કેવા હાલ થયા સીરિયાના... રાષ્ટ્રપતિ મહેલને લૂંટી લેવાયો, જુઓ તસવીરો
મધ્ય પૂર્વ હાલમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. ચારેય બાજુથી થયેલા હુમલાથી ઘેરાયેલા સીરિયા પર વિદ્રોહીઓએ કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદે તેમના પરિવાર સાથે રશિયામાં રાજકીય આશ્રય લીધો છે. આ દરમિયાન સીરિયામાંથી આવી અનેક તસવીરો સામે આવી રહી છે, જે આપણને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાદ અપાવી રહી છે.
આવી બનનારી ઘટનાઓમાં સીરિયા એવો ચોથો દેશ છે, જ્યાં વિદ્રોહીઓના કબજામાં આવ્યા પછી રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે. આ દરમિયાન સીરિયાથી આવી ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો રાષ્ટ્રપતિ ભવનની અંદર લૂંટફાટ કરતા અને હંગામો મચાવતા જોવા મળ્યા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન, બાંગ્લાદેશના બંગા ભવન અને કાબુલમાંથી પણ આવી જ લૂંટ જોવા મળી હતી.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ ભવન પર લોકોની ભીડ ઉમટી પડી છે. લોકોમાં માલ-સામાન લૂંટવાની સ્પર્ધા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં દરેક જગ્યાએ સામાન વિખરાયેલો પડ્યો છે. લોકો અંધારામાં ટોર્ચ પ્રગટાવીને વિખરાયેલી વસ્તુઓ વચ્ચે કંઈક શોધી રહ્યા છે.
એક તસવીરમાં એક મહિલા ડિઝાઇનર કપડા સાથે રાષ્ટ્રપતિ ભવનમાંથી નીકળતી દેખાઈ રહી છે. આ મહિલાએ પોતાના ખભા પર કપડાંનો ઢગલો રાખ્યો છે અને તે આનંદથી નાચતી બહાર આવી રહી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસેલું ટોળું માત્ર લૂંટ જ નથી કરી રહ્યું પણ મોંઘા સોફા પર બેસીને ફોટા અને સેલ્ફી પણ લઈ રહ્યું છે.
2011માં આરબ સ્પ્રિંગની લહેરે સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો હતો. સીરિયામાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને લોકશાહી, નાગરિક સ્વતંત્રતા અને રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગણી કરવા લાગ્યા. બશર અલ-અસદે આ વિરોધોને વિદેશી ષડયંત્ર ગણાવ્યા અને દેખાવકારોને આતંકવાદી ગણાવ્યા. તેમની સેનાએ વિરોધીઓ સામે હિંસક કાર્યવાહી કરી, જેના કારણે વિરોધ વધુ ઉગ્ર બની ગયો. ટૂંક સમયમાં જ, આ શાંતિપૂર્ણ આંદોલન એક મોટા સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ ગયું.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉમટેલા ટોળાએ સમગ્ર રાષ્ટ્રપતિ ગૃહમાં હાહાકાર મચાવી દીધો હતો. આ પ્રકારના ચિત્રો આપણને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાદ અપાવે છે, જ્યાં ટોળાએ આ જ પ્રકારે લૂંટ ચલાવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, 27 નવેમ્બરે વિપક્ષી લડવૈયાઓએ સીરિયન આર્મી પર મોટો હુમલો કર્યો હતો. પ્રથમ હુમલો વિપક્ષના કબજા હેઠળના ઇદલિબ અને પડોશી અલેપ્પોની વચ્ચેની ફ્રન્ટ લાઇન પર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પછી, વિપક્ષી લડવૈયાઓએ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો.
સીરિયામાં વિપક્ષી હયાત તહરિર અલ-શામ સંગઠનના નેતૃત્વમાં ઓપરેશન ડિટરન્સ ઓફ એગ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. HTSએ સૌથી મોટું અને સૌથી સંગઠિત છે, જેની આગેવાની અબુ મોહમ્મદ અલ-જોલાની કરી રહ્યા છે, જેમણે આ હુમલા પહેલા ઘણા વર્ષો સુધી ઇદલિબ પર શાસન કર્યું હતું.
5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશમાં હિંસા પછી લોકો PM હાઉસમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન લોકોએ PM હાઉસમાં મોટાપાયે લૂંટફાટ કરી હતી.
8 જુલાઈ, 2022ના રોજ શ્રીલંકામાં બળવો થયો હતો. હકીકતમાં શ્રીલંકાને નાદાર જાહેર કરવામાં આવ્યું હતું. આનાથી ગુસ્સે ભરાયેલા લોકો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા અને મોટાપાયે લૂંટફાટ કરી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડીને ફરાર થઇ ગયા હતા.
ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત પછી તાલિબાનોએ હુમલો કર્યો હતો અને અફઘાન સેનાએ હાર સ્વીકારી લીધી. આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, અસદના દેશ છોડ્યા પછી સીરિયાના PMએ બળવાખોરોને સત્તા સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. PM મોહમ્મદ ગાઝી અલ જલાલીએ એક વીડિયોમાં કહ્યું કે, તેઓ દેશમાં જ રહેશે અને સીરિયાના લોકો જેને પસંદ કરશે તેની સાથે મળીને કામ કરશે.
એક અઠવાડિયામાં વિદ્રોહીઓએ રાજધાની દમાસ્કસ સિવાય સીરિયાના ચાર મોટા શહેરો પર કબજો કરી લીધો છે, હવે સવાલ એ છે કે, સીરિયામાં આગળ શું થશે? વિદ્રોહીઓની જીત સાથે સીરિયામાં બશર અલ-અસદના 24 વર્ષના શાસન અને દેશમાં 13 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત આવ્યો છે. હવે સીરિયાની રાજધાની દમાસ્કસ હયાત અલ-શામના નિયંત્રણમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp