એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં સ્વર્ણપદક સાથે ડંકો વગાડતી ડાંગની દિકરી

PC: gujaratinformation.net

ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે ચાલી રહેલી 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં, ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ડાંગની દિકરી સરીતા ગાયકવાડે તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતીને ગુજરાત અને દેશને એક વધુ ગોલ્ડ અપાવવામાં સફળતા મેળવી છે.

ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડે ગત વર્ષના તેના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને આધારે, 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે આ અગાઉ કેરાલા ખાતે છ માસની સધન તાલીમ આપવામાં આવી હતી. સરીતા ગાયકવાડના આંતરરાષ્ટ્રીય કૉચ અજીમોનના માર્ગદર્શન હેઠળ સરીતા ગાયકવાડ ઇન્ડોનેશિયા પહોંચી હતી. જ્યાં 400 મીટર વિઘ્નદોડ સહિત 400/4 રીલે માટે પણ તેણીને પસંદગી થઇ હતી.

જે પૈકી વ્યક્તિગત 400 મીટર વિઘ્નદોડમાં સરીતા ગાયકવાડે ૩૫ દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી, 59.08 સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી સ્વર્ણપદક મેળવ્યો હતો. કુ.સરીતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે. જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડ અર્પણ કરાયો હતો. સાથે સાથે સરીતા ગાયકવાડનો આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમીંગનો રેકોર્ડ પણ નોંધાવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે 14-2-2018નાં રોજ કોમ્પિટિશનનાં અંતિમ દિને સરીતા ગાયકવાડ 400/4 મીટર રીલેમાં પણ ઇનફૉર દોડવીર તરીકે ભાગ લઇ રહી છે. તેણીને આશા છે કે તેની સાથી દોડવીરો પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને, ભારતને વધુ એક સ્વર્ણપદક અપાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp