વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના કયા દેશમાંથી ફેલાયો? USની તપાસમાં બહાર આવ્યું!
આખી દુનિયાના લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવા માટે મજબુર કરનાર કોરોના રોગચાળો ક્યાંથી ફેલાયો હતો, અમેરિકા તેની લાંબી તપાસમાં આખરે સત્ય બહાર લાવ્યું છે. વિશ્વમાં કોરોના મહામારીના કારણે જે તબાહી મચી હતી તેને ઘણા દાયકાઓ સુધી યાદ રાખવામાં આવશે. આ ઉપરાંત તેના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં ઘણો સમય લાગશે. કોવિડ રોગચાળા પછી, અમેરિકાએ તપાસ કરી અને હવે તે એવા નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે, કોરોનાવાયરસ સંભવતઃ ચીનની એક લેબોરેટરીમાંથી લીક થયો હતો. રિપબ્લિકનની આગેવાની હેઠળની હાઉસ સિલેક્ટ સબકમિટીએ આ રોગચાળાની તપાસ કરી હતી, જે 2 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, કોવિડને કારણે 11 લાખ અમેરિકનોએ જીવ ગુમાવ્યા હતા.
US દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસ 2 વર્ષ સુધી ચાલી હતી અને સમિતિએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, તે એ સિદ્ધાંતને સમર્થન આપે છે, કે કોવિડ-19 વાયરસ કદાચ ચીનના વુહાનની લેબોરેટરીમાંથી ઉદ્ભવ્યો હતો. 520 પાનાના એક અહેવાલમાં ફેડરલ અને રાજ્ય-સ્તરની પ્રતિક્રિયાઓ, વાયરસની ઉત્પત્તિ અને રસીકરણના પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી હતી.
પેનલના અધ્યક્ષ બ્રેડ વેનસ્ટ્રપે યુએસ કોંગ્રેસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'આ કાર્ય યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વને આગામી રોગચાળાની આગાહી કરવામાં, આગામી રોગચાળાની તૈયારી કરવા, આગામી રોગચાળાથી પોતાને બચાવવા અને અમને આશા છે કે આગામી રોગચાળાને અટકાવવામાં મદદ કરશે.'
આ રિપોર્ટ એ વાતને સ્વીકારે છે કે, COVID-19 માટે જવાબદાર SARS-CoV-2 વાયરસ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાંથી ઉદ્દભવ્યો છે. મીડિયા સૂત્રો અનુસાર, આ પેનલ 25 બેઠકો, 30થી વધુ ઇન્ટરવ્યૂ અને 10 લાખથી વધુ દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે.
તપાસમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિના ભૂતપૂર્વ મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌસીની જુબાની પણ સામેલ છે. રિપબ્લિકન્સે રોગચાળા માટે 83 વર્ષીય ઇમ્યુનોલોજિસ્ટને દોષી ઠેરવ્યો અને તેના પર આરોપ લગાવ્યો કે, તેણે વાયરસ બનાવનાર ચીની વૈજ્ઞાનિકોને ભંડોળ પૂરું પાડ્યું હતું. જો કે, ફૌસીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
આ ઉપરાંત, આ રિપોર્ટમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રોગચાળાને ફેલાતો અટકાવવા માટે અપૂરતું હોવાનું કહેવાયું હતું. આ સાથે લોકડાઉન લગાવવાની પણ ટીકા કરી. જોકે, તેમણે તે સમયના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન રસીની ઝડપી શોધને જબરદસ્ત સફળતા ગણાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp