અમદાવાદ મનપા સ્વચ્છતાના નામ પર વધારી શકે છે ટેક્સ, જાણો શું છે વિચારણા

PC: digitaloceanspaces.com

અમદાવાદ મહાનગરપાલિકા હવે સ્વચ્છતાના નામ પર લોકો પર વધુ એક ભારણ વધારી શકે છે. સ્વચ્છતા અભિયાનના નામે અમદાવાદ મહાનગરપાલિકા લોકોની પાસેથી ચાર્જ વાસૂલવાની તૈયારી કરી છે. સ્વચ્છતા અભિયાન માટે રહેણાંક અને કોમર્શિયલ એકમની પાસેથી ચાર્જ વસૂલવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્તમાં રહેણાંક મિલકતો પાસેથી પ્રતિદિન 3 રૂપિયા અને કોમર્શિયલ એકમોની પાસેથી પ્રતિદિન 5 રૂપિયા યુઝર ચાર્જ વસૂલવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ રકમ નાગરીકોના પ્રોપર્ટી ટેક્સમાં ઉમેરીને લોકોને બીલ સોંપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ બાબતે ગુરુવારના રોજ મળવાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવી શકે છે. જો આ દરખાસ્તને મંજૂર કરવામાં આવશે તો જનતા પર વધુ એક ભારણ વધશે.

આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ગઈ કાલે સ્ટેન્ડિંગનો એજન્ડા નીકળ્યો તેમાં આ મુકવામાં આવ્યું છે. આ કામની ચર્ચા વિચારણા કરવામાં આવશે. નહીં કે પ્રજા પર વધારે ભારણ નાંખવા માટે. આપણે અમદાવાદમાં પિરાણા પાસેથી કચરાના ઢગલાનો નિકાલ કરીને 35 એકર જેટલી જમીન ખાલી કરી રહ્યા છીએ. દરેક ઘર સુધી સુકો અને ભીનો કચરો લઇ શકાય તેના માટે અમદાવાદના 16 લાખ કરતા વધારે ઘરોમાં બે કચરાપેટી આપવા માટે જઈ રહ્યા છીએ. આવનાર દિવસોમાં અમદાવાદ મહાનગરમાં એક પણ ઘર સુકા અને ભીના કચરા માટે બે કચરાપેટીનું વગરનું ન રહે તે કરવા માટે જઈ રહ્યા છીએ. આ ચાર્જની વાત છે કે તો યુઝર ચાર્જ નાંખવો કે નહીં નાંખવો તે બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે. અમદાવાદ શહેરની જનતા પર છેલ્લા 5 વર્ષમાં એક પણ રૂપિયાના ટેક્સનો બોજો નાંખવામાં આવ્યો નથી. આ વિચારણા કરવા માટે કામ આવ્યું છે. વિચારણાના અંતે આ નિર્ણય લેવામાં આવતો હોય છે.

હાલ તો અમદાવાદની જનતા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નાંખવાનો વિષય બોર્ડ દ્વારા વિચારવામાં આવ્યો નથી. આ કામ આવ્યું છે તે કામ અમારા ભાજપના 160 કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ગુરુવારે મીટીંગની અંદર નિર્ણય કરવામાં આવશે. આ પહેલા આપણે અમદાવાદની જનતાને 35 કરોડ રૂપિયાના ખર્ચે કચરાપેટી આપવાનો નિર્ણય કર્યો છે. તે કચરાપેટી પણ એક પણ રૂપિયો લીધા વગર આપવાના છીએ. તેના ભાગ રૂપે આ કામ આવ્યું છે. આ નિર્ણય ચર્ચા વિચારણા બાદ જ લેવામાં આવશે.

આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, AMCએ એજન્ડામાં જે બીજા નંબરનું કામ ટેક્સ વધારવાનું મુકયું છે તે જનતા પર બોજ વધારવાનું કામ છે. આનાથી સ્વચ્છતાના નામ પર 270 કરોડનો બોજ જનતા પર આવશે. કોંગ્રેસ પાર્ટીનો સવાલ એ થાય છે કે, 270 કરોડ રૂપિયા તમે સ્વચ્છતાના નામ પર વધારી રહ્યા છો પણ જનતાને શું આપી રહ્યા છો? આ મોટું ભ્રષ્ટાચારનું કામ છે અને આ એજન્ડાને રદ્દ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp