26th January selfie contest

તો શું શ્રીસંત ફરીથી ક્રિકેટ રમતો જોવા મળશે?

PC: firstpost.com

BCCIના પ્રતિબંધ સામે શ્રીસંતે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. વર્ષ 2013 દરમિયાન IPL સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ કરાયેલા ક્રિકેટર શ્રીસંતને અદાલત તરફથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે પણ તે ક્રિકેટના મેદાનમાં ફરી રમી શકશે નહી. BCCIએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધની સામે શ્રીસંતે દેશની સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. હકીકતમાં ગયા વર્ષે કેરલ હાઈકોર્ટે શ્રીસંત ઉપર લાગાવાવમાં આવેલો પ્રતિબંધ હટાવ્યો હતો, પણ ખંડપીઠનો ચુકાદો તેની વિરુદ્ધમાં હતો અને આ પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર BCCIને નોટિસ આપી જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દા ઉપર બોર્ડને જવાબ આપવા માટે અઠવાડિયાની સમયસીમા આપી છે. આ કેસની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે. 35 વર્ષીય શ્રીસંત બોર્ડના પ્રતિબંધને કારણે ક્લબ સ્તર સુધીનું પણ ક્રિકેટ રમી રહ્યો નથી. વર્ષ 2015માં શ્રીસંત અને તેની સાથે પકડાયેલા રાજસ્થાન રોયલ્સના ખેલાડી અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલાને દિલ્હી પટિયાલા હાઉસ અદાલતે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ 2013માં થયેલા ફિક્સિંગ સ્કેન્ડલ પછી IPLની બે ટીમ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ ઉપર બે-બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

2018ના રીયાલીટી શો બિગબોસની સીઝન-12 શ્રીસંત જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, મે 2013માં દિલ્હી પોલીસ દ્વારા તેની ધરપકડ કરાયા બાદ તપાસનો દોર શરુ થયો હતો તેમજ દિલ્હી પોલીસ દ્વારા પુરી પાડવામાં આવેલી માહિતીના આધાર પર BCCIએ તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp