યુ.કે.ની સંસદમાં માઇક ખરાબ થતા રાહુલે કહ્યું અમારે ત્યાં તો...

PC: twitter.com/INCIndia

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સોમવારે લંડનમાં હાઉસ ઓફ પાર્લામેન્ટના પરિસરમાં બ્રિટિશ સાંસદો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, ભારતીય સંસદમાં વિપક્ષી નેતાઓના માઇક્રોફોન બંધ કરી દેવામાં આવે છે. ત્યાં વિપક્ષનું દમન થઈ રહ્યું છે. બ્રિટનમાં અપોજીશન લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ વીરેન્દ્ર શર્માએ પાર્લામેન્ટના ગ્રેન્ડ કમિટી રૂમમાં રાહુલ ગાંધી માટે એક કાર્યક્રમ આયોજિત કર્યો. આ કાર્યક્રમમાં રાહુલે પોતાની ભારત જોડો યાત્રાના અનુભવો પણ શેર કર્યા.

રાહુલ કાર્યક્રમમાં જે માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યા હતા, તે ખરાબ હતું. રાહુલે જાણીજોઈને તે માઇકમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, ભારતમાં અમારા માઇક ખરાબ નથી, તે કામ કરી રહ્યા છે, પરંતુ તમે તેને ચાલુ ના કરી શકો. જ્યારે મેં ભારતીય સંસદમાં પોતાની વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો આવુ મારી સાથે ઘણીવાર થયુ છે. રાહુલે કહ્યું કે, ભારતમાં વિપક્ષનું દમન કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમમાં રાહુલે નોટબંધીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભારતમાં નોટબંધી એક વિનાશકારી ફાયનાન્સિયલ ડિસીઝન હતું પરંતુ, અમને તેના પર ચર્ચા કરવાની પરવાનગી નહોતી. ત્યાં સુધી કે, અમને GST પર પણ ચર્ચા કરવા દેવામાં આવતી નથી. ચીનના સૈનિકોના ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાના મામલામાં ચર્ચા કરવાની પણ અમને પરવાનગી નહોતી. એવામાં અમને એક પ્રકારની ગૂંગળામણનો અનુભવ થાય છે.

કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં લોકતંત્ર એક વૈશ્વિક સાર્વજનિક સારી વ્યવસ્થા છે. ભારત ખૂબ જ મોટો છે, જો ભારતમાં લોકતંત્રને નબળું કરવામાં આવે, તો તે સમગ્ર દુનિયામાં નબળું થઈ જશે. ભારતનું લોકતંત્ર અમેરિકા અને યૂરોપના આકાર કરતા ત્રણ ગણુ છે અને જો અહીં લોકતંત્ર તૂટી જાય, તો તે સમગ્ર વિશ્વમાં લોકતંત્ર માટે એક મોટો ઝટકો હશે.

સોમવારે સાંજે રાહુલે ચૈથમ હાઉસમાં વાતચીતના સેશનમાં ભાગ લીધો. અહીં તેમણે કહ્યું કે, BJPને લાગે છે કે તે ભારતમાં હંમેશા માટે સત્તામાં બની રહેશે પરંતુ, એવુ નથી. અને એ કહેવુ કે કોંગ્રેસનો અંત થઈ ગયો છે, એ હાસ્યાસ્પદ વિચાર છે. BJPના 10 વર્ષના શાસન પહેલા કોંગ્રેસ 10 વર્ષ સત્તામાં રહી છે. જો તમે તેને યોગ્ય રીતે જોશો તો આઝાદીથી લઈને અત્યારસુધી કોંગ્રેસ પાર્ટીએ વધુ સમય સુધી દેશ સંભાળ્યો છે.

રાહુલે RSSને લઈને કહ્યું, આ એક સીક્રેટ સોસાયટી જેવી છે, જે ફાસીવાદી છે. આ સંસ્થાએ દેશના આશરે તમામ ઈન્સ્ટીટ્યૂશન્સ પર કબ્જો કરી લીધો છે. BJP આ સંસ્થાનો હિસ્સો છે. તેનો ધ્યેય રહે છે ચૂંટણીનો ઉપયોગ કરીને સત્તામાં આવવુ અને પછી લોકતંત્રને અવગણવુ. રાહુલે કહ્યું, હું એ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છું કે, RSSએ કઈ રીતે આટલી સંસ્થાઓ પર કબ્જો કર્યો છે. પ્રેસ, જ્યૂડિશિયરી, પાર્લામેન્ટ, ઈલેક્શન કમિશન, તમામ ઈન્સ્ટીટ્યૂશન્સ તેના દબાણ અને ડરમાં છે. એવામાં વિપક્ષને કંઈ બોલવા દેવામાં આવતું નથી. એવામાં લોકો સુધી પહોંચવા માટે અમે ભારત જોડો યાત્રા કાઢી હતી.

રાહુલ ગાંધીએ રવિવારે લંડનના હાઉન્સ્લોમાં 1500 પ્રવાસી ભારતીયોની વચ્ચે સ્પીચ આપી. અહીં તેમણે કહ્યું કે, અમારો દેશ ખુલ્લા વિચારોવાળો દેશ છે. એક એવો દેશ છે જ્યાં અમે અમારા જ્ઞાનને ગર્વ સાથે જોઈએ છીએ. એકબીજાનું અમે સન્માન કરીએ છીએ. હવે આ બધુ નથી રહ્યું. તમે મીડિયામાં પણ તેને જોઈ શકો છો. ત્યારબાદ જ અમે ભારત જોડો યાત્રા કરવાનું નક્કી કર્યું.

તેમણે કહ્યું, મને ખૂબ જ અજીબ લાગે છે. એક ભારતી લીડર કેંબ્રિજમાં પોતાની વાત કહી શકે છે. હાર્વર્ડમાં પોતાની વાત કહી શકે છે પરંતુ, ભારતીય યુનિવર્સિટીમાં તેઓ પોતાની વાત રજૂ નથી કરી શકતા. વિપક્ષ કોઈ મુદ્દા પર ચર્ચા કરે, સરકાર એવુ નથી થવા દેતી. આ એ ભારત નથી, જેને આપણે ક્યારેક જાણતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp