આફ્રિકામાં વસે છે સૌથી લાંબા ડીંકા પ્રજાતિના લોકો, મહિલાઓને આપે છે ખાસ મહત્ત્વ

PC: navbharattimes

આફ્રિકાના ઘણા દેશમાં હજુ પણ આદિવાસીઓની પ્રજાતિ વસવાટ કરે છે. ડિજિટલ યુગમાં પણ તેઓ પોતાના જૂના રીત રીવાજોનું પાલન કરે છે. એમની પરંપરા દુનિયાના બાકી રીત રીવાજ કરતા જુદી છે. દક્ષિણ સુડાનમાં નાઈલ નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર નિવાસ કરતી આ આદિવાસી પ્રજાની મોટી વસ્તી ડિંકા પ્રજાતિની છે.

હજારો વર્ષો પહેલા ડિંકા પ્રજાતિના લોકો પોતે પોતાને મોઈનજંગ કહેતા હતા. જેનો અર્થ થાય છે. 'લોકોના લોકો'. આફ્રિકામાં ડિંકાની ઊંચાઈ ખૂબ વધારે હોય છે. જે નાઈલ નદીના બેહરૂનગજલ વિસ્તારમાં રહે છે. એમનું મુખ્યકામ પશુપાલન અને ખેતીકામ છે. તેઓ જુવાર, બાજરો, મગફળી, મકાઈ અને અન્ય અનાજ ઉગાડે છે. આ પ્રજાતિની મોટાભાગની મહિલાઓ ખેતીકામ કરે છે. પણ પુરૂષો જંગલની સફાઈ કરે છે. દર વર્ષે બે વખત પાકની ખેતી કરે છે. આ પ્રજાતિમાં કુલ 14 અન્ય પેટાવર્ગો છે. દક્ષિણ સુડાનમાં આ સૌથી મોટી જનજાતિ છે. આ લોકો સ્વભાવે મિલનસાર હોય છે.

સામાજિક હોય છે અને એકબીજાને પોતાના સુખ- દુઃખ શેર કરવા ખૂબ ગમતું હોય છે. આ પ્રજાતિની જીવનશૈલી પર સમયની કોઈ અસર થઈ નથી. હજુ પણ તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિના દાયરામાં રહીને જીવે છે. મૌસમ પ્રમાણે એમની જીવનશૈલી બદલે છે. વરસાદની સીઝનમાં એક જગ્યાએ સુરક્ષિત ઘાસના મેદાનમાં રહે છે અને ખેતીકામ કરે છે. જ્યારે ગરમીની સીઝનમાં નદી કિનારથી નજીકના વિસ્તારમાં એક સમુહમાં સાથે રહે છે. એમની પરંપરા અનુસાર છોકરો યુવાન થાય તો ભેટમાં એક બળદ આપવામાં આવે છે. જેનું નામ યુવકના નામ પર રાખવામાં આવે છે. જેમ જેમ બળદને શિગળા આવે છે એમ તે યુવક એને આકાર આપતો જાય છે.

મોટાભાગે આ પ્રજા વસ્ત્રોના બદલે જાનવરોની ચામડીમાંથી તૈયાર કરેલી છાલ પહેરે છે. જ્યારે રાખથી શરીરનો શૃંગાર કરે છે. રાખનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ મચ્છરોથી બચવાનું પણ છે. તેઓને આફ્રિકાના સૌથી ઊંચા કે લાંબા લોકો માનવામાં આવે છે. પુરૂષોની ઊંચાઈ 5 ફૂટ 11.9 ઈંચ જ્યારે મહિલાઓની ઊંચાઈ 5 ફૂટ 9.4 ઈંચ હોય છે. આ લોકોને પોતાની સંસ્કૃતિનું એક વિશેષ ગૌરવ હોય છે. તેઓ ગૌધનની સુરક્ષા પોતાના વ્યવસાય કે લાભ માટે નહીં પણ સાંસ્કૃતિક પ્રદર્શન, અનુષ્ઠાન, વિવાહ, દૂધ તથા દહેજ માટે કરે છે. અપવાદ રૂપ કિસ્સામાં તેઓ વિવાહ સમયે ગાયનો વધ કરી એનો ઉપયોગ માંસ તરીકે કરે છે. દુકાળ કે ઉનાળાના સમયમાં તેઓ પોતાના પશુ ખાસ કરીને ગાયને ઘાસના લીલા મેદાન સુધી જ સિમિત રાખે છે. જ્યારે વરસાદની સીઝનમાં પૂર તથા પાણીથી બચાવી શકાય એ માટે કોઈ ઊંચાઈવાળી જગ્યાએ લઈને જાય છે. તેઓ ગમે તેવી ગરમીમાં પણ પોતાનું રક્ષણ કરી શકે છે. આ ઉપરાંત જ્યારે દિવસ હોય ત્યારે તેઓ જમતા નથી. સાંજના સમયે અગ્નિની ચારેય બાજુ બેસીને જમે છે. એમના ભોજનમાં મોટાભાગે દૂધ, માછલી અને શાકભાજી હોય છે.

આ સમુદાયના લોકો બને એટલો ઓછો સામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. દરેક પરિવાર ગૌધન અને બકરીઓને પાળે છે. એક જગ્યાએથી બીજા સ્થાને જાય ત્યારે પોતાના પશુઓને પણ લઈ જાય છે. એમના સામાનમાં માત્ર માટીના વાસણ, હાથ ઢંકાય એવા રૂમાલ અને શિકારમાં ઉપયોગી ભાલા સાથે હોય છે. ખાસ કરીને જે ગાય દૂધ ન આપી શકતી હોય એના પાસેથી પણ એક ટેકનિકથી દૂધ લે છે. આ સમુદાયનો 9 અથવા 10 વર્ષનો એક બાળક ગાયના મુત્રમાર્ગમાં પોતાના મોઢાથી હવા ભરે છે અને ગાયના મુત્રમાર્ગને પોતાના બંને હાથેથી મસાજ કરે છે. ચારથી પાંચ મિનિટ સુધી આ ક્રિયા કરવામાં આવે છે. ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે ગાય દૂધ આપવાનું શરૂ કરી દે છે. આમ તેઓ ગૌધનને સાચવી જાણે છે. આ ઉપરાંત તેઓ પોતાના સમુદાયની મહિલાઓને પણ ખૂબ જ મહત્ત્વ આપે છે. ખેતી કરવાની સાથે તે પાકની તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળે છે. જ્યારે પુરૂષો પશુ શિબિર યોજે છે. જે પરિવારમાં દીકરીનો જન્મ થાય એ પરિવારને પૈસાદાર પરિવાર માનવામાં આવે છે. જે પરિવારમાં જેટલી વધુ દીકરીઓ હોય એ પરિવાર સૌથી વધારે શ્રીમંત મનાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp