26th January selfie contest

Video: ચીનની નાલાયકી, ભારતીય બોર્ડર પાસે કર્યો મિસાઈલ અને ડ્રોન હુમલાનો અભ્યાસ

PC: globaltimesnews

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચાલી રહેલો સીમા વિવાદ ઘણા સ્તરની વાતચીત બાદ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન ચીની સેના PLAએ મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવા માટે ભારતીય સીમાની નજીક જોરદાર યુદ્ધાભ્યાસ કર્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે, લાઈવ ફાયર એક્સરસાઈઝમાં 90 ટકા નવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે, આ અભ્યાસ 4700 મીટરની ઉંચાઈ પર પીએલએના તિબ્બત થિયેટર કમાન્ડ તરફથી કરવામાં આવ્યો. ગ્લોબલ ટાઈમ્સે આ અભ્યાસનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચીની સેના અંધારામાં હુમલો કરે છે અને ડ્રોન વિમાનોની મદદથી હુમલો કરે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચીની સેનાની રોકેટ ફોર્સ એકસાથે જોરદાર હુમલો કરીને એક આખા પહાડી વિસ્તારને નષ્ટ કરી દે છે.

એટલું જ નહીં, ચીની સેનાએ ગાઈડેડ મિસાઈલના હુમલાનો પણ અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન ચીની સેનાની તોપોએ પણ બોમ્બ વરસાવ્યા. પીએલએના સૈનિકોએ ખભા પર મુકીને ચલાવાતી મિસાઈલોનું પણ પ્રદર્શન કર્યું. ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો કે, આ અભ્યાસમાં સામેલ 90 ટકા હથિયાર અને ઉપકરણ એકદમ નવા છે. માનવામાં આવી રહ્યું છે કે, ચીની અખબારે ભારત-ચીન વાર્તા દરમિયાન દબાણ બનાવવા માટે આ વીડિયો જાહેર કર્યો છે.

જણાવી દઈએ કે, ભારત અને ચીનની વચ્ચે ઘણા સ્તરની વાતચીત બાદ પણ હજુ સુધી લદ્દાખ ગતિરોધનું કોઈ નિરાકરણ નથી આવ્યું. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, સરહદ પર મોટી સંખ્યામાં ચીની સૈનિકોની તહેનાતી પૂર્વમાં થયેલા કરારોથી વિરુદ્ધ છે. એવામાં જ્યારે બે દેશોના સૈનિક તણાવવાળા વિસ્તારોમાં રહે છે તો એ જ થાય છે જે 15 જૂને થયું. જયશંકરે કહ્યું, આ વર્તન માત્ર વાતચીતને જ પ્રભાવિત નથી કરતું પરંતુ 30 વર્ષના સંબંધોને પણ ખરાબ કરે છે.

એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધોના મૂળમાં સરહદ પર શાંતિ અને સ્થિરતા કાયમ રાખવાનું હતું, પરંતુ હાલ સરહદ પર જે તણાવ છે, તેની અસર બંને દેશોના સંબંધો પર પડવાનું નક્કી છે. આ અગાઉ વિદેશ મંત્રીએ શુક્રવારે એશિયા સોસાયટીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું, 1993થી લઈને અત્યારસુધીમાં બંને દેશો વચ્ચે ઘણા કરારો થયા, જેણે શાંતિ અને સ્થિરતા કાયમ રાખવાનો પાયો તૈયાર કર્યો. આ કરારોમાં સરહદ પ્રબંધનથી સૈનિકોના વર્તન સુધીની તમામ વાતોને સામેલ કરવામાં આવી, પરંતુ જે આ વર્ષે થયું તેણે તમામ કરારોને નકામા સાબિત કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp