનર શુભમન ગિલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
શુભમન ગિલને ઉપ-કપ્તાન બનાવ્યા પછી ઇન્ટરનેટ પર વિવાદાસ્પદ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક ચાહકો પસંદગીકારોના આ નિર્ણયને સાચો માની રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે, પસંદગીકારોનો આ નિર્ણય સાચો નથી. શુભમનના સમર્થનમાં, કેટલાક ચાહકો દલીલ કરી રહ્યા છે કે, તેનો ODI રેકોર્ડ ઉત્તમ છે અને તેના ફોર્મને અન્ય ફોર્મેટ સાથે ભેળવવું યોગ્ય રહેશે નહીં.
1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. શ્રીકાંત માને છે કે, ગિલે છેલ્લા એક વર્ષમાં એવું કંઈ કર્યું નથી કે જેના માટે તેને ઉપ-કેપ્ટન બનાવવો જોઈએ. શ્રીકાંતે ગિલની છેલ્લી 10 ODI ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો
શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'તેઓએ અચાનક ગિલને ઉપ-કેપ્ટન બનાવી દીધો. છેલ્લા એક વર્ષમાં તેણે કંઈ ખાસ કર્યું નથી. તેની છેલ્લી દસ ODI ઇનિંગ્સ પર એક નજર નાખો. તેનામાં કંઈ ખાસ નથી. તેનામાં એવું શું ખાસ છે કે તેને ઉપ-કેપ્ટન બનાવવો જોઈએ? મને નવાઈ લાગી.'
આમ પણ જો આપણે જોવા જઈએ તો શુભમન ગિલનો ODI ક્રિકેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. 25 વર્ષીય ગિલે અત્યાર સુધીમાં ભારત માટે 47 વનડે મેચમાં 58.0ની સરેરાશથી 2328 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, છેલ્લી 10 ODI ઇનિંગ્સમાં તેના બેટમાંથી ફક્ત 342 રન જ આવ્યા છે.
ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ દરમિયાન શુભમન ગિલને ODI અને T20 ટીમનો ઉપ-કપ્તાન પણ બનાવવામાં આવ્યો હતો. શુભમનને ઉપ-કપ્તાન બનાવીને, પસંદગીકારોએ સંદેશ આપ્યો છે કે, તેઓ ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા પણ આ ભૂમિકા માટે દાવેદાર હતા, પરંતુ તેમને ફરીથી નિરાશા મળી. જસપ્રીત બુમરાહની ફિટનેસ પર સવાલો ઉભા થયા છે, જેના કારણે તે ઉપ-કેપ્ટનની રેસમાં પાછળ રહી ગયો.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, KL રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પહેલી સેમિફાઇનલ દુબઈમાં રમાશે, જ્યારે બીજી લાહોરમાં. આ પછી ફાઇનલ મેચ રમાશે. આવી સ્થિતિમાં, જો કોઈ ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ આ પ્રમાણે છે....
19 ફેબ્રુઆરી-પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ-કરાચી, 20 ફેબ્રુઆરી-બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત-દુબઈ, 21 ફેબ્રુઆરી-અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા-કરાચી, 22 ફેબ્રુઆરી-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ-લાહોર, 23 ફેબ્રુઆરી-પાકિસ્તાન વિરુદ્ધ ભારત-દુબઈ, 24 ફેબ્રુઆરી-બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ-રાવલપિંડી, 25 ફેબ્રુઆરી-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા-રાવલપિંડી, 26 ફેબ્રુઆરી-અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ-લાહોર, 27 ફેબ્રુઆરી-પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ-રાવલપિંડી, 28 ફેબ્રુઆરી-અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા-લાહોર, 1 માર્ચ-દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ-કરાચી, 2 માર્ચ-ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત-દુબઈ, 4 માર્ચ-સેમિફાઇનલ 1-દુબઈ, 5 માર્ચ-સેમિફાઇનલ 2-લાહોર, 9 માર્ચ-ફાઇનલ-લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે), 10 માર્ચ-અનામત દિવસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp