PM મોદી ભગવાનને પણ સમજાવી શકે છે કે, બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે:રાહુલ ગાંધી

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું કે, કેટલાક લોકોને એવો ભ્રમ છે કે તેઓ બધું જ જાણે છે. PM મોદી ભગવાનને પણ સમજાવી શકે છે. મીડિયા જે બતાવે છે તે ભારત નથી, એક ચોક્કસ કથાની રજૂઆત કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં અસલી મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી, ગુસ્સો અને નફરતનો ફેલાવો, કથળતી શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણની કિંમત, આરોગ્ય સંભાળ છે. BJP ખરેખર આ મુદ્દાઓ પર ચર્ચા કરી શકતી નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે ભારત જોડો યાત્રાને રોકવા માટે તમામ પ્રયાસો લગાવી દીધા છે. પરંતુ કંઈ કામ ન લાગ્યું અને યાત્રાની અસર વધતી ગઈ. આવું એટલા માટે થયું, કારણ કે 'ભારત જોડો'નો વિચાર દરેકના દિલમાં છે. BJP લોકોને ડરાવી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ભારત જોડો યાત્રા એટલા માટે શરૂ થઈ કારણ કે, લોકો સાથે જોડાવા માટે જરૂરી તમામ માધ્યમો પર BJP-RSSનું નિયંત્રણ હતું.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અમેરિકાના ત્રણ શહેરોની યાત્રા માટે અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકો અને અમેરિકન સાંસદોને મળશે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભારતીય ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડા અને સંગઠનના અન્ય સભ્યોએ સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીને લાઈનમાં ઉભા રહીને રાહ જોતા જોઈને એ જ ફ્લાઇટમાં રાહુલ ગાંધી સાથે મુસાફરી કરી રહેલા કેટલાક લોકોએ લાઈનમાં ઉભા રહીને તેમની સાથે સેલ્ફી લીધી હતી. જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે, તમે લાઈનમાં કેમ ઉભા છો, તો તેમણે કહ્યું, 'હું એક સામાન્ય માણસ છું. મને આવું પસંદ છે. હું હવે કોઈ સાંસદ નથી રહ્યો.' રાહુલ સાન ફ્રાન્સિસ્કોની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન PM મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, દુનિયા એટલી મોટી છે કે, કોઈ વ્યક્તિ એવું વિચારી શકતી નથી કે, તે દરેક વિશે બધું જ જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક એવા લોકો છે, જે વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. રાહુલે કહ્યું કે, મને લાગે છે કે તેઓ (PM મોદી) વિચારે છે કે, તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને તેમને પણ સમજાવી શકે છે કે, શું ચાલી રહ્યું છે. PM મોદી પણ તેમાંથી એક છે.
રાહુલે કહ્યું કે, મને લાગે છે કે, જો PM મોદીને ભગવાનની સામે બેસવાનું કહેવામાં આવે, તો તેઓ ભગવાનને પણ સમજાવવાનું શરૂ કરશે કે, બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. ભગવાન પણ તેણે શું બનાવ્યું છે તે અંગે મૂંઝવણમાં આવી જશે. ભારતમાં આ જ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાક એવા લોકો છે જે બધું જ જાણે છે. જ્યારે તેઓ વૈજ્ઞાનિકો પાસે જાય છે, ત્યારે તેઓ તેમને વિજ્ઞાન વિશે કહે છે, જ્યારે તેઓ ઇતિહાસકારો પાસે જાય છે, ત્યારે તેઓ તેમને ઇતિહાસ વિશે જણાવે છે. તેઓ સૈન્યને યુદ્ધ વિશે, એરફોર્સમાં ઉડાન વિશે બધું કહે છે. પણ સાચી વાત એ છે કે તેઓને કંઈ સમજ નથી આવતું. કારણ કે જો તમે કોઈની વાત સાંભળવા માંગતા નથી, તો તમે તેના વિશે કંઈપણ જાણી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp