500 ગ્રામની આ નાની બોટલ યુરિયાની આખી બેગનો વિકલ્પ બની જશેઃ અમિત શાહ

PC: khabarchhe.com

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઝારખંડમાં દેવઘર ખાતે વિશ્વના પ્રથમ ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટના પાંચમા પ્લાન્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ઇફ્કોના નેનો યુરિયા પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબે, ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આજે અહીં ઇફ્કોના નેનો યુરિયા પ્લાન્ટના ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રવાહી યુરિયા આપણા દેશની જમીનનાં રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ જમીન સંરક્ષણને એક મુખ્ય મુદ્દો બનાવી જમીન સંરક્ષણનાં તમામ કાર્યોને પ્રાથમિકતા આપી હતી, પછી તે કુદરતી ખેતી હોય, જૈવિક ખેતી હોય કે નેનો યુરિયાનાં સંશોધનથી ઉત્પાદન સુધીની પ્રક્રિયાને ઝડપી બનાવવાની વાત હોય. અમિત શાહે જણાવ્યું હતું કે, નેનો યુરિયાનાં દેવઘર એકમની રચના થવાથી દર વર્ષે અહીં આશરે 6 કરોડ પ્રવાહી યુરિયાની બોટલનું ઉત્પાદન થશે, જે તેની આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડશે અને ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે 500 ગ્રામની આ નાની બોટલ યુરિયાની આખી બેગનો વિકલ્પ બની જશે. દેશમાં ઘણી જગ્યાએ ખેડૂતો યુરિયાની સાથે સાથે લિક્વિડ યુરિયાનો છંટકાવ પણ કરે છે, જેનાથી માત્ર પાકને જ નહીં પરંતુ જમીનને પણ નુકસાન થાય છે. તેમણે કહ્યું હતું કે, જો ખેડૂતો પ્રવાહી યુરિયાનો છંટકાવ કરે તો ઉત્પાદનમાં સંભવતઃ વધારો થશે. અમિત શાહે જણાવ્યું હતું કે, નેનો લિક્વિડ યુરિયા પર સંશોધન માત્ર ધરતી માતાનાં સંરક્ષણ માટે થયું છે. રાસાયણિક ખાતર જમીનમાં રહેલા કુદરતી ખાતરનું ઉત્પાદન કરતા અળસિયાંને મારી નાખે છે, જ્યારે પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવાથી જમીનમાં કોઈ પણ પ્રકારનું ઝેર નહીં થાય.

અમિત શાહે જણાવ્યું હતું કે, જો ખેતીમાંથી કેમિકલ અને યુરિયા ખાતરનો ઉપયોગ જલદી નાબૂદ નહીં થાય તો વિશ્વના અનેક દેશોની જેમ અહીં પણ જમીનની ઉત્પાદકતા પર નકારાત્મક અસર પડશે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના સહકારથી રચાયેલી ઇફ્કોએ દુનિયામાં સૌ પ્રથમ લિક્વિડ નેનો યુરિયાનું નિર્માણ કર્યું હતું અને હવે તે ડીએપી (ડી-એમોનિયમ ફોસ્ફેટ) તરફ આગેકૂચ કરી રહ્યું છે. તે ભારત અને સમગ્ર સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે. અમિત શાહે જણાવ્યું હતું કે, PM મોદીએ સહકારિતાને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ઉત્પાદન ક્ષેત્રમાં નવાં સહકારી એકમો માટે આવક વેરાનો દર 26 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારિતા મંત્રાલયની રચના બાદ સમગ્ર ભારતમાં સહકારી મંડળીઓની ડેટા બૅન્ક બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. આગામી 5 વર્ષમાં સરકાર દરેક પંચાયતમાં નવી બહુહેતુક સહકારી મંડળીઓ, પ્રાથમિક મત્સ્યઉદ્યોગ મંડળીઓ અને ડેરી સહકારી મંડળીઓ સ્થાપવાની સુવિધા આપશે. તેમણે કહ્યું કે દેશમાં વર્ષોથી એવી સ્ટોરેજ પ્રક્રિયાઓ ચાલી રહી છે જે આપણા દેશને અનુકૂળ નથી. ખેડૂતની પેદાશને પહેલા ગોદામોમાં લાવવામાં આવે છે અને પછી ગામમાં ફરી વહેંચવા માટે લઈ જવામાં આવે છે, જેનાં કારણે સરકાર ગરીબોને જે લાભ આપવા માગે છે તેના 50 ટકા ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચાય છે. પરંતુ હવે દરેક તાલુકામાં બેથી પાંચ હજાર ટનની સ્ટોરેજ ક્ષમતા ધરાવતાં આધુનિક ગોડાઉનો બનાવવામાં આવશે, જેથી ખેડૂતની પેદાશને તાલુકા કેન્દ્ર ખાતે જ સંગ્રહિત કરવામાં આવશે અને ત્યાંથી મધ્યાહ્ન ભોજન અને મફત અનાજ એજ તાલુકામાં ગરીબોને વિતરણ કરવામાં આવશે, જેનાથી અનાજના પરિવહન ખર્ચમાં આશરે 80 ટકાનો ઘટાડો થશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM મોદીએ બજેટમાં વિશ્વની સૌથી મોટી સહકારી ખાદ્ય સંગ્રહ યોજનાની જાહેરાત કરી છે, જે સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. આનાથી પેક્સ બહુપરિમાણીય બનશે અને તેમની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે સહકારિતા મંત્રાલયે આઇટી મંત્રાલયની મદદથી પીએસીએસને સમુદાય કેન્દ્ર તરીકે પણ માન્યતા આપી છે. હવે ભારત સરકાર અને રાજ્ય સરકારની 300 સેવાઓ પીએસીએસ દ્વારા ઉપલબ્ધ થશે, જેમ કે જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન, એર-ટ્રેન ટિકિટ બુકિંગ, બૅન્કિંગ વગેરે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે લિક્વિડ યુરિયાની નિકાસ લગભગ 5 દેશોમાં થઈ રહી છે. તેમણે કહ્યું કે ઇફ્કો દ્વારા બનાવવામાં આવેલું આ પ્રવાહી યુરિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ખેડૂતોને પણ મદદ કરશે. ભારત એક સમયે યુરિયાની આયાત કરતું હતું, પરંતુ અનેક યુરિયા ફેક્ટરીઓને PMએ પુનર્જીવિત કરી હતી અને આજે 30 એકરમાં બની રહેલી પ્રવાહી યુરિયાની આ નાનકડી ફેક્ટરી આયાતી 6 કરોડ યુરિયા ખાતરની થેલીઓનો વિકલ્પ બનાવશે, જે ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. આનાથી ખેડૂતની જમીન પણ જળવાઈ રહેશે અને ઉત્પાદન પણ વધશે. પૂર્વ ભારતના ખેડૂતોને શુભેચ્છા પાઠવતા અમિત શાહે જણાવ્યું હતું કે, આ લિક્વિડ નેનો યુરિયા ફેક્ટરી માત્ર ઝારખંડમાં જ નહીં, પણ બિહાર, ઓડિશા અને બંગાળના ખેડૂતોનાં ખેતરોમાં પણ ઉત્પાદન વધારવામાં ઉપયોગી સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp