પાકિસ્તાની હોટેલને અમેરિકન સરકાર આપે 1800 કરોડ રૂપિયા, વિવેકે ખોલી બાઈડનની પોલ

PC: twitter.com

ડોનાલ્ડ ટ્રમ્પ હજુ તો ફક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે, તેઓ તેમનો કાર્યભાર જાન્યુઆરીમાં સંભાળશે, પરંતુ તે પહેલા જ પાકિસ્તાન માટે ખરાબ સમાચાર આવવાનું શરુ થઇ ગયું છે. પાકિસ્તાન વિરુદ્ધ પોતાના કડક વલણ માટે જાણીતા ટ્રમ્પની નવી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પાકિસ્તાન સરકારને મોટો ઝટકો આપ્યો છે. રામાસ્વામીએ ન્યૂયોર્કમાં પાકિસ્તાન સરકારની 5-સ્ટાર હોટેલ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે, ન્યૂયોર્ક સિટીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રહેવા માટે પાકિસ્તાન સરકારની માલિકીની હોટલ લીઝ પર આપવા માટે 220 મિલિયન ડૉલર (રૂ. 18 બિલિયન) ચૂકવ્યા છે.

વિવેક રામાસ્વામીએ જો બાઇડેન સરકારના આ નિર્ણયની આકરી ઝાટકણી કરી હતી, અને તેને 'ગાંડપણ' ગણાવ્યું હતું. રામાસ્વામી અને ટેસ્લાના માલિક એલોન મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સરકારી કાર્યક્ષમતાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને સરકારની કાર્યક્ષમતા સુધારવા અને નકામા ખર્ચને રોકવા માટે પગલાં લેવા માટે જવાબદાર રહેશે. હજુ સુધી તેમણે આની સત્તાવાર જવાબદારી મળી નથી, તો પણ રામાસ્વામીએ એ પહેલા એક મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે.

રામાસ્વામીએ તેમના X હેન્ડલ પરથી લખ્યું, 'ન્યુયોર્ક સિટીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રહેવા માટે મેનહટનમાં આખી રૂઝવેલ્ટ હોટેલ ભાડે આપવા માટે 220 મિલિયન ડૉલર ચૂકવ્યા છે.' તેમણે આગળ લખ્યું, 'રૂઝવેલ્ટ હોટેલ પાકિસ્તાન સરકારની માલિકીની એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની માલિકીની છે.' રામાસ્વામીએ આ પગલાને ગાંડપણ ગણાવ્યું છે. જો કે, તેમની આ પ્રતિક્રિયા લેખક જોન લેફેવરેની ટ્વિટ પછી આવી છે.

આ અગાઉ, લેફેવરે તેના ભૂતપૂર્વ હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'હોટેલ પાકિસ્તાન સરકારની માલિકીની છે અને આ સોદો 1.1 બિલિયન ડૉલરના IMF બેલઆઉટ પેકેજનો એક ભાગ હતો, જેથી પાકિસ્તાનને તેના આંતરરાષ્ટ્રીય ઋણમાં ડિફોલ્ટિંગ ટાળવામાં મદદ મળી શકે.' તેમણે આગળ લખ્યું, 'આ શાનદાર ડીલ પહેલા, હોટેલ 2020થી બંધ હતી. તે લાંબા સમયથી કબજા માટે સંઘર્ષ કરી રહ્યું હતું અને તેને રીનોવેશનની સખત જરૂર હતી.'

અહીં તમને જણાવી દઈએ કે, આ હોટલનું નામ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટના નામ પર રાખવામાં આવ્યું છે. આ 19 માળની હોટેલ હવે સિટી ઓફ ન્યૂયોર્ક દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આશ્રય આપવા માટે ભાડેથી લેવામાં આવી છે. એક માહિતી અનુસાર, તેમાં 1,200થી વધુ રૂમ છે. ન્યુ યોર્ક સિટી તરફથી ભાડેથી આપવામાં આવે તે પહેલાં હોટેલને નવીનીકરણ માટે બંધ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp