26th January selfie contest

ગ્લોબલ ટાઈમ્સનો લવારો- ચીન અને પાક સામે એકસાથે યુદ્ધ ક્યારેય નહીં જીતી શકે ભારત

PC: indiatimes.com

ભારતના ઘણા રક્ષા વિશ્લેષક અને સૈન્ય અધિકારી એ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે, જો ચીનની સાથે ભારતની લડાઈ શરૂ થાય તો પાકિસ્તાન પણ તેની સાથે આવી શકે છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે થોડાં દિવસો પહેલા કહ્યું હતું કે, એવું શક્ય છે કે ભારતે ચીન અને પાકિસ્તાન બંને સામે એકસાથે લડવું પડે. અમરિંદર સિંહે કહ્યું હતું કે, આથી ભારતીય સેનાએ હજુ વધુ મજબૂત બનવાની જરૂર છે. વર્તમાન CDS અને ભારતના પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ એ વાત કહી ચુક્યા છે કે, ભારત બે મોરચા પર યુદ્ધ લડવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતનું યુદ્ધ થઈ ચુક્યુ છે. 1962માં ચીન સાથે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાને પોતાને તેનાથી અલગ રાખ્યું હતું અને 1965- 71માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ચીને પોતાને તે મામલાથી સંપૂર્ણપણે દૂર રાખ્યું હતું અને કોઈનો પણ પક્ષ લીધો નહોતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. ત્યારે અમેરિકાનું પ્રેશર હતું આથી ચીન અને પાકિસ્તાને પોતાને તટસ્થ રાખ્યા હતા.

ઘણા વિશ્લેષક એ વાત તો માને છે કે, અમેરિકાની વાત હાલની પરિસ્થિતિમાં ના પાકિસ્તાન સાંભળશે અને ના ચીન સાંભળશે. ભારત સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે હવે ચીની મીડિયામાં પણ ભારતની બે મોરચા પર યુદ્ધની તૈયારીને લઈને ચર્ચા થવા માંડી છે. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે તેને લઈને એક આર્ટિકલ છાપ્યો છે. તેમાં ભારતના પાકિસ્તાન અને ચીનની સાથે ચાલી રહેલા તણાવનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, ભારત માટે બે મોરચા પર યુદ્ધ અશક્ય છે. તેમાં લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અવારનવાર LOC પર ભારત પર સીઝફાયર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતી રહી છે. ભારતે ઓગસ્ટ 2019માં કાશ્મીરમાં અલગાવવાદીઓના મજબૂત થવાના ડરથી કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો, ત્યારથી જ બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ છે. નવી દિલ્હીને લાગે છે કે, ક્ષેત્રમાં જેટલા પણ પાકિસ્તાની છે, બધા આતંકવાદી છે. આ જ કારણ છે કે, ભારતે કાશ્મીરમાં ખૂબ જ આક્રામક નીતિ અપનાવી છે.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે, ઓગસ્ટ 2019માં ભારતના આ પગલાં છતા પાકિસ્તાન સંયમ વર્તી રહ્યું છે. પાકિસ્તાન ભારતની સરખામણીમાં સૈન્યના રૂપમાં એટલું મજબૂત નથી પરંતુ કાશ્મીર પાકિસ્તાન માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જો પાકિસ્તાનની સરકાર કાશ્મીરને લઈને કડક વલણ ના અપનાવે તો પાતના દેશમાં જ તેની લોકપ્રિયતા ઓછી થઈ જશે. આ જ કારણ છે કે, પાકિસ્તાન ભારતના દરેક આક્રામક પગલાંની ટીકા કરે છે અને જરૂર પડવા પર તેની વિરુદ્ધ એક્શન પણ લે છે.

અખબારે સવાલ કર્યો છે, ચીનની સાથે જ્યારે ભારતનો વિવાદ સરળતાથી સોલ્વ નથી થઈ રહ્યો, તો ભારત આવા સમયમાં પાકિસ્તાન વિરુદ્ધ આટલું આક્રામક શા માટે છે? ગ્લોબલ ટાઈમ્સે લખ્યું, કદાચ એટલા માટે કારણ કે ભારતીય સેના અને સરકારની અંદર પાકિસ્તાનને લઈને એક પ્રકારનો શ્રેષ્ઠતાનો ભાવ છે. આવી વિચારસરણીને કારણે જ ભારત પોતાના પાડોશી દેશ પર સ્ટ્રાઈકને અંજામ આપી દે છે. ભારતના આ પગલાંની પાછળ હિંદુ રાષ્ટ્રવાદની ભાવનાઓનો ઉભાર થવો એ પણ એક કારણ છે.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે, જો ભારત ચીન અને પાકિસ્તાનની સાથે એકસાથે યુદ્ધ કરશે અથવા કોઈ મોટો સૈન્ય સંઘર્ષ છેડશે તો કોઈપણ દેશ સશર્ત હથિયાર ઉપલબ્ધ કરાવવા ઉપરાંત ભારતની મદદ માટે આગળ નહીં આવશે. ભારતની હાલના પાડોશી દેશોને લઈને નીતિ, ખાસકરીને ચીન અને પાકિસ્તાનને લઈને ભારતની વિદેશ નીતિએ તેને એક અપ્રિય સ્થિતિમાં લાવીને ઊભું કરી દીધુ છે. તેણે વધુમાં લખ્યું, ભારત પોતાના પાડોશી દેશોની સાથે સકારાત્મક અને મિત્રતાભર્યા સંબંધો કાયમ નથી રાખી રહ્યું કારણ કે તાકાતવર દેશ હોવાની માનસિકતા તેનામાં ઘર કરી ગઈ છે. દક્ષિણ એશિયામાં તે પોતાનું આધિપત્ય ઈચ્છે છે અને તે ઈચ્છે છે કે, તમામ પાડોશી દેશ તેના નેતૃત્વને માને.

LAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરનારા ચીની મીડિયાએ ભારત પર આરોપ લગાવ્યો કે, ભારત ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે જોખમ બની ગયો છે. આ લેખમાં એ પણ સલાહ આપવામાં આવી છે કે, જો ભારત ખરેખર તાકતવર બનવા માગતો હોય તો તેણે પોતાના પાડોશી દેશોની સાથે સંબંધ સુધારવાની જરૂર છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp