દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પત્નીના કારણે માર્શલ લૉ લગાવ્યો? કોણ છે કિમ કિયોન

PC: facebook.com/sukyeol.yoon

3 ડિસેમ્બર, મંગળવારની રાત્રે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલ દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયે દેશમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી હતી. રાષ્ટ્રપતિએ અચાનક દેશમાં માર્શલ લો જાહેર કર્યો હતો. આ જાહેરાતના થોડા સમય પછી ગણવેશધારી સૈનિકો સંસદમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ નિર્ણયની માત્ર વિપક્ષ દ્વારા જ નહીં, પરંતુ યોલની પોતાની પાર્ટીના નેતાઓએ પણ આકરી ટીકા કરી હતી. જો કે, માર્શલ લો માત્ર થોડા કલાકો જ રહેવા પામ્યો હતો. વિપક્ષનું પ્રભુત્વ ધરાવતી સંસદે તેને વોટિંગ દ્વારા ફગાવી દીધો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, યૂન સુક યોલે આવો નિર્ણય કેમ લીધો અને શું તેની પત્ની આ માટે જવાબદાર નથી?

રાષ્ટ્રપતિ યોલેની પત્નીનું નામ ઘણા વિવાદો અને કૌભાંડોમાં સામે આવ્યું છે. આ કારણે રાષ્ટ્રપતિ યુન સુક યોલની રાજકીય છબીને નુકસાન થયું છે. તાજેતરમાં થયેલા એક વિવાદ પછી, રાષ્ટ્રપતિએ નિવેદન આપવું પડ્યું કે, કિમ સારું વર્તન કરી શકતી હતી. સપ્ટેમ્બર 2022માં, કિમ એક કોરિયન-અમેરિકન પાદરી પાસેથી 30 લાખ વોન (રૂ. 1.8 લાખ)ની કિંમતની ક્રિશ્ચિયન ડાયોર બેગ ગુપ્ત રીતે સ્વીકારતી હોવાનું પિક્ચર ઉતારવામાં આવ્યું હતું, જેના કારણે મોટો વિવાદ થયો હતો.

દેશમાં માર્શલ લોનો આદેશ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ વિપક્ષોએ રાષ્ટ્રપતિ યુન સુક યોલ પર વળતો પ્રહાર ચાલુ કર્યો છે. વિપક્ષ યોલ સામે મહાભિયોગની માંગ કરી રહ્યો છે. યોલ પર વળતો પ્રહાર કરતા વિપક્ષે કહ્યું કે, માર્શલ લો રાજકીય રીતે પ્રેરિત હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, રાષ્ટ્રપતિ દેશની પ્રથમ મહિલા સામેના ભ્રષ્ટાચારના આરોપોની વિશેષ તપાસની માગણીથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે, પ્રમુખ યૂને ત્રીજી વખત એક બિલને વીટો કર્યો હતો, જેમાં શેરના ભાવની હેરાફેરી અને તેમની પત્નીને સંડોવતા પ્રભાવ-વેપારના આરોપોની વિશેષ સલાહકાર તપાસ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા.

દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ કિયોન એક ઉદ્યોગસાહસિક છે. તેમણે 2007માં કલ્ચરલ કન્ટેન્ટ કંપની કોવાના કન્ટેન્ટની સ્થાપના કરી હતી. સ્થાનિક મીડિયા સૂત્ર અનુસાર, તેમની કંપની કલા પ્રદર્શનોનું આયોજન કરે છે અને આલ્બર્ટો ગિયાકોમેટી, માર્ક ચાગલ અને માર્ક રોથકો જેવા ઘણા મોટા નામો માટે શોનું આયોજન કરે છે. કિમે 2012માં રાષ્ટ્રપતિ યૂન સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp