ભાજપના દરેક સક્રિય કાર્યકરે 25 સભ્યો બનાવવા પડશે, નવા સંગઠનની રચના 3 મહિના ચાલશે

PC: twitter.com

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ભાજપા પ્રદેશ મહામંત્રીઓ તથા મુખ્ય અગ્રણીઓની પ્રદેશકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે,ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ ના ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી દરેક ક્ષેત્ર, દરેક વર્ગ તથા દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ઓગષ્ટના અંત સુધી આ અભિયાન ચાલુ રહેશે. સાથે સાથે સક્રિય સભ્ય બનાવવાના કાર્યો પણ ચાલુ રહેશે. જેમાં સક્રિય સભ્ય બનવા માટે કાર્યકર્તાએ 25 પ્રાથમિક સદસ્યો બનાવવાના રહેશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ-સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ભાજપાના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલ સમયપત્રક અંગે અને આગામી કાર્યક્રમો અંગે આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક સભ્યો તથા સક્રિય સભ્યો બનાવવાના રહેશે. તે અંતર્ગત આગામી સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની સૂચના મુજબ તાલુકા/મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ/બૂથ સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આગામી ઓક્ટોબર મહિનામાં જીલ્લા પ્રમુખ અને જીલ્લા સમિતિની રચના કરવામાં આવશે અને આગામી નવેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે. પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ અને સહચૂંટણી અધિકારી તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે, આગામી સમયમાં જીલ્લા ચૂંટણી અધિકારી તેમજ સહચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે.

૧૫મી ઓગષ્ટના રોજ ‘‘સ્વતંત્રતા દિવસ’’ નિમિત્તે સવારે ૮.૩૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ધ્વજવંદન કરશે, આ પ્રસંગે ભાજપા સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિત ભાજપા પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૧૫મી ઓગષ્ટના રોજ ગુજરાતના તમામ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ૭૦ વર્ષ પછી કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકારે જનહિત અને દેશહિતમાં જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તે અંગેનો અભિનંદન પ્રસ્તાવ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં પસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અટલ બિહારી બાજપાઇની પ્રથમ પૂણ્યતિથિ ૧૬મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ શ્રી અટલજીની જીવનયાત્રા-વિચારો-કવિતા-પ્રવચનો સમાવિષ્ટ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જનસેવાના ભાવ સાથે અટલજીને શ્રધ્ધાંજલી આપવા માટે સફાઇ ઝુંબેશ, હોસ્પિટલોમાં ફળફળાદિ વિતરણ અને વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યક્રમો ભાજપાના કાર્યકરો દ્વારા યોજવામાં આવશે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp