ટ્રમ્પના નિર્ણયથી 'કોફી મોંઘી-ફૂલો મોંઘા' પ્રેમીઓ વેલેન્ટાઇન ડે પહેલા ટેન્શનમાં

PC: hindustantimes.com

અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું અઠવાડિયું સમાચારમાં છે. જ્યારે નેતાઓ સામાન્ય રીતે પોતાના વચનો પૂરા કરવામાં સમય લે છે, ત્યારે ટ્રમ્પે આટલી ઝડપથી પોતાના આપેલા વચનોથી પલટી મારવાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું કે તેઓ ખાદ્ય ચીજોના ભાવ ઘટાડશે.

પરંતુ પહેલા અઠવાડિયામાં તેમની ક્રિયાઓએ વિપરીત અસરની શક્યતા વધારી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયોએ અમેરિકા અને કોલંબિયા વચ્ચે વેપાર યુદ્ધનો સંકેત આપ્યો છે. આના કારણે અમેરિકનોને કોફી, ફૂલો અને કાચા માલના ભાવમાં વધારો સહન કરવો પડી શકે છે.

કોલંબિયાએ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા સ્થળાંતર કરનારા પ્રવાસીઓને લઈને આવેલા લશ્કરી વિમાનોને સ્વીકારવાનો ઇનકાર કરતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. તેના જવાબમાં, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે, તેઓ કોલંબિયાથી આયાત થતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદશે અને એક અઠવાડિયામાં તેને 50 ટકા સુધી વધારવાની યોજના ધરાવે છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ પણ આ અંગે કડક વલણ અપનાવ્યું. અમેરિકા પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલંબિયા અમેરિકાના નર્સરી સ્ટોકનો એક તૃતીયાંશ ભાગ અને લગભગ 20 ટકા કોફી સપ્લાય કરે છે. આવી સ્થિતિમાં, જો આ ટેરિફ ખરેખર લાગુ કરવામાં આવે, તો અમેરિકન બજારમાં કોફી અને ફૂલોના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. તે પણ વેલેન્ટાઇન ડે પહેલા! અમેરિકને સોશિયલ મીડિયા પર આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી.

વેલેન્ટાઇન ડે નજીક છે અને અમેરિકનોને હવે ડર લાગવા લાગ્યો છે કે, ફૂલો અને કોફીના ભાવ આસમાને પહોંચી શકે છે.

એક યુઝરે કટાક્ષમાં લખ્યું કે, ટ્રમ્પ કોલંબિયાથી ગુસ્સે છે, અને આની સજા અમને મોંઘા કોફી અને મોંઘા ફૂલોના રૂપે મળશે? કદાચ આ વખતે પણ હું સિંગલ જ રહીશ. જ્યારે, બીજા એક યુઝરે કહ્યું કે, ટેરિફ વધારવાથી કોલંબિયાને નુકસાન થશે નહીં, પરંતુ અમારા ખિસ્સાને નુકસાન થશે!

કેટલાક યુઝર્સે મજાકમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે 50 ટકા ટેક્સ? હવે કોકેન કોફી કરતાં સસ્તું થશે! બીજા એક યુઝરે સલાહ આપી કે, જો તમે કોફી પીતા હો, તો હમણાં જ સ્ટોક કરી લો, કારણ કે કિંમતો વધવાની છે! જ્યારે, કોઈને ફિકર ચિંતા છે કે, તાજા ફૂલોના ગુલદસ્તા માટે આપણે કેટલો ખર્ચ કરવો પડશે?

એક યુઝરે પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, જ્યારે ટ્રમ્પ કોલંબિયાની કોફી, ફૂલો, કેળા, અનાનસ, એવોકાડો અને તેલ પર ટેરિફ લાદશે, ત્યારે છેવટે આપણે તેની કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પને સત્તામાં આવ્યાને એક અઠવાડિયું પણ થયું નથી અને તેમણે આપણા પર નવો કર લાદી દીધો છે!

નવીનતમ અપડેટ મુજબ, વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, કોલંબિયા હવે કોઈપણ વિલંબ કે પ્રતિબંધ વિના US લશ્કરી વિમાનો દ્વારા મોકલવામાં આવેલા સ્થળાંતરીઓને સ્વીકારવા માટે તૈયાર છે. પરિણામે, અમેરિકા હવે કોલંબિયા પર કોઈ ટેરિફ લાદશે નહીં, અને વેલેન્ટાઇન ડે પહેલા કોફી કે ફૂલોના ભાવમાં વધારો થવાનો ભય પણ દૂર થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp