ઈરાન: અભિનેત્રીએ પોતાનો હિજાબ ઉતારીને ઈન્સ્ટા પર કરી પોસ્ટ, બીજા દિવસે ધરપકડ

PC: twitter.com/Lauren_Southern

ઈરાનની પોલીસે અહીં જાણીતી અભિનેત્રી હેંગામેહ ગજિયાનીની ધરપકડ કરી લીધી છે. 52 વર્ષીય ફિલ્મ અભિનેત્રી પર આરોપ છે કે તેણે પોતાનો હિજાબ ઉતારતો વીડિયો બનાવ્યો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવું કર્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રીની ધરપકડ કરી લેવામાં આવી.

શનિવારે મોડી રાત્રે અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું કે 'આ ક્ષણથી, મારી સાથે જે પણ થશે તેના માટે ઈરાનની સરકાર જવાબદાર છે, હંમેશાની જેમ હું મારા છેલ્લા શ્વાસ સુધી ઈરાની લોકો સાથે છું.' વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગજિયાની હિજાબ વગર જાહેર સ્થળે ઉભી છે અને પછી તે પોતાના વાળ બાંધતી જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે પણ ગજિયાનીએ એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે ઈરાન સરકાર બાળ-હત્યારી છે જેણે 50 થી વધુ બાળકોની હત્યા કરી છે.

માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી ભડકાઉ સામગ્રીને લઈને જે લોકોને સમન્સ મોકલવામાં આવ્યા હતા, એ આઠ લોકોમાં ગજિયાનીનો સમાવેશ થાય છે. આમાં તેહરાન ફૂટબોલ ટીમ પર્સેપોલિસ એફસીના કોચ યાહ્યા ગોલમોહમ્મદી પણ સામેલ હતા, જેમણે અધિકારીઓના કાન સુધી સતાવણીનો ભોગ બનેલા લોકોનો અવાજ ન લાવવા બદલ ઈરાનની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની આકરી ટીકા કરી હતી.

વાસ્તવમાં, ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે અને જાહેરમાં હિજાબ ઉતારવો ગુનો માનવામાં આવે છે. જો કોઈ મહિલા જાહેરમાં પોતાનો હિજાબ ઉતારે છે તો તેને આકરી સજા થઈ શકે છે. મહેસા અમીનીના મોત બાદ હજારો મહિલાઓએ વિરોધ પ્રદર્શનમાં આવું કર્યું છે.

જણાવી દઈએ કે, હિજાબ વિરોધી પ્રદર્શન દરમિયાન મહસા અમીની નામની મહિલાને ઈરાન પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી. આ દરમિયાન તેનું મોત થઈ ગયું, જેના પછી સમગ્ર ઈરાનમાં પ્રદર્શનો ઉગ્ર થઈ ગયા. આ દરમિયાન ઘણી જગ્યાએ હિંસાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp