રાહતના સમાચારઃ જીવન જરૂરિયાત સિવાયની વસ્તુઓના ટ્રક પરિવહનને પણ ગ્રીન સિગ્નલ

PC: aljazeera.com

સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે દેશવાસીઓ માટે એક રાહતના સમાચાર છે. સરકારે લોકડાઉનના સમયમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે જ ટ્રકની અવરજવરને મંજૂરી આપી હતી. પણ હવે સરકારે જીવન જરૂરિયાત સિવાયની ચીજ-વસ્તુઓ માટે ટ્રક પરિવહનને લીલી ઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના વધતા જતા જોખમને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 24 માર્ચથી 21 દિવસ સુધી લોકડાઉનનું એલાન કર્યું હતું. જે તા. 14 એપ્રિલ સુધી યથાવત રહેશે. સરકારના તાજેતરમાં આવેલા નિર્ણયને કારણે જીવન જરૂરિયાત સિવાયની કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓના અટવાયેલા ટ્રકને પણ વેગ મળશે.

જે-તે શહેર કે જિલ્લામાં અથવા હાઈવે પર ફસાયેલા ટ્રકને નીકળવામાં સરળતા રહેશે. આ ટ્રક લોકડાઉનની રાતથી જ્યાં હતા ત્યાં જ રહી ગયા છે. આમ દેશમાં મર્યાદિત ક્ષેત્રમાં ઉત્પાદનકાર્ય પણ શરૂ થશે. જે પ્રતિબંધ શ્રેણીમાં નથી આવતી એ તમામ ચીજ-વસ્તુઓની આયાત-નિકાસ પણ શરૂ થઈ જશે. નગર વિમાન મંત્રાયલય એ નક્કી કરવા માટે જુદી જુદી રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે કે, કોવિડ-19ની સારવાર સાથે જોડાયેલા મેડિકલ ઉપકરણ અને બીજા જરૂરી સામાનની સપ્લાયમાં કોઈ વિઘ્ન ઊભું ન થાય. આ પ્રકારના જરૂરી સામાન માટે એર ઈન્ડિયા અને અલાયન્સ એર કાર્ગોની સેવાની મદદ લેવામાં આવી રહી છે.

રવિવારે તા. 29ના રોજ ગૃહસચિવ અજય ભલ્લાએ સ્પષ્ટ કર્યું હતું કે, પાંચ દિવસ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એમાં કેટલાક સંશોધન પણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લોકડાઉનને કારણે કેટલીક વસ્તુઓને લઈને મુશ્કેલીઓ પડી રહી હતી. દૂધ સૌથી જરૂરી ચીજ-વસ્તુઓ પૈકી એક છે. જ્યારે એના પેકેજિંગ અન્ય વસ્તુઓમાં આવે છે. પણ જો મિલ્ક યુનિટ સુધી કોઈ દૂધના પેકેટ ન પહોંચ્યા તો સપ્લાય કેવી રીતે થશે એ મોટો પ્રશ્ન છે. ટ્રક પરિવહનને મંજૂરી મળતા આ પ્રકારની મુશ્કેલીઓ ઓછી થવાના એંધાણ છે. રાજ્યના મુખ્ય સચિવને એક લખવામાં આવેલા ખાસ પત્રમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગ્રોસરીની સાથોસાથ સ્વચ્છતાલક્ષી ઉત્પાદન જેમ કે, હેન્ડ વૉશ, સાબુ, બોડી વૉશ શેમ્પૂ, સરફેસ ક્લિનર, કપડાં ધોવાના સોડા-પાઉડર, ટિશ્યુ પેપર, ટુથપેસ્ટ, સેનેટરી પેડ, ડાયપર, બેટરી, સેલ, ચાર્જર વગેરેની પરવાનગી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp