સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

PC: indianexpress.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત જ્યારથી થઈ છે, ત્યારથી માત્ર એક જ ચર્ચા થઈ રહી છે કે મહેન્દ્ર સિંહ ધોની આ સીઝન બાદ સંન્યાસ લેશે કે નહીં? તો હવે તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમનાર અને મહેન્દ્ર સિંહ ધોનીના નજીકના મિત્રોમાંથી એક દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, હાલમાં જ જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત થઈ હતી તો પોતાના સંન્યાસ બાબતે તેણે તેને શું કહ્યું હતું.

IPL 2023ની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર જીત હાંસલ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના પણ આ મેચનો લુપ્ત ઉઠાવવા માટે ચેપોક સ્ટેડિયમ પહોંચ્યો હતો. મેચ પૂરી થયા બાદ સુરેશ રૈના પોતાના પૂર્વ કેપ્ટન અને ખાસ મિત્ર મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરવા માટે મેદાન પર પહોંચ્યો હતો, જ્યાં બંને દિગ્ગજ હાથોમાં હાથ નાખીને ફરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન ‘થાલા’ અને ‘ચિન્ના થાલા’ એક બીજા સાથે મજાસ મસ્તી કરતા નજરે પડ્યા.

આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસને લઈને પણ સુરેશ રૈના સાથે વાતચીત કરી. આ બાબતે સુરેશ રૈનાએ હવે ખુલાસો કર્યો છે. જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોની ક્યારે સંન્યાસ લેવાનો છે. સુરેશ રૈનાના જણાવ્યા મુજબ, ધોનીએ કહ્યું કે, ‘હું ટ્રોફી જીતીને વધુ એક વર્ષ રમીશ.’ ઉલ્લેખનીય છે કે સુરેશ રૈનાનું આ નિવેદન ખૂબ મહત્ત્વ ધરાવે છે કેમ કે બધાને એમ લાગી રહ્યું હતું કે આ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી IPL સીઝન છે.

જો કે, સુરેશ રૈનાના આ નિવેદનથી સ્પષ્ટ થઈ જાય છે કે ધોની હવે આગામી સીઝન પણ રમવાનો છે. તો ધોનીએ પોતે કહ્યું હતું કે, તેણે અત્યાર સુધી સંન્યાસનો નિર્ણય લીધો નથી. જો ચેન્નાઈ સુપર કિંગ્સના IPL 2023ના પ્રદર્શનની વાત કરીએ તો તેણે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તે 11 મેચમાં 13 પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ આવતી કાલે દિલ્હી કેપિટલ્સ સાથે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp