3 મહિના પહેલા બોત્સવાનામાં મરનારા 350 હાથીઓના રહસ્યમયી મોતના કારણ અંગે ખુલાસો

PC: Guardian

ત્રણ મહિના પહેલા હાથીઓના ગઢ મનાતા દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં 350 કરતા વધુ હાથીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા. તે સમયે કોઈને એ ખબર નહોતી કે આટલી મોટી સંખ્યામાં આખરે હાથીઓના મોતનું કારણ શું છે. પરંતુ હવે આ હાથીઓના મોતનું કારણ જાણવા મળી ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પાણીમાં રહેલા સાઈનોબેક્ટેરિયાના કારણે આટલી મોટી સંખ્યામાં હાથીઓના મોત થયા હતા. 2 જુલાઈની આસપાસ બોત્સવાનાના જંગલોમાં સેંકડો હાથીઓની લાશો જોવા મળી હતી, ત્યારબાદથી બોત્સવાનાની સરકાર હાથીઓના રહસ્યમયી મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહી હતી.

આ મામલા પર તે સમયે ડાયરેક્ટર ઓફ કન્ઝર્વેશન એટ નેશનલ પાર્ક રેસ્ક્યૂ ડૉક્ટર નીલ મૈકેને એક અખબાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે આટલી મોટી સંખ્યામાં આ અગાઉ પ્રાકૃતિકરીતે હાથીઓને મરતા ક્યારેય નહોતા જોયા. આવી મોત માત્ર દુષ્કાળ દરમિયાન થાય છે, પરંતુ હાલ તો પાણી છે. તેમણે સરકાર દ્વારા લેબ ટેસ્ટના પરિણામની રાહ જોવાની પણ સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર આ મામલા પર ખૂબ જ ચર્ચા થઈ હતી.

જુલાઈ મહિનામાં હાથીઓની સેટેલાઈટ તસવીરો સામે આવી હતી, જેમાં જંગલમાં ચારે બાજુએ હાથીઓની લાશો જ લાશો દેખાઈ રહી હતી. ધ્યાન આપવાલાયક વાત એ છે કે, હાથીઓના આ રહસ્યમયી મોતનો પહેલો મામલો મે મહિનામાં સામે આવ્યો હતો. આગળ આ સિલસિલો ચાલતો રહ્યો અને જૂન મહિનાના અંત સુધી હાથીઓના મોતનો આંકડો 350ને પાર પહોંચી ગયો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ વાઈલ્ડલાઈફ એન્ડ નેશનલ પાર્કના ડેપ્યૂટી ડાયરેક્ટર સિરિલ તાઓલોના જણાવ્યા અનુસાર, ઉત્તરી બોત્સવાના અને તેના ઓકાવૈંગો ડેલ્ટામાં 350 કરતા વધુ હાથીઓની સડી ગયેલી લાશો વિખેરાયેલી હતી. હાથીનું પહેલું રહસ્યમયી મોત મે મહિનામાં થયું હતું. ત્યારબાદ થોડાં જ દિવસોની અંદર ઓરવૈંગો ડેલ્ટામાં 169 હાથીઓના મોત થયા હતા. જૂન મહિનાના મધ્ય સુધીમાં હાથીઓના મોતનો આંકડો આશરે બે ગણો થઈ ગયો. તેમાંથી 70 ટકા હાથીઓના મોત જળસ્ત્રોતોની આસપાસ થયા હતા.

સિરિલે જણાવ્યું હતું કે, તપાસમાં એ જાણવા મળ્યું છે કે, પાણીમાં સાઈનોબોક્ટેરીયા હતા. જેના કારણે પેદા થયેલા ઝેરને પગલે હાથીઓના મોત થયા છે. કારણ કંઈ પણ હોય, પરંતુ આ પ્રકારે હાથીઓનું મરવું એક ચિંતાજનક મુદ્દો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp