જાતિય સતામણીની ફરિયાદોમાં ગુજરાત કંજૂસ, ડર પણ હોઈ શકે

PC: hindustantimes.com

MeToo શબ્દ પ્રચલિત થયો છે પરંતુ તે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ માટે વાપરવામાં આવે છે. મોટાભાગના કેસોમાં ફરિયાદ થતી નથી. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જાતિય સતામણી સમિતિ સમક્ષ 100ની આસપાસ ફરિયાદો થઇ છે. સરકારી નોકરીઓમાં જાતિય સતામણી થાય છે ત્યારે સરકારે મહિલા ઓફિસરોની આગેવાની હેઠળ વિભાગ પ્રમાણે સમિતિઓ બનાવી છે, પરંતુ આ સમિતિ સમક્ષ ફરિયાદો ઓછી આવે છે. ચાર વર્ષમાં માત્ર ચાર કે પાંચ ફરિયાદો થાય છે, બાકીના કેસમાં સમાધાન કરી લેવામાં આવે છે.

દરેક ખાનગી નોકરીના સ્થળે પણ આવી સમિતિઓ બનાવવાનું કહેવામાં આવ્યું છે પરંતુ સંચાલકો તેવી જફામાં પડતા નથી. બદનામીના ડરના કારણે મહિલાઓ ફરિયાદ કરતાં ડરે છે.
ધ સેક્સુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એક્ટ2013ના કાયદામાં સજા અને દંડની જોગવાઇ છે પરંતુ મહિલાઓ જ ફરિયાદ કરવાનું ટાળે છે.

જાતીય સતામણી એટલે શું?

કાયદાની કલમ 2 (n)માં નીચે મુજબની અનિછનીય વર્તણૂકોનો સમાવેશ જાતિય સતામણીમાં કરવામાં આવ્યો છે.

  1. શારીરિક સંપર્ક/સ્પર્શ કરવો કે તેમ કરવાની કોશિશ કરવી.
  2. જાતિય સંબંધ બાંધવાની માંગણી કરવી, તેમ કરવા દબાણ કરવું.
  3. જાતિય અર્થ વાળી ટીકા (Sexually coloured remark)
  4. અશ્લીલ ચિત્રો, ફિલ્મો બતાવવા
  5. ઉપર જણાવેલ તમામ વર્તણૂક ઉપરાંત શરીર દ્વારા, શબ્દો દ્વારા, કે તે ઉપરાંત ઇશારા વગેરે દ્વારા કરેલી કોઈ પણ પ્રકારના અનિછનીય જાતિય વ્યવહાર, વર્તણૂકનો જાતિય સતામણીમાં સમાવેશ થાય છે.

ઉપરાંત કલમ 3(1)મા જાતિય સતામણી રોકવા માટેની જોગવાઈની અને 3(2)મા જાતિય સતામણીની સાથે જો નીચે મુજબના સંજોગો અસ્તિત્વમાં હોય તો તેને પણ જાતિય સાતમાં ગણી શકાય તેમ જણાવેલ છે.

  1. રોજગારીમાં બીજા કરતાં વધારે સારો ખાસ પ્રકારનો વ્યવહાર કરવાનો ગર્ભિત કે સ્પષ્ટ વાયદો કરવો.
  2. રોજગારીમાં બીજા કરતાં વધારે ખરાબ વ્યવહાર કરવાની ગર્ભિત કે સ્પષ્ટ ધમકી આપવી.
  3. હાલના કે ભવિષ્યના કામના દરજ્જાના સંદર્ભમાં ગર્ભિત કે સ્પષ્ટ ધમકી આપવી.
  4. કામમાં દખલગીરી કરવી, અથવા ડરાવી ધમકાવીને કામનું પ્રતિકૂળ વાતાવરણ ઉભુ કરવું.
  5. અપમાનજનક વ્યવહાર કરવો કે જેથી સ્ત્રીના સ્વાસ્થય કે સલામતીને અસર થવાની સંભાવના હોય.

ફરિયાદ કોણ કરી શકે

કાયદાની કલમ 2 (a) મુજબ કોઈ પણ પિડિત સ્ત્રી કે જે 'કામના સ્થળના સંદભમાં કોઈ પણ ઉમ્મરની સ્ત્રી કે જે ત્યાં કામ કરતી હોય કે ન હોય’..... એટલે કે ગ્રાહક હોય કે અન્ય કોઇ કામ માટે આવેલ હોય તે તમામ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કાયમી કામદાર, હંગામી કામદાર, કોન્ટ્રાકટરના કામદાર કે ટ્રેનીગ માટે આવેલ સ્રી પણ ફરિયાદ કરી શકે છે. શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતી શિક્ષિકા અને બિનશૈક્ષણીક સ્ત્રી કર્મચારી ઉપરાંત વિધ્યાર્થિનીઓ પણ ફરિયાદ કરી શકે.

કાયદો કોને લાગુ પડશે?

આ કાયદો તમામ સરકારી અને ખાનગી કામના સ્થળો ઉપરાંત અસંગઠીત ક્ષેત્ર એટલે કે એવી સ્ત્રીઓ કે જે છૂટક કામ કે મજૂરી કરતી હોય, જેની કામ કરવાની કોઈ એકેજ જ્ગ્યા ન હોય, જેમકે બીજાના ઘરે ઘર નોકર તરીકે કામ કરતી સ્ત્રીઓ, બાંધકામ કે ખેતીમાં મજૂરી કરતી સ્ત્રીઓ, શાક, ફળ વગેરે વેચતી ફેરિયા, લારી ગલ્લા કે પથરા વાળી બહેનો એમ તમામ કામ કરતી બહેનોને લાગુ પડશે.

કાયદાની કલમ 2 (૦) મુજબ આ કાયદો

  • તમામ પ્રકારની સરકારી,અર્ધસરકારી કે સરકારની સહાયથી ચાલતી સંસ્થાઓ કે તેની શાખાઓ, સહકારી સંસ્થાઓને
  • તમામ ખાનગી ક્ષેત્રની કંપનીઓ, ઓફિસો, કારખાનાઓ, ટ્રસ્ટો કે બિન સરકારી, સેવા આપતી સંસ્થાઓ, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સેવાઓ સંસ્થાઓને
  • અસંગઠીત ક્ષેત્રમાં સેવા આપતા ઉત્પાદન કરતાં કે વેચાણ કરતાં સેલ્ફ એમ્પ્લોઇડ કામદારો કે એવા કામના સ્થળો જ્યાં કામદારોની સંખ્યા 10 કરતાં ઓછી હોય તે તમામને આ કાયદો લાગુ પડશે.

કાયદાના અમલ માટે પ્રત્યેક કામના સ્થળે કાયદાની કલમ 4 મુજબ, દરેક ખાતા કે વિભાગોમાં ‘આંતરિક ફરિયાદ સમિતિઓ’ બનાવવાની માલિક, મેનેજર કે વહીવટદારની ફરજ છે.

અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓ માટે જિલ્લા કક્ષાએ ‘સ્થાનિક ફરિયાદ સમિતિ’ બનાવવાની રાજ્ય સરકારની ફરજ છે આમ છતાં ફરિયાદો ઓછી આવે છે. કેટલાક કિસ્સામાં તો સમિતિના સભ્યો ફરિયાદ કરવા આવેલી મહિલાઓને ધમકાવે છે તેથી પીડિત મહિલા સમિતિ સમક્ષ જવાનું ટાળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp