...ને સલામેહનું પગેરું મોસાદને મળી ગયું

PC: khabarchhe.com

 

મોસાદ તેના દુશ્મનને ઓળખવામાં થાપ ખાય એવું આજે પણ કોઇ માને એમ નથી. પરંતુ બ્લેક સપ્ટેમ્બરના ખરા ખેપાનીને ઠાર મારવામાં મોસાદ પણ થાપ ખાઇ ગયું. જો કે બૈરુતમાં જે ઓપરેશન સફળતાથી પાર પડાયું અને કમાન્ડોએ જે દસ્તાવેજો એપાર્ટમેન્ટમાંથી મેળવ્યા, તેમાંથી એક જુનો કોયડો ઉકેલાઇ ગયો.

એપ્રિલ 1971માં બે યુવાન અને સુંદર ફ્રેન્ચ યુવતીઓએ લોર્ડ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. જો કે એ વખતે એ બંને રૂપસુંદરીઓને સપને પણ ખ્યાલ નહીં હોય કે તેમના પહેલાં જ તેમની વાતો એરપોર્ટ ઓથોરીટીને પહોંચી ગઇ છે. અગાઉથી બાતમી મળી ગઇ હતી, તેથી જ બંને ફ્રાન્સના નકલી પાસપોર્ટ પર આવેલી બંને સુંદરીઓને અલગ કરી દઇને તેમની તળિયાઝાટક તપાસ કરવામાં આવી. એવી તપાસ કે તેમના તમામ કપડાં પણ મહિલા સુરક્ષા કર્મચારીઓએ ઉતરાવી નાંખ્યા. સામાનમાંથી તો કશું ન મળ્યું, પણ તેમના આંતરવસ્ત્રો કંઇક અજનબી હોય એવા લાગ્યા. સામાન્ય રીતે આંતરવસ્ત્રો હળવા જ હોય છે, પણ આ સુંદરીઓના આતંરવસ્ત્રો સામાન્ય કરતાં કંઇક વજનદાર હતા ! તપાસ કરતાં એ ઇનરવેરમાંથી સફેદ પાવડર ખરવા માંડ્યો. એ રુપાળી યુવતીઓના ઊઁચી હિલના સેન્ડલની હિલમાંથી પણ કેટલોક પાવડર મળી આવ્યો, તેની તપાસ થઇ તો ઇઝરાઇલી સુરક્ષા કર્મીઓ ચોંકી ઉઠ્યા કેમકે તે પાવડરમાંથી પ્લાસ્ટિક એક્સપ્લોઝીવ બનાવી શકાય. એક યુવતીની બેગની તપાસ કરતાં તેમાંથી ડિટોનેટર મળી આવ્યા. પૂછપરછમાં જણાઇ આવ્યું કે તેઓ ઇઝરાઇલની હોટલોમાં ટુરીઝમ સિઝન દરમ્યાન વિસ્ફોટ કરવા માંગતા હતા.

બંનેને પકડી લેવાઇ અને પૂછપરછ ચાલી, ત્યારે તેમને કથપૂતળીની જેમ નચાવનારો ખેલાડી તો અલ્જેરિયન મોહંમદ બૌડિયા હોવાનું બહાર આવ્યું. જો કે એ ક્યાં હતો ? એ એક મોટો નાટ્ય કલાકાર હતો, રંગીલો પણ હતો અને તેથી જ મોસાદ તેને બ્લુબીયર્ડ તરીકે જ ઓળખતું હતું. એમ તો એ મૂળ પોપ્યુલર ફ્રન્ટનો માણસ ગણાય.પાછળથી તે બ્લેક સપ્ટેમ્બર સાથે જોડાયો હતો. તે ફ્રાંસમાં બ્લેક સપ્ટેમ્બરનો મોરચો સંભાળતો હતો, તો યુરોપમાં પણ એ ઓપરેશન ઉપર નજર રાખતો હતો. હમશેરીને ઠાર માર્યા બાદ તે વધુ ખુન્નસ ધરાવતો થઇ ગયો હતો. તે વધ વેરીલો બન્યો હતો.

મે 1973માં તેની શોધખોળ શરુ થઇ હતી. એમ તો તેને શોધવો મુશ્કેલ જરુર હતો. પરંતુ તેની ભ્રમરવૃત્તિને કારણે તે આસાનીથી પકડાઇ જાય એમ હતો. બૌડિયાએ નવી મહિલા સાથે રોમાન્સ શરૂ કર્યો હતો અને બૌડિયાનું ભલે સરનામું મળી નહીં શકે, પણ તેની પ્રેમિકાનું સરનામું મળે તો તેને આસાનીથી શિકાર કરી શકાય એવું સાદું ગણિત સમજાય જાય એવું છે. તેની નવી પ્રેમિકાની ભાળ મળી, તેથી ગુપ્તચરો બૌડિયા આજે આવે કાલે આવે એમ કરીને ચાંપતી નજરે જોતાં રહ્યા, તે આવ્યો અને અંદર ગયો પછી પાછો દેખાયો જ નહીં, જાણે જમીન તેને ગળી તો નહીં ગઇ હોય ને ?

એ દેખાયાના બે દિવસ બાદ તો એ ઇમારત જ ખાલી કરાવી દેવાઇ એટલે માંડ પત્તો મળ્યો, તે પણ કશા ખપમાં ન આવ્યો. એક મહિના સુધી હતાશા જ હાથ લાગી. દર સવારે ચાંપતી નજર તો રખાતી જ હતી. બૌડિયા તેની પ્રેમિકા સાથે રાત વીતાવ્યા બાદ બીજા દિવસે સવારે નીકળી જતો હતો. પરંતુ જાસુસો જાણે કળા જ ભુલી ગયા હોય એમ તેને પકડી શકતા ન હતા. આખરે, એક દિવસ એ રહસ્ય ઉકેલાયું. એ ઇમારતમાંથી બધા બહાર નીકળે એમાં બૌડિયા ન હોય, પણ એક મહિલા નવી દેખાતી હતી.સતત નજર રાખ્યા પછી સમજાયું કે સવારે બૌડિયા મહિલાના ગેટઅપમાં બહાર નીકળી જતો હતો !

પરંતુ જ્યારે રહસ્ય ઉકેલાયું ત્યારે તે તેની પ્રેમિકાને ઘરે આવતો બંધ થઇ ગયો અને તેથી મોસાદ માટે પગેરું મેળવવું મુશ્કેલ થઇ પડ્યું. પરંતુ એક કડી તેનો પત્તો મેળવી આપી શકે એમ હતી. બૌડિયા ટ્રેનામાં આવજાવ કરતો હતો, તેથી એજન્ટોએ ઇરોલી સ્ટેશને નજર રાખવાનું શરૂ કર્યું. જો કે જ્યાં સેંકડો લોકોની અવરજવર થતી હોય, ત્યાં સતત નવા પરિવેશમાં ફરતા રહેતા કળાકારને કઇ રીતે પકડી શકાય ?

ઇરોલી સ્ટેશને નજર રાખવામાં એક દિવસ પસાર થઇ ગયો, છતાં કોઇ પત્તો ન લાગ્યો, બીજો અને ત્રીજો દિવસ પણ નિરાશા લઇને જ આવ્યો , પણ ચોથા દિવસે એજન્ટોને તેનું પગેરું મળ્યું. બૌડિયા મેટ્રોની એક્ઝીસ્ટમાં પાર્ક કરેલી પોતાની કાર લઇને તે નીકળ્યો, તે સાથે જ એજન્ટોએ તેનો પીછો શરૂ કર્યો. બૌડિયા રુડ દસ ફોસે સેઇન્ટ બર્નાન્ડ શેરીમાં પહોંચ્યો, એ તેની કોઇ પ્રેમિકાનું રહેઠાણ હશે. બીજા દિવસે સવારે તે બહાર નીકળીને કાર લઇને નીકળવાનો હતો, પહેલાં તેણે કાર ચકાસી લીધી, કશું અજુગતું ન લાગ્યું અને તે ડ્રાઇવરની સીટ પર જઇને બેઠો જ અને ભયાનક વિસ્ફોટ થયો, કાર તો આગનો ગોળો બની ગઇ અને તેના ફૂરચેફૂરચા ઉડી ગયા, જેમાં બૌડિયા પણ ભરખાઇ ગયો.

એ વિસ્ફોટ મોસાદના વડા ઝમીરે શેરીના નાકે રહીને જોયો હતો. પરંતુ તેની ઉજવણી કરી શકે એ પહેલાં જ તેના હાથમાં અરજન્ટ મેસેજ આવી પડ્યો. મોસાદના હેડક્વાર્ટર ઉપર એક ખાસ બ્લેક સપ્ટેમ્બરના મેસેન્જર અલ્જેરિયન બેન અમાના ફરતો ફરતો નોર્વેના રીસોર્ટોના શહેર ગણાતા લિલેહામર ખાતે પહોંચ્યો હતો અને ત્યાં અલી હસન સલામેહને જોયો હતો...

બૌડિયાનો કાળનો કોળિયો થઇ ગયો, તેના કરતાં સલામેહનું પગેરું મળ્યું એ જ મોટા સમચાર હતા અને તેનું સરનામું મળ્યું એટલે તેની અવસાન નોંધ મોસાદે તૈયાર કરવા માંડી હતી....

( વધુ આવતી કાલે )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp